For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોરબીના આમરણ પંથકમાં 15, ઉમરપાડામાં 12.5 ઇંચ

- ગુજરાતમાં બારેય મેઘ ખાંગા

- ભારે વરસાદને પગલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ

Updated: Aug 23rd, 2020

Article Content Image

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં તાત્કાલિક મીટિંગ બોલાવાઇ  એનડીઆરએફની 13 ટુકડીઓ વિવિધ વિસ્તારોમાં તૈનાત

કડીમાં 11, સરસ્વતીમાં 8, સુરત 7,  સિદ્ધપુરમાં 6, વિસાવદરમાં 6 અને કામરેજમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં સંભવિત પુરની સ્થિતિને જોતાં 100થી વધુ ડેમ હાઈ એલર્ટ  પર : તંત્ર ખડેપગે

અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર

ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે મેઘમહેર વરસી છે, શનિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવાર મોડી સાંજ સુધી સતત વરસ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના આમરણ ચોવીસી પંથકમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં 12.5 ઇંચ અને મહેસાણા જિલ્લાના કડીમાં 11 ઇંચ વરસાદ પડયો હતો.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જેનાં પગલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આજે તાત્કાલિક મીટિંગ બોલાવાઇ હતી અને સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા આયોજનની ચર્ચા કરવામાં આવી હતી.

એન.ડી.આર.એફ. (નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ની કુલ 13 ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે અને એસ.ડી.આર.એફ.ની 11 અને એન.ડી.આર.એફ.ની બે એમ કુલ 13 ટુકડીઓ અત્યારે રિઝર્વ રાખવામાં આવી છે.

અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમા ંસુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 12.5 ઇઁચ અને સુરત સિટીમાં 7 ઇંચ વરસાદ વરસ્યા છે. માંડવી અને કામરેજમાં 6 ઇંચ, તાપીના ડોલવણમાં પાંચઇંચ વરસાદ વરસ્યો છે.

સુરતમાં એક જ દિવસમાં સરેરાશ 5.6 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તેમજ વાંસદાનો કેલીયા ડેમ ઓવરફ્લો થતા આસપાસના 22 ગામોને એલર્ટ કરાયા છે. સુરતમાં શનિવારે રાત્રીથી જે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. તે આજે રવિવારે પણ દિવસના અટક્યા વગર એકધારો વરસતા રહેતા જનજીવન ભારે અસર પહોંચી હતી.

શનિવારે સાંજે છ વાગ્યાથી લઇને આજે સાંજે છ વાગ્યા સુધીના 24 કલાકમાં ઉમરપાડામાં 12.5 ઇંચ અને સુરત સિટીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનેક નીચા વિસ્તારો તેમજ રોડ ઉપર પાણી ભરાયા બાદ જોકે ઓસરી ગયા હતા. સુરત સરેરાશ 5.6 ઇંચ વરસાદ 24 કલાકમાં વરસ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં આજે આભ ફાટયું હોય એમ રવિવારે સવારથી જ સતત ધોધમાર વરસાદ પડયો હતો. જેમાં બેચરાજીમાં 9 ઈંચ, મહેસાણા 6.68, જોટાણા 7.44, ઊંઝા 6, વિજાપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

કડીમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં શહેરના માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી જ પાણી થયા હતા. ચાલુ વરસાદે કડીના જૈન દેરાસર સામે આવેલ કાળી શેરીમાં એક જર્જરીત મકાન ધરાશાયી થતાં બે સગાભાઈ બહેન કાટમાળ નીચે દટાયા હતા. જેમાં 8 વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત થયું હતું. જ્યારે 6 વર્ષીય બાળકીને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પાટણ જિલ્લામાં પણ સરસ્વતી તાલુકામાં બપોરના 12 થી 2 વાગ્યા સુધીમાં 6 ઈંચ સાથે કુલ 8 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. જ્યારે વરસાદને કારણે ચાણસ્મા તાલુકાના મીઠીઘારીઆલ ગામમાં મકાનની દિવાલ ધરાશાઈ થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

છેલ્લાં બે વર્ષથી દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલો બનાસકાંઠા જિલ્લો આ વર્ષે વરસાદમાં તરબોળ થયો છે.  પાલનપુરમાં આજે પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો  પાલનપુર, વડગામ, ભાભર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસતા જળબંબાકાર સર્જાયો હતો.

આ ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘસવારી યથાવત રહી હતી અને 74 તાલુકા મથકોએ અડધાથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાનાં આમરણ ચોવિસી પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈંચ જેવા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી.

આજે સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ પડયો હતો. જયારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં.

રાજકોટ સહિતનાં 40 જેટલા શહેરી વિસ્તારોમાં પણ આજે એકથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો. 15 દિવસતી અવિરત વરસાદ ચાલુ હોવાથી નદીનાળા છલકાઈ ચુકયા છે અને નાનામોટા જળાશયો પણ ઓવરફલો થઈ ગયા છે. વરાપ નહી નિકળતા હવે ખેતી પાક પર જોખમ ઉભું થવા સાથે લીલા દૂષ્કાળનો ભય સર્જાયો છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા અને ગાંધીનગરમાં આજે દિવસભર સતત ધીમીધારે વરસાદ વરસર્તો રહ્યો હતો. જેનાં કારણે શહેરો અને ગ્રામીણ વિસ્તારના મોટાભાગના રસ્તાઓ જળબંબાકાર થયા છે.

વડોદરા શહેર તેમજ જિલ્લામાં બે દિવસથી સતત વરસતા વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી જણાય છે. ધીમી ધારે વરસાદના પગલે વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકનો આજે સવારે છ વાગ્યા સુધી એક ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે સવારે છથી સાંજે છ વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ પડયો છે.

Gujarat