For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મૃતકના કપડામાંથી મળેલી બસની ટિકિટના આધારે પોલીસ પરિવાર સુધી પહોંચી

કોટણા મહિસાગર નદીમાં મિત્રો સાથે નાહવા ગયેલા એક મિત્રનું ડૂબી જવાથી મોત

Updated: Mar 28th, 2024

મૃતકના કપડામાંથી મળેલી બસની ટિકિટના આધારે પોલીસ પરિવાર સુધી  પહોંચીવડોદરા,ફાજલપુર મહિસાગર નદીમાંથી ધર્મજના વૃદ્ધની લાશ મળી આવી હતી. તેઓના કપડામાંથી મળેલી બસની ટિકિટના આધારે પોલીસે તેઓની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં કોટણા મહિસાગર નદીમાં નાહવા ગયેલા મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું છે.

ગોત્રી ગદાપુરા ઉત્કર્ષ વિદ્યાલયની સામે ભરવાડ વાસમાં રહેતો ૧૯ વર્ષન મુકેશ રણછોડભાઇ ભરવાડ ગઇકાલે બપોરે તેના મિત્ર જયેશ તથા અન્ય મિત્રો સાથે કોટણા મહિસાગર નદીમાં નાહવા માટે ગયો હતો. નાહતા સમયે અન્ય મિત્રો કરતા મુકેશ આગળ નીકળી જતો રહ્યો હતો. નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનના કારણે પડી ગયેલા ઉંડા ખાડામાં તે ગરકાવ થઇ ગયો હતો. અન્ય મિત્રો નાહીને બહાર નીકળ્યા હતા. પરંતુ, મુકેશ નહીં દેખાતા મિત્રોને શંકા ગઇ હતી કારણકે મુકેશ નદીમાં થોડો આગળ જતો રહ્યો હતો. જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર આવી ત્રણ કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢી હતી. મૃતક રેતી, કપચીનો ટ્રેડિંગનો ધંધો કરતો હતો. 

જ્યારે અન્ય એક બનાવમાં ફાજલપુર મહિસાગર નદીમાંથી એક લાશ મળતા નંદેસરી પોલીસને જાણ કરવામાં આવી હતી. નંદેસરી પોલીસે સ્થળ પર  જઇને તપાસ હાથ ધરી હતી. મૃતકના ખિસ્સામાંથી  આણંદ જિલ્લાના ધર્મજ ગામથી વડોદરાની બસની ટિકિટ મળી આવી હતી. જેથી, નંદેસરી પોલીસે પેટલાદ  પોલીસને જાણ કરી મૃતકનો ફોટો મોકલી આપ્યો હતો. પેટલાદ પોલીસે સ્થાનિક રહેવાસીઓના ગૃપમાં ફોટો અપલોડ કરી મેસેજ વાયરલ કર્યો હતો. જેના  પરિણામે મૃતક પૂનમભાઇ પુજાભાઇ રોહિત (ઉ.વ.૯૦) નો પૌત્ર જૈમિન નંદેસરી  પોલીસ સ્ટેશને આવ્યો હતો. મૃતક વડોદરામાં સંબંધીના ઘરે આવવા નીકળ્યા હતા. તેઓ ફાજલપુર કઇ રીતે  પહોંચી ગયા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarat