For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદની રાની નામની ઘોડી પુષ્કરના' અશ્વ શો' માં બીજા નંબરની 'બ્યુટીક્વીન' બની

- દસક્રોઇ તાલુકાના ઝાણું ગામના ઠાકોરની ઘોડીએ કમાલ કરી નાખી

- દેશભરમાંથી 124 ઘોડીઓએ ભાગ લીધો હતો, મસ્તચાલ, ઉંચાઇ, સુંદર વાળ અને મરોળદાર કાને રાનીને એવોર્ડ અપાવ્યો

Updated: Nov 25th, 2021

અમદાવાદ,તા.25 નવેમ્બર 2021, ગુરૂવારArticle Content Image

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના ઝાણું ગામની 'રાની' નામની ઘોડીએ આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળા-૨૦૨૧માં આયોજીત 'અશ્વ શો ' માં સુંદરતામાં બીજો નંબર મેળવીને 'બ્યુટી ક્વીન'નો એવોર્ડ મેળવ્યો છે. મદમસ્ત ચાલ, મુલાયમ રેશમ જેવા વાળ, મનમોહક કાન, મારકણી આંખો, ૬૩ પ્લસની ભાગ્યે જ જોવા મળતી ઉંચાઇ સહિતની ખાસીયતોએ આ ઘોડીને સ્પર્ધામાં બીજો ક્રમ અપાવ્યો છે. 'બે દાંતની વછેરી' માટેની યોજાયેલી  આ સ્પર્ધામાં દેશભરમાંથી કુલ ૧૨૪ ઘોડીઓએ ભાગ લીધો હતો. જેમાં મહારાષ્ટ્ર્ની ઘોડીએ નંબર વન પ્રાપ્ત કર્યો હતો.

રાજસ્થાનના પુષ્કર ખાતે આ વર્ષે તા.૮ નવેમ્બરથી ૧૮ નવેમ્બર દરમિયાન યોજાયેલા આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં ગુજરાતની ઘોડીએ વટ રાખ્યો છે. અમદાવાદના દસક્રોઇના ઝાણું ગામે રહેતા બળદેવભાઇ વિસાજી ઠાકોરે  આ મેળામાં તેમની ત્રણ વર્ષની ઉંમર ધરાવતી રાની નામની ઘોડીને સ્પર્ધામાં ઉતારી હતી જેમાં તેણે કમાલ કરી નાંખી હતી. 

આ અંગે ઘોડીના માલિક બળદેવભાઇના જણાવ્યા મુજબ તેઓએ પ્રથમ વખત આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગત ૧૭ નવેમ્બરે અશ્વ શો યોજાયો હતો. જેમાં બે દાંત વાળી એટલેકે નાની ઉંમરની ઘોડીઓએ ભાગ લેવાનો હતો. તેમાં તેમની રાની નામની વછેરીએ ભાગ લીધો હતો. ઘોડીઓને ચાર દાંત હોય છે. તેમાં બે દાંત એટલે નાની ઉંમરની ઘોડી અને ચાર દાંત હોય એટલે પુખ્ત વયની ઘોડી ગણાય છે.

આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પણ ઘોડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પહેલા ડોક્ટરોએ આરોગ્યની ચકાસણી કરી, પછી ઘોડીને રિંગમાં ચલાવીને તેની ચાલ જોઇ, બંને કાન ભેગા થાય છેકેમ તે જોવામાં આવ્યું, ગરદન અને પુંછળાના વાળ જોવામાં આવ્યા, પગની ખરી જોવાઇ, શરીરમાં કોઇ ડાઘ, ઇજાનું નિશાન નથી ને તે પણ જોવાયું, તમામ પરિક્ષણો બાદ સુંદરતા અંગેનો એવોર્ડ અપાયો જેમાં રાની એ બીજો નંબર મેળવ્યો હતો.

માલિકને ટ્રોફિ, ૨૧ હજારનું રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. રાની નામની ઘોડી સંપૂર્ણપણે કાળા રંગની છે.તેમાં બીજો કોઇ રંગ નથી તે પણ તેની એક ખાસીયત રહી હતી. આમ અમદાવાદની ઘોડીએ પુષ્કરના મેળામાં અશ્વ શો માં બીજો નંબર મેળવીને ગુજરાતનું ગૈરવ વધાર્યું છે.

રાનીને રોજ 35 કિલો ખોરાક, 10 લીટર દૂધ પીવડાવાય છે !

ઘોડીએ સ્પર્ધામાં કઇ રીતે કમાલ કરી નાંખી, તેના સોન્દ્રયનું કારણ શું ?, સ્પર્ધાના બધા જ પેરામીટરમાં ઘોડી ફિટ બેસી તેની પાછળ કયા પ્રકારની માવજત, ખોરાક જવાબદાર છે. તે અંગે બળદેવભાઇના જણાવ્યા મુજબ આ ઘોડી મારવાડી નસલની દેવલીલાઇનની છે. તેની માતા કેસરને તેઓ ચારેક વર્ષ પહેલા અમદાવાદના જ ભાવડા ગામેથી ખરીદી લાવ્યા હતા. શિવા નામના ઘોડા સાથે મેટિંગ કરાવતા આ રાની નામની વછેરીનો જન્મ થયો હતો.

વછેરી ત્રણ વર્ષની થઇ છે. ખોરાકમાં રોજ તેને ૧૦ લીટર દૂધ પીવડાવવામાં આવે છે, ૧૦ કિલો ઘઉંનું ભુસું, દોઢ કિલો ગોળ, ૪ કિલો ચણા, ૧૦ કિલો લીલો લચકો, સવાર-સાંજ એક એક સુકા જાળના પુળા , મગફળીનું ગોતર ખવડાવવામાં આવે છે. રોજ એક વખત નવડાવવામાં આવે છે. તેલ માલિસ કરવામાં આવે છે.

ગામમાં વરઘોળો નીકળ્યો, ઘોડીની કિંમત 40 લાખની 1 કરોડ થઇ ગઇ !

બળદેવભાઇના જણાવ્યા મુજબ તેઓએ કલ્પના પણ નહોતી કે તેમની રાની નામની ઘોડી સ્પર્ધામાં કમાલ કરી દેશે. બીજો નંબર આવતા તેઓ ખુબ રાજી થયા હતા અને આંખમાંથી આસું આવી ગયા હતા. ટ્રોફિ લઇને જ્યારે તેઓ ગામમાં પ્રવેશ્યા ત્યારે ગ્રામજનોએ રાનીનું ભવ્યરીતે સ્વાગત કર્યું હતું. ગ્રામજનોએ પણ ભારે આનંદની, ગૌરવની લાગણી અનુભવી હતી. 

આખા ગામમાં વરઘોડો નીકળવામાં આવ્યો હતો. આ ઘોડીની કિંમત ૪૦ લાખ છે. પરંતુ સ્પર્ધામાં જીત્યા બાદ તેની કિંમત ૧ કરોડની થઇ ગઇ છે.

Gujarat