Gujarat

ખેડા જિલ્લામાં આઉટસોસગ કર્મચારીઓના થતાં શોષણ સામે વિરોધ

By GS Team
4 Aug 20221 min read
This article was originally published on 4 Aug 2022
ખેડા જિલ્લામાં આઉટસોસગ કર્મચારીઓના થતાં શોષણ સામે વિરોધ

- કોમ્પ્યુટર ઓપરેટરો ઘણા વર્ષોથી નોકરી કરતા હોવા છતાં ઓછું વેતન ચૂકવાતું હોવા સામે રોષ

નડિયાદ


ખેડા જિલ્લા કલેકટર કચેરી હસ્તકની મામલતદાર કચેરીઓમાં કોમ્પ્યુટર ઓપરેટરોને માત્ર રૂ. ૫,૦૦૦ જ વેતન આપી ભારે શોષણ કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોમ્પ્યુટર ઓપરેટરોને નિયમ મુજબ વેતન ચૂકવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં મામલતદાર કચેરીઓમાં ઈ - ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર, એટીવીટી વગેરે વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવે છે. આ ઓપરેટરોને આઉટ સોસીંગ હેઠળ મૂકવામાં આવ્યાં છે. આ કોમ્પ્યુટર ઓપરેટરોને માંડ રૂ. ૫,૦૦૦ માસિક પગાર આપવામાં આવે છે. હાલ મોંઘવારીના સમયમાં નજીવા વેતન માં કર્મચારીઓને પરિવારનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે ત્યારે ઘણા સમયથી ફરજ બજાવતા આઉટ સોસિંગ ઓપરેટરોને  લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવા માંગણી ઉઠવા પામી છે. વસો તાલુકાના અલીન્દ્રાના એક અગ્રણીએ કલેકટરને આવેદનપત્ર આપી મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોનું થતું શોષણ બંધ કરી નિયમ મુજબ મળવાપાત્ર વેતન ચૂકવવા માંગણી કરી છે. વધુમાં નડિયાદ, મહેમદાવાદ, માતર, વસો, ખેડા, ગળતેશ્વર, મહુધા, કઠલાલ તેમજ કપડવંજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓને વહેલી તકે મળવાપાત્ર પગાર ચૂકવવા માંગણી કરી છે. જો કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી છે.