સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી, અમદાવાદમાં શોપીંગ મોલ,હોટલ, રેસ્ટોરન્ટમાં પહોંચેલા લોકોની કોરોના વેકિસન મામલે તપાસ
ઓશીયા મોલ,કેપ્રીકોન રેસ્ટોરન્ટ ઉપરાંત ડી-માર્ટ વેજલપુર સહિતના સ્થળોએ કોરોના વેકિસન ના લેનારાઓને પરત મોકલાયા

અમદાવાદ,મંગળવાર,23
નવેમ્બર,2021
અમદાવાદ શહેરમાં કોરોના વેકિસન નહીં લેનારા લોકોને શોધી કાઢવા મંગળવારે મોડી સાંજથી શોપીંગ મોલ ઉપરાંત હોટલ તથા રેસ્ટોરન્ટ સુધી પહોંચેલા લોકોની તપાસ શરુ કરી છે.મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગની સો જેટલી ટીમ દ્વારા શહેરના સાત ઝોનમાં કાર્યવાહી મોડી રાત સુધી કરવામાં આવી હતી.દરમ્યાન હજુ સુધી કોરોના વેકિસન ના લેનારા લોકો મળી આવતા તેમને જે તે સ્થળે પ્રવેશ મેળવતા અટકાવીને પરત મોકલવામાં આવ્યા હતા.જો કે આવા લોકોની ચોકકસ સંખ્યા જાણવા મળી શકી નથી.ઓશીયા મોલ ઉપરાંત કેપ્રીકોન રેસ્ટોરન્ટ તેમડ વેજલપુરમાં આવેલા ડી-માર્ટ સહિત અનેક મોલ,હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં તંત્રે તપાસ કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ,મંગળવારે મોડી સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોના વેકિસન મામલે શહેરના શોપીંગ મોલ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં જતા લોકોની વેકિસનને લઈ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ નિર્ણય બાદ સોલીડ વેસ્ટ વિભાગની ટીમો દ્વારા રામોલમાં આવેલી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, દાણી લીમડા વિસ્તારમાં આવેલી બ્રાન્ડ ફેકટરી, નિકોલ વિસ્તારમાં આવેલા ઓશીયા મોલ, સરસપુર વિસ્તારમાં આવેલી કેપ્રીકોન રેસ્ટોરન્ટ વટવા વિસ્તારમાં આવેલા ઓશીયા મોલ, વેજલપુર વિસ્તારમાં આવેલા ડી-માર્ટ સહિતના સ્થળોએ લોકોને પ્રવેશ આપતા પહેલા મુલાકાતી દ્વારા કોવિડ વેકિસનના બંને ડોઝ લીધા છે કે કેમ? એ અંગેની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવા મંજુરી આપી હતી.મોડી સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શરુ કરવામાં આવેલી ઓચીંતી તપાસને લઈ લોકો પણ અચંબામાં પડેલા જોવા મળ્યા હતા.

