માતરના અસલાલી ઔદ્યોગિક એકમમાં કામદારોનો હલ્લાબોલ

- સેંકડો કામદારોનું શોષણ : લઘુતમ વેતન ધારાનો ભંગ થતા

- મોટાભાગના કામદારોને રોકડમાં પગારનું ચુકવણું કરવામાં આવે છે : કોરોનામાં આપેલો પગાર પણ પરત લઈ લેવાયો

- પગાર ચિઠ્ઠી, ઓળખ કાર્ડ, પી.એફ. રજાઓ, ગણવેશ સહિત સુરક્ષાના સાધનોથી વંચિત 

- અસલાલી, ભલાડા, ત્રાણજા, લીંબાસી સહિત અન્ય ગામડાના કામદારોએ હોબાળો મચાવ્યો : જ્વલનશીલ પ્રવાહીથી દાઝી ગયેલા કામદારોને નોકરીમાંથી પાણીચંુ પકડાવ્યું

માતર

માતરના અસલાલી ખાતે આવેલ એક ઔદ્યોગિક એકમમાં સેંકડો કામદારોને છેલ્લા ઘણા વર્ષોથી એકમના માલિક દ્વારાલઘુતમ વેતન ધારાનો સરેઆમ ભંગ કરવામાં આવતા કામદારોએ ઔદ્યોગિક એકમ બહાર ભારે હોબાળો મચાવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.અસલાલી ખાતે આવેલ કરોડો ના ખર્ચે ઉભુ કરેલ નામ વગરના ઔદ્યોગિક એકમમાં સેંકડો કામદારો ફરજ બજાવી રહ્યા છે, તેઓને પગાર અને અન્ય લાભોમાં શોષણ કરવામાં આવી રહેલ છે.જેની સામે આજે મહિલા અને પુરુષ કામદારોએ મોરચો ખોલ્યો હતો.

આ ઔદ્યોગિક એકમમાં અસલાલી, ત્રાણજા, ભલાડા, લીંબાસી સહિત અન્ય ગામડાઓમાં થી કામદારો વર્ષોથી ફરજ બજાવી રહેલ છે.તેઓને લઘુતમ વેતન કરતા પણ ઓછું વેતન આપવામાં આવે છે, જાહેર રજાઓ આપવામાં આવતી નથી,પ્રોવિડન્ટ ફંડ ની કપાત પણ કરવામાં આવતી નથી,પગાર સ્લીપો પણ આપવામાં આવતી નથી,કામદારો ને ઓળખ કાર્ડ,ગણવેશ સહિત સુરક્ષા પણ આપવામાં આવતી નથી.

આ એકમમાં કામદારો વર્ષોથી ફરજ બજાવે છે .નવ કલાક નોકરી કરે છે અને માત્ર ૨૦૦,૨૩૦,૨૫૦ પગારની ચુકવણી કરવામાં આવી રહી છે. આ અંગે ત્રાણજા ગામના મહિલા કામદાર શિલ્પાબેને જણાવ્યું હતું કે ,મારે છ વર્ષની નોકરી થઈ,નવ-નવ કલાક કામ કરૂં છું ત્યારે મને માંડ માંડ રૂ.૨૦૦ થી રૂ.૨૫૦ રોજના પગાર ભરી આપતા હતા ,હમણાં ગત જુલાઈ થી રૂ.૩૦૦ પગાર કરવામાં આવ્યો છે, જયારે અસલાલી ના અન્ય એક મહિલા કામદારે જણાવ્યું હતું કે, હું ૩ વર્ષથી નોકરી કરું છું રૂ.૨૩૦ રોજ આપતા હતા જે જુલાઈ માં રૂ.૨૫૦ કરવામાં આવ્યા છે. અન્ય એક ભલાડાના મહિલા કામદારે જણાવ્યું હતું કે, હું છેલ્લા દોઢ વર્ષથી આવું છું .મને રોજ રૂ.૧૫૦ પગાર આપતા હતા જે વધારી રૂ.૨૫૦ કરવામાં આવ્યા હતા.આ ઔદ્યોગિક એકમમાં કામદારો નવ-નવ કલાક કાળી મજૂરી કરી રહ્યા છે, અને કહેવાતી  નામ વગરની કંપનીનો માલીક રોજના માત્ર રૂ.૨૦૦-૨૫૦ આપી રહેલ છે. મોટાભાગના કામદારોને રોકડમાં જ પગાર ચૂકવી રહેલ છે.અમુક જ કામદારો ન ે પગાર તેઓના બેન્ક ખાતામાં આપવામાં આવે છે. કામદારોને ઓવરટાઈમ માત્ર રૂ.૨૭ આપવામાં આવે છે, એટલું જ નહીં આ કંપનીમાં કેટલાક કામદારો પર જ્વલનશીલ પ્રવાહી શરીર પર પડતા ચાલુ ફરજે દાઝી જવાના પણ બનાવો બનવા પામ્યા છે.તેઓએ નોકરીમાં થી પાણીચુ પકડાવી દેવામાં આવ્યું છે.રોજ પણ ભરી આપતા નથી. ચાલુ ફરજે કામદારોની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તો કોઈ જવાબદારી લેવા પણ કંપની ના સત્તાવાળા તૈયાર હોતા નથી. કામદારોને બોનસથી પણ વંચિત રાખવામાં આવેલ છે. કામદારોની સુરક્ષાના નામે અનેક સવાલો ઉભા થઇ રહયા છે.

કલેકટરને રૂબરૂ મળી ફરિયાદ કરવામાં આવશે      

કામદારોને કોરોના કાળમાં આપવામાં આવેલો પગાર પણ કંપનીના માલિકે પરત લઈ નાલેશિભર્યું પગલું ભરતા કામદારોમાં કચવાટ જોવા મળી રહ્યો હતો. આજે કંપનીના માલિક અને મેનેજર ની રૂબરૂ મુલાકાત ન થતા આવતી કાલે સવારે ૧૧થી૩૦ કલાકે નડિયાદ ખાતે આવેલી જિલ્લા કલેકટર કચેરીએ કામદારો ન્યાય માંગવા કલેકટરને રૂબરૂ મળી ફરિયાદ કરવા સૌ કામદારોએ હાકલ કરી હોવાનું જાણવા મળેલ છે.

City News

Sports

RECENT NEWS