For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોગસ સોલવંશી સર્ટિફિકેટ રજુ કરવા મામલે વાદી, મામલતદાર, સર્કલ ઓફિસર, તલાટી સામે ગુનો દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ

Updated: Sep 23rd, 2022

Article Content Image

- રેવન્યુ અધિકારી કર્મચારીઓ સાથે મિલીભગત કરી મિલકત બોજા મુક્ત બતાવી ખોટું સોલવંશી સર્ટિફિકેટ મેળવ્યું

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

ખોટા દસ્તાવેજોના આધારે બોગસ સોલવંશી સર્ટીફીકેટ નામદાર અદાલતમાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી આચરવા મામલે અદાલતે વાદી, મામલતદાર , સર્કલ ઓફિસર , તલાટી સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરવા અંગેનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. 

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવી હતી કે, નામદાર ગુજરાત હાઇકોર્ટમાં  ચાલતા સિવિલ કેસમાં 4 ઓગસ્ટના રોજ ચિરાયુ મધુસુદન અગ્નિહોત્રી ( રહે - નરસિંહજીની પોળ, વડોદરા) અને તેઓને મદદ કરનાર તમામ રેવન્યુ અધિકારી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા જ્યુડિશિયલ આદેશ થયો છે. તેના અનુસંધાને ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે ચિરાયુ અગ્નિહોત્રીએ સોલવંશી સર્ટિફિકેટ રજુ કર્યું હતું. સાથે આ મિલકત બોજા મુક્ત હોવાનું સોગંદનામુ રજૂ કરવા પણ આદેશ આપ્યો હતો. જેના અનુસંધાને ડેપ્યુટી કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા દ્વારા વર્ષ 2019 દરમિયાન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અરજદારે સવાલવાળી જમીન ઉપર બેંકમાંથી બોજો લીધો હોવાનું છુપાવી દાખલો મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા મામલતદાર સમક્ષ સોલવંશી સર્ટિકેટ મેળવવા માટે રજૂ કરેલી અરજીમાં જેતલપુર તલાટીએ પંચ ક્યાસમાં મિલકત ઉપર કોઈ બોજો ,લોન ,ધિરાણ મેળવ્યું નથી તેવું દર્શાવ્યું છે. તલાટી રૂબરૂ ના જવાબમાં બેંક ,ક્રેડિટ સોસાયટી ,હાઉસિંગ સોસાયટી તરફથી ધિરાણ, લોન મેળવી નથી તેવું દર્શાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચિરાયુ અગ્નિહોત્રી સામે અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદો દાખલ થઈ છે. અને એકથી વધુ એનઆઇ એકટની ફરિયાદો છે. 

કર્મચારી/ અધિકારીઓએ ખરી રીતે નિયમો અનુસાર તપાસ કરી નથી ; કોર્ટ 

અરજદારે નોટરી પ્રશાંત ઠક્કરની રૂબરૂ સોગંદનામામા આ મિલકત કોઈને વેચાણ કરી નથી તેમ જ લોન લીધી નથી તેવું જણાવ્યું હતું. પરંતુ કેટલીક લોન લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. સોલવંશી સર્ટિફિકેટ આપતા અગાઉ રેવન્યુ કર્મચારી/ અધિકારીઓએ ખરી રીતે નિયમો અનુસાર ઝીણવટ ભરી તપાસ કરી હોત તો ચિરાયું અગ્નિહોત્રીનું આવું સર્ટિફિકેટ ન હોત. આમ ચિરાયું અગ્નિહોત્રીએ રેવન્યુ અધિકારી કર્મચારીઓ સાથે મિલીભગત કરી તેમની મિલકત ઉપર બોજો હોવા છતાં બોજા મુક્ત બતાવી ખોટું સોલવંશી સર્ટિફિકેટ મેળવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. 

મામલતદારે કોઈ પણ પ્રકારની તપાસ વગર દારપણાનો દાખલો આપ્યો 

ચિરાયું અગ્નિહોત્રીએ નોટરી સમક્ષના સોગંદનામામાં હાથથી ચેકચાક કરી છે શબ્દ હટાવી નથી શબ્દ ઉમેર્યો છે. સર્કલ ઓફિસર વડોદરા શહેર ( પશ્ચિમ ) તથા જેતલપુર તલાટી વડોદરા શહેર ( પશ્ચિમ ) એ અરજદારનો રૂબરૂ  તેમજ પંચના જવાબ લીધા છે.  કાયદેસરની કાર્યવાહીને અનુસર્યા વગર સોલવંશી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અરજદારની બંને મિલકતોની વેલ્યુએશન 1,44,00,500 જેટલી થાય છે. કોર્ટના કામે દારપણાનો 335,00,000 નો દાખલો આપવામાં યોગ્ય નથી તેવું દર્શાવ્યું છે. વડોદરા મામલતદારે કોઈ પણ પ્રકારની તપાસ વગર 335,00,000 માટેનો દારપણાનો દાખલો આપ્યો છે. 

પોતાની તરફેણમાં ચુકાદો હોવા છતાં અદાલતની જાણ બહાર 34.40 લાખની રકમ ઉપાડી લીધી 

ચિરાયુ અગ્નિહોત્રીએ વડોદરાના સિનિયર સિવિલ જજની કોર્ટમાં સ્પેશિયલ દાવો દાખલ કર્યો હતો. જેમાં વર્ષ 2017 દરમિયાન વાદીની તરફેણમાં હુકમ થયો હતો. પ્રતિવાદી બોની સિસ્ટમ્સ વિગેરેનાઓએ સંપૂર્ણ રૂ. 34,40,753ની રકમ વડોદરાની સિવિલ કોર્ટમાં જમા કરાવી હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ કોઈપણ જાતની સિક્યુરિટી અથવા સયોરિટી નહીં આપી તે રકમ ચિરાયું અગ્નિહોત્રીએ ઉપાડી લીધી હતી. વર્ષ 2018 દરમિયાન આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી તાત્કાલિક 05 લાખ રૂપિયા અને ત્યારબાદ સંપૂર્ણ રકમ નામદાર કોર્ટમાં જમા કરવાની તૈયારી દર્શાવવી હતી.

Gujarat