For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જમાલપુર વોર્ડના અનેક વિસ્તારોમાં બકરી ઈદના દિવસે પાણી ન મળ્યું

તહેવારના દિવસે જ પાણી માટે કકળાટ

કેચપીટો ગંદકીથી ઉભરાઈ રહી છે

Updated: Jul 21st, 2021

Article Content Image

અમદાવાદ,બુધવાર,21 જુલાઈ,2021

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે બુધવારે બકરી ઈદના તહેવાર નિમિત્તે સવારે પાંચથી આઠ સુધી જે વિસ્તારોમાં લઘુમતી સમાજના શહેરીજનો વસવાટ કરી રહ્યા છે એ વિસ્તારોમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.આ જાહેરાત છતાં જમાલપુર વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી ના મળ્યું હોવાનો સ્થાનિક કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.તહેવારના દિવસે જ પાણી ના મળવાથી પાણી મેળવવા માટે વોર્ડના અનેક વિસ્તારના લોકોને કકળાટ કરવો પડયો હતો.

આ અંગે મળતી માહીતી મુજબ,બુધવારે જમાલપુર વોર્ડમાં આવેલી જાન સાહેબની ગલી ઉપરાંત કોઠી મહોલ્લા આસપાસના વિસ્તારોમાં પાણી ન મળ્યુ હોવાનો સ્થાનિક કોર્પોરેટર રફીક શેખે આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત વોર્ડના વણકરવાસ,બાવામિયા કાદરીની ચાલી,મુંડા દરવાજા સહીતના વિસ્તારોમાં અપુરતા પ્રેસરથી પાણી મળે છે.સ્થાનિક કોર્પોરેટરની મળેલી પ્રતિક્રીયા મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી જમાલપુર વોર્ડમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે.આ મામલે અનેક વખત ઈજનેર વિભાગના અધિકારીઓથી લઈ પ્રોજેકટ વિભાગના અધિકારીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી રજુઆત કરવામાં આવી છે.છતાં નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી.પરીણામે વોર્ડના અનેક અંતરીયાળ વિસ્તારો સુધી પાણી પુરતા પ્રેસરથી પહોંચતુ નથી.સમસ્યા ના ઉકેલી શકવા બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ રજુઆત કરવામાં આવી છે.

જમાલપુર વોર્ડમાં પુરતા પ્રેસરથી પાણી ના મળવા પાછળના કારણો કયા?

જમાલપુર વોર્ડના વિવિધ વિસ્તારોમાં ત્રણ મહિનાથી પ્રદુષિત પાણી મળવાની કે અપુરતા પ્રેસરથી પાણી મળવાની ફરીયાદો વધવા પામી છે.આમ થવા પાછળના કારણો અંગે સ્થાનિક કોર્પોરેટરના કહેવા પ્રમાણે, લાલ દરવાજા ખાતે આવેલી ઓવરહેડ ટાંકી તેની ક્ષમતા કરતાં ઓછી ભરવામાં આવે છે.ઉપરાંત ત્રણ પમ્પ પુરતા પ્રેસરથી નિયમિત ચલાવવામાં આવતા નથી.દેવડીવાલા પાણી વિતરણ કેન્દ્રની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પણ પુરતા પ્રેસરથી પાણી ભરવામાં આવતુ નથી.

વોર્ડમાં ઠેર-ઠેર ગંદકીથી ઉભરાઈ રહેલી કેચપીટો

એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૃપે શહેરના તમામ ઝોનમાં કેચપીટો સાફ કરીને ડિસિલ્ટીંગ કરવામાં આવ્યુ હોવાની જાહેરાત કરવામાં આવી છે.બીજી તરફ જમાલપુર વોર્ડના અનેક વિસ્તારોમાં કેચપીટોની સફાઈ માત્ર કાગળ ઉપર કરવામાં આવી હોવાથી કેચપીટો ગંદકીથી ઉભરાઈ રહી છે.આવી નર્કાગાર પરિસ્થિતિની વચ્ચે જે તે વિસ્તારના રહીશો અને રસ્તે આવતા-જતા વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.આ વોર્ડ પણ સ્માર્ટ સિટીનો જ એક ભાગ છે એ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહેલા ઈજનેરો ભૂલી ગયા હોય એમ દેખાઈ આવે છે.

Gujarat