For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોનાનો ફફડાટ : ધો.1થી 9ની સ્કૂલો બંધ

Updated: Jan 7th, 2022

રોડ શો, સંમેલન, સરકારી તાયફા બાદ સરકાર જાગી : આજથી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ


અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, આણંદ, ગાંધીનગર, નવસારીમાં 15મી જાન્યુઆરી સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં  

50 ટકાની ક્ષમતા સાથે સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, ટયુશન કલાસ ચાલુ રહેશે

દુકાનો-બજારો,હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

અમદાવાદ : ગુજરાતમાં ઓમિક્રોનની સાથે સાથે કોરોનાના કેસો સતત  વધી રહ્યા  હતાં તેમ છતાંય ખુદ સરકાર જ સરકારી તાયફા યોજવામાં મશગૂલ બની હતી. આખરે મંત્રીઓ,આઇએએસ અિધકારીઓ  જ નહીં, ભાજપના નેતાઓ  કોરોનાની ચપેટમાં આવતાં સરકારને ગંભીરતા સમજાઇ હતી. આખરે દિલ્હીથી આદેશ મળતાં સરકાર એકશન મોડમાં આવી ગઇ હતી.

આજે એક જ દિવસમાં 5400 કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોનાને કાબૂમાં લેવા નિયંત્રણો લાદવા નક્કી કરાયુ હતું. કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ધો.1થી 9 સુધીની શાળાઓમાં શિક્ષણંકાર્ય બંધ કરવા નિર્ણય કરાયો છે.

આ શાળાઓમાં માત્ર ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહેશે. જયારે અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નો સમય રાત્રે 10 વાગ્યાથી સવારથી 6 વાગ્યા સુધી કરાયો છે. તા.15મી જાન્યુઆરી સુધી આ માર્ગદર્શિકા અમલમાં રહેશે. 

ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. શનિવારે કોરોનાની 5396 કેસો નોંધાયા હતાં. ચિંતાજનક વાત તો એછેકે, રસીના બે ડોઝ લીધા હોય તેવી વ્યક્તિઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહી છે.આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે જેના કારણે વાલીઓ ચિંતિત બન્યા છે.

છેલ્લા કેટલાંય દિવસોમાંથી શાળાઓ બંધ કરવા માંગ પણ ઉઠી હતી. આખરે આજે રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરીને રાજ્યમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં ધો.1 થી 9ના વર્ગો બંધ કરવા નક્કી કર્યુ છે.

આ શાળાઓમાં માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. તા.31મી જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ રહેશે.દુકાનો,ચાની કિટલી, લારી ગલ્લા, માર્કેટિંગ યાર્ડ, ગુજરી બજાર, બ્યુટી પાર્લર, સ્પા, હેર કટીંગ સલૂન  ઉપરાંત જાહેર બગીચા રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 

અમદાવાદ,રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગરમાં 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લદાયો હતો પણ હવે જયારે કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે રાત્રી કરફ્યુનો સમય 10થી સવારના 6 વાગ્યા સુધી કરી દેવાયો છે.

કોરોનાના કેસો વધતા સરકારે આણંદ અને નવસારીમાં ય રાત્રી કરફ્યૂ લાદવા નિર્ણય કર્યો છે. હોટલ રેસ્ટોરન્ટ રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હોમ ડિલીવરી રાત્રીના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.

લગ્ન પ્રસંગ ઉપરાંત રાજકીય,સામાજીક પ્રસંગોએ 400 જણાંને એકત્ર કરવા છૂટ અપાઇ છે. અંતિમ ક્રિયામાં 100 જણાંને એકઠા થવાની મંજૂરી છે.  બસ, સિનેમા હાલ, વાંચનાલય, જીમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, કોચિગ સેન્ટર, ટયુશન કલાસિસ 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. આમ, કોરોનાને કારણે સરકારે ફરી એકવાર નિયંત્રણો લાદ્યા છે.

સરકારની નવી માર્ગદર્શિકા 

* રાત્રિ કરફયુ : અમદાવાદ સહિતના નવ શહેરોમાં રાતે 10 વાગ્યા થી સવારથી છ વાગ્યા સુધી

* શાળાઓ : ધો.1થી 9ના વર્ગો બંધ,માત્ર ઓનલાઇન શિક્ષણ જ, 31મી જાન્યુ.સુધી શાળાઓ બંધ

* લગ્ન, રાજકીય-સામાજીક પ્રસંગ : માત્ર 400 જણાંને એકઠા થવાની છૂટ

* અંતિમક્રિયા-દફનવિધિ : માત્ર 100 લોકોને મંજૂરી

* હોટલ રેસ્ટોરન્ટ : 75 ટકાની ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, 11 વાગ્યા સુધી હોમ ડિલીવરી

* પબ્લીક-પ્રાઇવેટ બસો : 75 ટકા મુસાફરો સાથે ચાલુ રહેશે

* સિનેમા હોલ, વોટરપાર્ક, સ્વિંમિંગ પુલ, લાઇબ્રેરી,ઓડિટોરિયમ,કોચિંગ કલાસ,ટયુશન કલાસ : 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રહેશે

* જાહેર બગીચાઓ : રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

Gujarat