For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગરવામાં ટ્રસ્ટમાં આશ્રિત મહિલાના મોત બાદ સેવાધારીએ રૃા. ૨૧.૧૬ લાખ ઉપાડયા

બિમાર મહિલાની દેખરેખ રાખતા વિલમાં હરીયાણાના શખ્સને સાક્ષી બનાવ્યો

મહિલાના મોત બાદ શંકા જતા દિવાલ કૂદી ભાગ્યો

Updated: Apr 27th, 2024

સિંગરવામાં ટ્રસ્ટમાં આશ્રિત મહિલાના મોત બાદ સેવાધારીએ  રૃા. ૨૧.૧૬ લાખ ઉપાડયાઅમદાવાદ,શનિવાર

સિંગરવામાં આવેલ ખુશરાજી સિનિયર સિટીઝન કેર એન્ડ રીચર્સ સેન્ટરમાં આશ્રિત મહિલાને ગંભીર બિમારી હોવાથી સેવાધારી શખ્સ તેમની દેખરેખ રાખતો હતો. પોતાની સારવાર માટે  રૃપિયાની જરૃર પડતા મહિલાએ બેન્કનું કામ તેને સોંપ્યું હતું. જો કે મહિલાના મોત બાદ બેન્કમાંથી રૃા. ૨૧.૧૬ લાખ ઉપાડી લઇન છેતરપિંડી કરી હતી. તેને વર્તન અંગે શંકા જતાં તે દિવાલ કૂદીને ભાગ્યો હતો બાદમાં પાસબુક ચેક કરતા લાખોની ઠગાઇનો ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાના મોત બાદ શંકા જતા દિવાલ કૂદી ભાગ્યો, પાસબુક ચેક કરતાં લાખોની ઠગાઇનો ભાંડો ફૂટયો ટ્રસ્ટના મેનેજરે ઓઢવમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

સિંગરવામાં વર્લ્ડ રીન્યુઅલ સ્પીરીચ્યુઅલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત ખુશરાજી સિનિયર સિટીઝન કેર એન્ડ રીચર્સ સેન્ટરમાં મેનેજર તરીકે સેવા આપતા કોન્ટ્રાક્ટરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં હરિયાણાના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓને  ટ્રસ્ટના સંચાલન કરવાની જવાબદારી પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાને સોંપેલ છે. તેમજ ટ્રસ્ટમાં હરિયાણાના અંબાલાના આરોપી સ્વંયસેવક તરીકે વર્ષ અગાઉ જોડાયો હતો. ત્યારબાદ તેને પગાર પણ ચૂકવવામાં આવતો હતો. તેમજ સંસ્થામાં આશ્રિત તરીકે મહિલા હતા તેમને કેન્સરની બિમારી થતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે આરોપી તેમની દેખરેખ રાખતો હતો. તેમજ આશ્રિત મહિલાએ પોતાની મિલ્કત બાબતે વીલ બનાવું હતું જેમાં તેને સાક્ષી તરીકે રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ મહિલાનું અવસાન થતા બાદમાં  આરોપી પોતાના વતન ગયો હતો અને પરત આવ્યો ત્યારે પોતાના માતા-પિતાને સાથે લઇને આવ્યો હતો અને ત્યારબાદ તેના વર્તનમાં ફેરફાર દેખાયો હતો. જેથી ફરિયાદીને શંકા જતા તેની  પૂછ પરછ કરતા તે ટ્રસ્ટની દિવાલ કૂદીને નાસી ગયો હતો. બાદમાં રૃમમાં તપાસ કરતા પાસબુક મળી આવી હતી. તેમાં આશ્રિત મહિલાના મૃત્યુ બાદ  આરોપીએ ૨૧,૧૬,૭૩૦ રૃપિયા એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધીને પુરાવા આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat