For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખાનગી શાળાઓની ફી મામલે હાઇકોર્ટનો સરકારને આદેશ, ફી ઘટાડવા મુદ્દે સરકાર સ્વતંત્ર નિર્ણય લે

Updated: Sep 18th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

ખાનગી શાળાઓની ફીનો મુદ્દો ગૂંચવાયેલો હતો અને આ મામલે કોઇ ચોક્કસ ઉકેલ નહોંતો આવ્યો. વાલીઓ દ્વારા પણ આ મામલે ઉકેલ લાવવા માટે સરકાર અને હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે અને શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં ફી ઘટાડવા મુદ્દે સહમતિ દર્શાવી છે. નોંધનીય છે કે, આ મામલે સરકારે પણ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.

રાજ્યમાં ખાનગી શાળાઓની ફી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ મામલે સરકાર પાસે વિશાળ સત્તાઓ છે. જેથી ફીનો મામલો સરકાર ઉકેલે એમ સ્પષ્ટ જણાવ્યું છે. તેમજ ખાનગી શાળા સંચાલકો પણ ફી ઘટાડવા માટે તૈયાર થયા છે પણ કેટલા ટકા ફી ઘટવી જોઈએ એ મામલે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે.

ખાનગી શાળાઓની ફીમાં 25 ટકાની ફી માફીના પ્રસ્તાવની તરફેણમાં વાલીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે. વાલીઓની રજૂઆત છે કે મહામારી અને લોકડાઉનના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે, તેથી તેમને ફીમાં 25 ટકાની રાહત મળવી જોઇએ. હાઇકોર્ટ સમક્ષ ફી અંગે આજે યોજાનારી સુનાનણી ટળી હતી અને આગામી સુનાવણી 18મી સપ્ટેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.

જ્યારે સરકારે આ મામલે હાઈકોર્ટ નક્કી કરશે એ પ્રમાણે ફી નક્કી થશે એમ જણાવી હાથ ખંખેરી લીધા હતા. સરકાર દ્વારા 25 ટકાની ફી માફી કરવાની કરાયેલી રજૂઆતને સંચાલકોએ ફગાવી દીધી હતી. જેઓએ આ મામલે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતા. ગુજરાતમાં ફી નો મામલો વકર્યો છે.

સરકારની અરજીમાં વાલીઓ પણ પક્ષકાર તરીકે જોડાયા છે. મહામારી અને લોકડાઉનના કારણે મોટાભાગના વાલીઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. અત્યારે શાળાઓ સામાન્ય દિવસો કરતા ઓછા ખર્ચમાં તેમનો નિભાવ કરી રહી છે, તેથી તેમણે ફીમાં પણ ઘટાડો કરવો જોઇએ. આ કેસમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મહત્વના હિતધારકો છે અને કેસનો જે પણ નિર્ણય હશે તેનાથી સૌથી વધુ અસર તેમના પર થવાની છે. જેથી વાલીઓને પણ તેમનો પક્ષ રજૂ કરવાનો મોકો મળવો જોઇએ. આ મામલે વધુ સ્પષ્ટતા થોડીવારમાં થઈ જશે.

Gujarat