For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ક્રોપિયો કારની ચોરી કરતી રાજસ્થાનની બિશ્નોઇ ગેંગ ઝડપાઇ

એક વર્ષમાં નવથી વધુ કારની ચોરી કરી

કાર ચાલુ કરવા માટે પોતાની સાથે ટેકનીકલ સાધનો રાખતા હતાઃસાણંદ પોલીસે વધુ તપાસ શરૂ કરી

Updated: Apr 26th, 2024

સ્ક્રોપિયો કારની ચોરી કરતી રાજસ્થાનની બિશ્નોઇ ગેંગ ઝડપાઇઅમદાવાદ,શુક્રવાર

અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસે ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી માત્ર સ્ક્રોપિયો કારની ચોરી કરતી રાજસ્થાનની બિશ્નોઇ ગેંગને ઝડપી લેવામાં મહત્વની સફળતા મેળવી છે.  ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ગેંગ દ્વારા નવથી વધારે કારની ચોરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.પાંચ દિવસ પહેલા સાણંદના હજારી માતાના મંદિર પાસેથી એક સ્ક્રોપિયો કારના ચોરીની ઘટના બની હતી. જે અંગે સાણંદ પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન સાણંદ  પોલીસ સ્ટેશનના પીઆઇ  એન આર જાદવને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરી રાજસ્થાન સાંચોરમાં રહેતી બિશ્નોઇ ગેંગ દ્વારા કરવામાં આવી છે. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને સાણંદમાંથી ચોરી થયેલી કાર સાથે ઓમપ્રકાશ બિશ્નોઇ અને માંગીલાલ બિશ્નોઇને ઝડપી લીધા હતા. પુછપરછમાં તેમણે છેલ્લાં એક વર્ષ દરમિયાન  વડોદરા, કલોલ,સાણદ,રાજપીપળામાંથી કુલ નવ જેટલી સ્ક્રોપિયો કારની ચોરી કરી હતી. પોલીસ તેમની મોડસ ઓપરેન્ડી  જાણીનો ચોંકી ઉઠી હતી. કાર ચોરી કરતા સમયે બિશ્નોઇ ગેંગ કેટલાંક સ્પેરપાર્ટસ સાથે લાવતા હતા. ચોરી કરતા પહેલા કારના સાયરનનો વાયર કટ કરતા હતા. જે બાદ નાના કારની રિબિન કાઢીને કાઢીને કાચ કાઢતા હતા અને અંદરથી મુખ્ય દરવાજો ખોલતા હતા. ત્યારબાદ સ્ટીયરીંગ પાસેના ઇમોબીલાઇઝરને સ્ક્રુથી ખોલીને બીજુ ઇમોબીલાઇઝર ફીટ કરીને બોનેટમાંથી ઇસીએમ કાઢીને અન્ય ઇસીએમ ફીટ કરતા હતા. જે બાદ કારને ચાલુ કરીને ચોરી કરતા હતા. ચોરીની કાર  ડ્રગ્સની હેરફેર કરતા લોકોનો વેચી દેવામાં આવતી હતી. આ અંગે સાણંદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Gujarat