For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કડાદરાના જુગારધામ ઉપર પોલીસનો દરોડોઃસાત ઝડપાયા

Updated: Jun 11th, 2021

કડાદરાના જુગારધામ ઉપર પોલીસનો દરોડોઃસાત ઝડપાયા

દહેગામ પોલીસે રોકડ અને વાહનો મળી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યોઃએક જુગારી ભાગી જવામાં સફળ

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી વધી રહી છે. ત્યારે કડાદરા ગામની સીમમાં આવેલા ખેતરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના પગલે દહેગામ પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ અને વાહનો મળી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો એક જુગારી પોલીસને જોઈ ભાગી જવામાં પણ સફળ રહયો હતો. આ જુગારીઓ સામે જુગારધારાની સાથે કોરોના કાળમાં ભેગા થવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.   

કોરોના કાળ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે જુગારધામો ઉપર દરોડા પણ પાડી રહી છે ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કડાદરા ગામની સીમમાં આવેલા પરેશભાઈ મોતીભાઈ ઠાકોરના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી  કડાદરા ગામે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ પ્રજાપતિ, ભીખાજી મેલાજી બિહોલા, બળવંતભાઈ ભગાજી ઠાકોર, ફુલાજી બાલાજી ઠાકોર, પ્રહલાદજી અમરાજી ઠાકોર, વિપુલકુમાર રાજુજી ઠાકોર અને રણજીતજી પોપટજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૧૦૬૫૦ની રોકડ, પાંચ મોબાઈલ, ચાર બાઈક મળી કુલ એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.

જયારે પરેશજી મોતીજી ઠાકોર ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે આ જુગારીઓ સામે જુગારધારાની સાથે કોરોના કાળમાં એકઠા થઈ જુગાર રમવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કર્યો હતો. 

Gujarat