For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોન આપવાના બહાને છેતરપિંડીના કેસમાં કોર્ટના હુકમ બાદ ગુનો દાખલ થયો

Updated: Apr 28th, 2024

લોન આપવાના બહાને છેતરપિંડીના કેસમાં કોર્ટના હુકમ બાદ ગુનો દાખલ થયો

ગાંધીનગર નજીક મોટી શિહોલીમાં ત્રણ વર્ષ અગાઉ

સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ પણ ગુનો દાખલ નહી થતા કોર્ટમાં ફરિયાદ કરી હતી

ગાંધીનગર :  હાલમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર નજીક મોટી શિહોલીમાં ત્રણ વર્ષ અગાઉ સંબંધીના ઘરે આવેલા પોરબંદરના રહીશને લોન આપવાના બહાને મેસેજ કરી દસ હજાર રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે સંદર્ભ ગુનો દાખલ નહીં થતા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને આખરે કોર્ટના હુકમ બાદ ચિલોડા પોલીસમાં ગુનો દાખલ થયો છે.

છેલ્લા ઘણા સમયથી નાગરિકોને સોશિયલ મીડિયાના માધ્યમ થકી સાઈબર ગઠિયાઓ લોભામણી લાલચ આપીને છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં પણ ગાંધીનગરના મોટી શિહોલી ખાતે આવેલા પોરબંદરના ભોમિયાવદર ગામના પરબત અરસી ઓડેદરાને ફોન ઉપર એક મેસેજ આવ્યો હતો અને તે મેસેજમાં લોન માટે સંપર્ક કરવા કહ્યું હતું. જેના પગલે તેમણે આ મેસેજમાં આવેલી લીંક ખોલીને આધાર કાર્ડ અને બેંક ડીટેલ ભરી હતી ત્યારબાદ વોટ્સઅપ મારફતે તેમની સાથે ગઠીયાઓએ ચર્ચા કરી હતી અને તબક્કાવાર બે વખત પાંચ પાંચ હજાર રૃપિયા ભરાવીને ૩ લાખની લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જો કે તેમને લોનના રૃપિયા મળ્યા ન હતા અને આ નંબર પણ બંધ થઈ ગયો હતો. જેથી તેમણે સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ પોર્ટલ ઉપર કરી હતી પરંતુ આ સંદર્ભે ગુનો દાખલ થયો ન હતો. જેથી તેમણે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ત્રણ વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ કોર્ટે આ સંદર્ભે આઇપીસી હેઠળ ગુનો દાખલ કરવા માટે પોલીસને તાકીદ કરી હતી. જેના અનુસંધાને ચિલોડા પોલીસ દ્વારા આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે જિલ્લામાં આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ વ્યાપક બની રહી છે અને હજી સુધી કોઈ મોટી ગેંગ પકડવામાં આવી નથી ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

Gujarat