Gujarat

૧૧૩૦ કરોડના ટારગેટ સામે અમદાવાદ મ્યુનિ.ની ૮૮૪ કરોડ મિલકત વેરાની આવક

By GS Team
13 Feb 20221 min read
This article was originally published on 13 Feb 2022
૧૧૩૦ કરોડના ટારગેટ સામે અમદાવાદ મ્યુનિ.ની ૮૮૪ કરોડ મિલકત વેરાની આવક

  અમદાવાદ,રવિવાર,13 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્તોત્ર એવા મિલકતવેરાની આવક પેટે ૩૧ માર્ચ સુધીમાં ૧૧૩૦ કરોડની આવક મેળવવાની છે.૧૧ ફેબુ્આરી સુધીમાં ૮૮૪ કરોડ મિલકતવેરા પેટે મળતા હજુ ૨૪૬ કરોડ મિલકતવેરા પેટે મેળવવાના છે પરંતુ સ્ટાફના અભાવ અને રીબેટ યોજનાના કારણે આ લક્ષ્ય સિધ્ધ કરવુ કપરુ બનશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.વ્હીકલ ટેકસની આવક સો ટકાથી પણ વધુ થવા પામી છે.

વર્ષ-૨૦૨૧-૨૨ નું ગત વર્ષે બજેટ મંજુર કરવામાં આવ્યુ હતું.એ સમયે ૩૧ માર્ચ-૨૦૨૨ સુધીમાં મિલકતવેરા પેટે રુપિયા ૧૧૩૦ કરોડની આવક અંદાજવામાં આવી હતી.૧૧ ફેબુ્આરી સુધીમાં મિલકતવેરા પેટે રુપિયા ૮૮૪.૫૧ કરોડ આવક થવા પામી હતી. ગત વર્ષના બજેટમાં પ્રોફેશનલ ટેકસ પેટે ૩૧ માર્ચ-૨૦૨૨ સુધીમાં રુપિયા ૧૯૦ કરોડની આવક અંદાજવામાં આવી હતી.જે સામે ૧૧ ફેબુ્આરી સુધીમાં રુપિયા ૧૬૬.૨૩ કરોડની આવક થવા પામી હતી.વ્હીકલ ટેકસ પેટે ગત વર્ષના મંજુર કરાયેલા બજેટમાં ૩૧ માર્ચ સુધીમાં રુપિયા સો કરોડની આવક અંદાજવામાં આવી હતી.૧૧ ફેબુ્આરી સુધીમાં વ્હીકલ ટેકસ પેટે મ્યુનિ.ને ૧૧૧.૩૯ કરોડની આવક થવા પામી છે.૧૧ ફેબુ્આરી સુધીમાં મ્યુનિ.ને તમામ ટેકસની આવક પેટે ૧૧૬૨.૧૪ કરોડ જેટલી આવક થવા પામી હતી.