Gujarat

જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચના મોત

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચના મોત

દિલ્હીથી ચોરી કેસની તપાસમાં જઈ પરત ફરતી વેળાએ ગોઝારી દુર્ઘટના સર્જાઈ

જયપુરથી એર ક્રાફ્ટ મારફતે મૃતદેહને ભાવનગર લવાયા : પોલીસ બેડામાં શોક, પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ

ભાવનગર : ભાવનગરના ભરતનગર પોલીસ મથકના ચાર જવાનો દિલ્હી ચોરી કેસની તપાસમાં જઇ પરત ફરી રહ્યા હતા તે વેળાએ જયપુરના ભાબરૂ વિસ્તારમાં ગત મોડી રાત્રીના ઝાડ સાથે ફોર્ચ્યૂનર કાર ધડાકાભેર અથડાતા ચાર પોલીસ જવાન સહિત પાંચના કમકમાટીભર્યા મોત નિપજવા પામ્યા હતા.

પોલીસ જવાનોના મૃતદેહને એરક્રાફ્ટ મારફતે ભાવનગર લવાતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. દરમિયાન એસ.પી. કચેરી ખાતે ગુજરાત રાજ્યના ડી.જી., ડી.આઇ.જી., એસ.પી. સહિતનાની ઉપસ્થિતિ સાથે ગાર્ડ ઓફ ઓનર આપી જવાનોને વિદાય આપવામાં આવી હતી. 

બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ભાવનગર પોલીસ બેડાના ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલ ચોરી કેસની તપાસ અર્થે ચોરીનંુ પગેરૂ દિલ્હી મળી આવતા ડીસ્ટાફના મનસુખભાઈ કાબાભાઈ બાલધિયા, શક્તિસિંહ યુવરાજસિંહ ગોહિલ, ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા, ઈરફાનભાઈ સતારભાઈ અગવાન ખાનગી ફોર્ચ્યૂનર કાર લઇ ગત તા.8ના રોજ રવાના થયા હતા.

જ્યાં તપાસ હાથ ધરી દિલ્હીના સાલમપુર વિસ્તારમાં રહેતા મુન્ના નામના શકમંદની અટકાયત કરી ગઇકાલે પરત ભાવનગર આવી રહ્યા હતા. તે વેળાએ દિલ્હી, જયપુર હાઇવે ઉપર ગત મોડીરાત્રીના જયપુરના ભાબરૂ એરીયા વિસ્તારમાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ગોઝારી દુર્ઘટના સર્જાવા પામી હતી.

જેમાં ચારેય પોલીસ કર્મી સહિત પાંચને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજવા પામ્યા હતા. જ્યારે કારનો બુકડો બોલી ગયો હતો. ઉક્ત અકસ્માતની જાણ થતા ભાબરૂ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. તમામ મૃતકનો કબ્જો સંભાળી શાહપુરાના રાજકીય હોસ્પિટલમાં ખસેડી પી.એમ.ની તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન ઉક્ત ચારેય પોલીસ કર્મચારીના મૃતદેહ એરક્રાફ્ટ મારફતે જયપુરથી ભાવનગર આવી પહોંચતા તેઓને સન્માન સાથે ભાવનગર એસ.પી. કચેરીના શહિદ સ્મારક લઇ જવાયા બાદ ગુજરાત રાજ્યના ડી.જી. આશીષ ભાટીયા, ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, એસ.પી. જયપાલસિંહ રાઠૌર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓની ઉપસ્થિતિ સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તે વેળાએ પોલીસ બેડાના કર્મચારીઓની આંખો અશ્રૂથી ભીંજાઇ હતી. જ્યારે પરિવારના આક્રંદ વચ્ચે કાળજા પણ કંપી ઉઠે તેવા દ્રશ્યો ઉભા થયા હતા.