For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કડીયાકામના મજુરો જ બંધ મકાનોની રેકી કરી ચોરી કરતાં

Updated: Jul 7th, 2021

Article Content Image

કલોલ તાલુકા પોલીસે બે ઘરફોડીયા પકડયા

ધાનજ ગામમાં થયેલી ચોરીનો ૧.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને અગાઉના બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો

ગાંધીનગર:ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે કલોલના ધાનજ ગામમાં મકાનનું તાળું તોડી તેમાંથી ૧.૮ર લાખની ચોરી કરવામાં આવી હતી. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસની ટીમે આ ચોરીના મુદ્દામાલ સાથે બે ઘરફોડીયા ઝડપી લીધા હતા અને તેની પુછપરછમાં અગાઉના બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. દાહોદના બે કડીયાકામ કરતાં મજુર કલોલમાં આવ્યા હતા અને રેકી કરીને બંધ મકાનોમાં ચોરી કરતાં હોવાનું પણ ખુલવા પામ્યું છે. જેઓની પુછપરછમાં અન્ય ગુનાનો ભેદ ઉકેલાવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધવા પામી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરીને ઘરફોડ ચોરીના આવા ગુનાઓ ઉકેલવા મથી રહી છે. ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પીએસઆઈ એચ.એ.દેસાઈને બાતમી મળી હતી કે કલોલના ધાનજ ગામે બંધ મકાનમાં ચોરી કરનાર બે ઘરફોડીયા પંચવટી પાસે આવનાર છે જે બાતમીના પગલે પોલીસ ટીમે તેમને ઝડપી લીધા હતા અને સોનાચાંદીના દાગીના મળી ૧.૮ર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરેશ બચુભાઈ મંડોળ અને શૈલેષ બચુભાઈ મંડોળ રહે.ચીલકોટા, ભુસકા ફળીયું તા.લીમખેડા જી.દાહોદની પુછપરછ શરૃ કરી હતી જેમાં કલોલ તાલુકા પોલીસ મથકમાં એક વર્ષ નોંધાયેલી અન્ય બે ઘરફોડ ચોરીના ભેદ પણ ઉકેલાયા હતા. આ બન્ને આરોપીઓ કડીયાકામની મજુરી માટે કલોલ આવતા હતા અને આસપાસના વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરીને તેમાં ચોરી કરતા હતા જે આરોપીઓની પુછપરછમાં ચોરીના અન્ય ગુનાઓ ઉકેલાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

Gujarat