For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેરથાના મકાનમાંથી વિદેશી દારૃનો જથ્થા સાથે એક પકડાયો

Updated: Apr 27th, 2024

શેરથાના મકાનમાંથી વિદેશી દારૃનો જથ્થા સાથે એક પકડાયો

ચૂંટણીને પગલે પ્રોહીબિશન ડ્રાઇવ યથાવત

ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થળોએ પોલીસે દરોડા પાડીને દેશી દારૃ સંબંધિત ગુનાઓ દાખલ કર્યા

ગાંધીનગર :  લોકસભાની ચૂંટણીને પગલે હાલ પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે જે અંતર્ગત અડાલજ પોલીસ દ્વારા શેરથા ગામના મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો તો બીજી બાજુ અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૃની હાટડીઓ ઉપર પણ પોલીસની કાર્યવાહી ચાલુ રહેવા પામી હતી.

ગાંધીનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા રીઢા બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં અગાઉ પકડાયેલા બુટલેગરો ઉપર નજર રાખીને દારૃની હેરાફેરી કે વેચાણ કરે છે કે નહીં તે પણ તપાસવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે અને દેશી દારૃના નાના-મોટા કેસો કરવામાં આવી રહ્યા છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, શેરથા ગામના મોટા ઠાકોરવાસમાં રહેતો પ્રતાપજી ગાંડાજી ઠાકોર તેના ઘરે વિદેશી દારૃનો જથ્થો રાખીને વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસે અહીં દરોડો પાડતા પ્રતાપજી ઠાકોર હાજર મળી આવ્યો હતો અને ઘરના ઓસરીના ભાગમાં તપાસ કરતા વિદેશી દારૃની ૩૪ જેટલી બોટલ મળી આવી હતી. જેથી તેની અટકાયત કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ ભાટ,કોટેશ્વર તેમજ કલોલ, દહેગામના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા દેશી દારૃ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજી ચૂંટણી સુધી આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ સ્થિતી જેમની તેમ થઈ જશે તે પણ નક્કી છે.

Gujarat