વધુ એક પાણી વિતરણ યોજનાને મંજુરી કોતરપુર ખાતે પીવાના પાણીની યોજના માટે ૮૭ કરોડના કામને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ

અમદાવાદ,રવિવાર,20 માર્ચ,2022
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ૧૬૮.૭૩ કરોડની યોજનાને
મંજુરી અપાયા બાદ અમદાવાદની વધુ એક પાણી વિતરણ યોજનાને મુખ્યમંત્રીએ સૈધ્ધાંતિક
મંજુરી આપી છે.કોતરપુર ખાતે પીવાના પાણી યોજના માટેના ૮૭ કરોડના કામને સૈધ્ધાંતિક
મંજુરી અપાઈ છે.આ યોજના અંતર્ગત સાબરમતી નદી ઉપર ૧૫.૮૪ કરોડના ખર્ચ સાથે બ્રિજ
બનાવવામાં આવશે.
કોતરપુર વોટર વર્કસ ખાતેથી પીવાના પાણીના વિતરણ માટે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કામ હાથ ધરવામાં
આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૮૭ કરોડના કામ અંગે મંજુરી આપતા ૮૦૦
ડાયાથી લઈ ૨૨૦૦ ડાયાની એમ.એસ.પાઈપ લાઈન આ યોજના હેઠળ નાંખવામાં આવશે.કોતરપુર વોટર
ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા ૧૧૫૦ એમએલડી થશે.હાલમાં ૬૫૦ અને ૨૦૦ એમએલડીના
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે.વધુ ૩૦૦ એમએલડીના પ્લાન્ટનું આયોજન છે.પશ્ચિમ
અને મધ્ય ઝોનના વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનને કોતરપુરના ૬૫૦,૨૦૦ અને ૩૦૦
એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે આંતરીક જોડાણ કરી ભવિષ્યની પાણીની
જરુર સંતોષવા ટ્રંક મેઈન પાઈપ લાઈન મ્યુનિ.તંત્ર નાંખશે.
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્લાન્ટ ઉપર આંતરીક જોડાણ
કરીને સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવી ભાટ ગામ પાછળના ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન
હસ્તકના રીંગરોડ ઉપર ભાટ સર્કલ થઈ વિસત તરફના માર્ગે જુદા જુદા વ્યાસની એમએસ
પાઈપલાઈન નાંખી હાલના ૧૩૦૦ એમએમ વ્યાસની લાઈન સાથે જોડાશે.એમએસ પાઈપ લાઈન નાંખવા
૫૮.૨૦ કરોડ તથા દસ કરોડના રોડ રીસરફેસના કામને પણ મંજુરી આપવામાં આવી છે.




