For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ-ઈન્ટર્ન્સના દેખાવો

અમદાવાદ,રાજકોટ,પાટણ,વડોદરા સહિતની કોલેજોમાં એક હજારથી વધુ વિદ્યાર્થીનું પ્રદર્શન

Updated: Sep 27th, 2022

Article Content Imageઅમદાવાદ

પીજી મેડિકલમાં આ વર્ષે રાજ્ય સરકારે પ્રવેશ નિયમો બદલીને અનય રાજ્યોમાં અને વિદેશમાં એમબીબીએસ પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ગુજરાતના સ્ટેટ ક્વોટામાં પ્રવેશની છુટ આપતા ગુજરાતમાંથી એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે.આ મુદ્દે જ્યાં હાઈકોર્ટમાં પીટિશન પણ થઈ છે ત્યારે આજે વિવિધ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડોક્ટરોએ દેખાવો પણ કર્યા હતા.

ગુજરાતના પીજી મેડિકલ અને પીજી ડેન્ટલના સ્ટેટ ક્વોટામાં અન્ય રાજ્યોથી અને વિદેશથી એમબીબીએસ-બીડીએસ કરનારા વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરીથી ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો અન્યાય થશે તેવી ફરિયાદ સાથે આજે વિવિધ મેડિકલ કોલેજોમાં વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતું. આજે અમદાવાદની જીસીએસ, રાજકોટ સરકારી મેડિકલ કોલજે, વડોદરાની મેડિકલ કોલેજ તેમજ પાટણ, વલસાડ ,વડનગર અને ભૂજ સહિતની મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓએ બેનરો સાથે દેખાવો કર્યા હતા અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જુદી જુદી જગ્યાએ થયેલા આ દેખાવોમાં એક હજારથી વધુ એમબીબીએસ વિદ્યાર્થીઓ-ઈન્ટર્ન ડોક્ટર્સ જોડાયા હતા. વિદ્યાર્થીઓની માંગ છે કે પીજી મેડિકલ પ્રવેશના નિયમો આ વર્ષે એટલે કે ૨૦૨૨-૨૩ને બદલે ૨૦૨૮-૨૯માં લાગુ પડે .જેથી એમબીબીએસમાં પ્રવેશ લેતા સમયે વિદ્યાર્થીઓને આ નવા પ્રવેશના નિયમોની જાણ થાય.

વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ગુજરાતની કોલેજોમાં પ્રવેશની છુટથી પંજાબ, બિહાર,ઝારખંડ, તમિલનાડુ,રાજસ્થાન, મહારાષ્ટ્ર ,ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યો કે જ્યાંથી એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓને આ રાજ્યના ક્વોટામાં પ્રવેશ સાથે ગુજરાતમાં પણ પ્રવેશનો લાભ મળશે.આમ બે રાજ્યોમાં પ્રવેશના લાભ સામે ગુજરાતમાંથી એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓને માત્ર ગુજરાતમાં જ પ્રવેશન લાભ મળશે.આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન પણ થઈ છે ત્યારે જો સરકારને નિયમ પાછો ખેચવો પડે તો પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ શકે.

 

 

Gujarat