For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા જિલ્લામાં 4456 પ્રજ્ઞા ચક્ષુ મતદારો માટે બ્રેઇલ લિપિમાં મુદ્રણ ધરાવતું મતપત્રક રાખવાની સુવિધા

Updated: Dec 2nd, 2022

Article Content Image

- વડોદરા શહેર જિલ્લામાં 26,000 થી વધુ દિવ્યાંગ મતદારો

- 10 બુથનું સંચાલન દિવ્યાંગો કરશે

વડોદરા,તા.2 ડિસેમ્બર 2022,શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આશરે 82,000 થી વધુ પ્રજ્ઞા ચક્ષુઓ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વડોદરા જિલ્લામાં 4456 પ્રજ્ઞાચક્ષુ મતદારો છે. ભારતના ચૂંટણી પંચે પ્રજ્ઞાચક્ષુ મતદારોની સરળતા માટે એક આગવા કદમ રૂપે મતદાન મથકમાં ઉમેદવારના નામ, બેલેટ પેપર પર નંબર વગેરેનું બ્રેઇલ લીપીમાં મુદ્રણ ધરાવતું નમૂનાનું મત પત્રક રાખવાની સુવિધા કરી છે. આ મત પત્રકને સ્પર્શીને પ્રજ્ઞાચક્ષુ મતદાર મનપસંદ ઉમેદવારનો ક્રમાંક જાણી શકે છે. ઈવીએમ પર બ્રેઇલ લિપિમાં પણ ઉમેદવારના નંબર અંકિત કરવામાં આવે છે. આંગળીના ટેરવાના આધારે પસંદગીના ઉમેદવારના નંબર સામે ચાંપદાબીને મત આપી શકે છે. વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં તાલીમાર્થીઓને શિક્ષણ આપતા પ્રજ્ઞા ચક્ષુ વ્યાખ્યાતા યાહ્યાભાઈ કહે છે કે પહેલા અન્યના આધારે મત આપવો પડતો હતો, પરંતુ હવે ચૂંટણી પંચે સંવેદના દાખવીને અમારા માટે મતદાન સરળ બનાવતી સુવિધા આપી છે.

એમએસ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વ્યાખ્યાતા રાકેશભાઈ પાસે મતદાર ક્રમાંક, વિધાનસભા વિસ્તાર અને તેના નંબરનું બ્રેઇલ લિપિમાં અંકન કરેલું વોટર આઇડી છે. વડોદરા શહેર અને જિલ્લામાં 26,043 થી વધુ દિવ્યાંગ મતદારો છે. તેઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે દિવ્યાંગ મતદાર રમતોત્સવનું આયોજન કરાયું હતું. વડોદરા શહેર જિલ્લામાં 10 બુથનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગો કરશે. શહેરી વિસ્તારોમાં પ્રજ્ઞા ચક્ષુ અને અન્ય દિવ્યાંગ મતદારોમાં સારી જાગૃતિ છે, પણ ગ્રામીણ વિસ્તારમાં તેની જાગૃતિ આવે તે જરૂરી છે.

Gujarat