For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પેરોલ જમ્પ કરી જનાર હત્યાના ગુનાના પાકા કામના કેદીને ઝડપી લેવાયો

Updated: Apr 29th, 2024

પેરોલ જમ્પ કરી જનાર હત્યાના ગુનાના પાકા કામના કેદીને ઝડપી લેવાયો

ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા

વર્ષ ૨૦૧૩ના હત્યાના ગુનાના કેદીને રાંધેજામાંથી ઝડપી લઈને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા હાલ નાસતા ફરતા આરોપીઓની સાથે જેલમાંથી પેરોલ ઉપર છૂટી પરત નહીં ફરતા કેદીઓને પકડવા મથામણ કરવામાં આવી રહી છે ત્યારે હત્યાના ગુનામાં સજા કાપી રહેલો કેદી પેરોલ રજા ઉપર છૂટયા બાદ પરત નહી ફરતા તેને રાંધેજામાંથી ઝડપી લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યો છે.

હાલ લોકસભાની ચૂંટણીના અનુસંધાને પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે તેની સાથે વિવિધ ગુનાઓમાં જેલમાં રહેલા કાચા પાકા કામના કેદીઓ પણ પેરોલ રજા ઉપર છૂટીને બહાર આવતા હોય છે અને રજા પૂર્ણ થયા બાદ પણ જેલમાં પરત ફરતા નથી. જેવા આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર એલસીબી ટુની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા પણ આવા કેદીઓને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી હતી. જે અંતર્ગત બાતમી મળી હતી કે, રાંધેજા ગામમાં રહેતો પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ રાવળ હત્યાના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે અને હાઇકોર્ટમાંથી પેરોલ રજા ઉપર છૂટયા બાદ રજા પૂર્ણ થઈ ગયા બાદ પણ તે સાબરમતી જેલમાં હાજર થયો નથી અને આ કેદી હાલ રાંધેજા ખાતે હાજર છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને રાંધેજાથી કેદી પ્રકાશ રાવળને ઝડપી લીધો હતો અને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

Gujarat