For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં લૉકડાઉનના અંતિમ દિવસે કોરોનાનો ઉછાળો, 438 કેસો

- હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય આરોગ્ય વિભાગે ટેસ્ટનું પ્રમાણ વધાર્યું, આજે 6150 ટેસ્ટ કર્યાં હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય આરોગ્ય વિભાગે ટેસ્ટનું પ્રમાણ વધાર્યું, આજે 6150 ટેસ્ટ કર્યાં

- અત્યારે રાજ્યમાં 5837 એક્ટિવ કેસ, 61 વેન્ટિલેટર પર અને 689 લોકો સ્વસ્થ થયાં

Updated: Jun 1st, 2020

Article Content Image

કેસોની સરખામણીમાં સાજા થતાં દર્દીઓની સંખ્યા વધી 

ગુજરાતમાં કુલ 16,794 કેસો,મૃત્યુઆંક 1038: એક જ દિવસમાં 19 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ

અમદાવાદ,31 મે 2020 રવિવાર

લોકડાઉન પાર્ટ-5ના અંતિમ દિવસે કોરોનાએ ઉછાળો માર્યો હતો. 1લી જૂનથી રાજ્ય સરકારે ગુજરાતના અનલોક-1ની જાહેરાત પણ કરી દીધી છે ત્યારે કોરોનાના કેસો હજુય વધી રહ્યાં છે. જોકે, રાજ્ય આરોગ્ય વિભાગ તો એક રટણ રટી રહ્યું છેકે,કોરોનાના જેટલા કેસો નોંધાઇ રહ્યાં છે તેના કરતાં બમણાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યાં છે.આજે પણ ગુજરાતમાં વધુ 438 કેસો નોંધાયા હતાં. એટલું જ નહીં, કોરોનાના કારણે 31 દર્દીઓના મૃત્યુ થયા હતાં. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંક 16794 સુધી પહોંચ્યો છે જયારે મૃત્યુઆંક 1038 થયો છે.

ગુજરાત સરકારે લોકડાઉનનો અંત આણીને અનલોકની જાહેરાત કરી દીધી છે.આવતીકાલ સોમવારથી ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય બધાય વિસ્તારોમાં જીવજીવન રાબેતા મુજબ થશે. આ તરફ, કોરોનાના હજુય થમતો જ નથી. અમદાવાદમાં તો રોજ 250થી વધુ કેસો નોંધાવવાની પરંપરા આજેય જળવાઇ રહી હતી. રવિવારે અમદાવાદમાં કુલ 299 કેસો નોંધાયા હતાં. હવે કોરોનાની પેટર્ન બદલાતાં માત્ર કોટ વિસ્તાર જ નહીં, પૂર્વ વિસ્તાર કોરોનાથી સંક્રમિત થઇ રહ્યું છે.

કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતાં કોરોનાએ ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો કર્યો છે.આજે સુરત, વડોદરા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ,પંચમહાલ, વડોદરા, ખેડા, મહેસાણા, અરવલ્લી, પાટણ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં કોરોનાનું સંક્રમણ થતાં કેસો વધ્યાં હતાં. હાલમાં ગુજરાતમાં 5837 એક્ટિવ કેસો છે. કેસોની સંખ્યા વધતાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને ફટકાર લગાવી હતી જેના કારણે હવે ટેસ્ટનું પ્રમાણ વધારાયુ છે. આજે રાજ્યમાં કુલ6150 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મળીને 2,11,930 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુદરને હજુય અટકાવી શકાયો નથી. અમદાવાદ સિવિલ તો ઉંચા મૃત્યુદરને લઇને વિવાદમાં મૂકાઇ છે.આજે રાજ્યમાં કોરોનાથી  31ના મોત થયા હતાં.

 અમદાવાદમાં 20 દર્દીના મૃત્યુ નિપજ્યા હતાં.અમદાવાદનો મૃત્યુદર સૌથી વધુ રહ્યો છે.આ ઉપરાંત પંચમહાલમાં 3,સુરતમાં 2,અમરેલી,અરવલ્લી,જામનગર અને રાજકોટમાં 1-1 દર્દીનુ મોત નિપજ્યુ હતું.હાલમાં 61 દર્દીઓ વેન્ટિલેટર  પર છે.

નવી ગાઇડલાઇન બાદ ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે. આજે 689 દર્દીઓ સાજા થયા હતાં. તેમાં અમદાવાદમાં તો 601 જણાંએ કોરોનાને મ્હાત આપી હતી. સુરત, ગાંધીનગર, બનાસકાંઠા, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ખેડામાં પણ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 9919 લોકો સ્વસ્થ થઇ ચૂક્યાં છે.હાલમાં રાજ્યમાં કુલ 2,44,999 લોકો કવોરન્ટાઇન હેઠળ છે.ગઇકાલ ની સરખામણીમાં આજે 8846 લોકો કવોરન્ટાઇનમાંથી મૂક્ત થયા હતાં. આમ, ગુજરાતમાં લોકડાઉનમાં રાહત આપતાં જ કેસોમાં ય વધારો જોવા મળી રહ્યો છે.

Gujarat