For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુગલને છરી બતાવી 7.40 લાખના દાગીનાની લૂંટ લેનાર એક પકડાયો

Updated: Apr 29th, 2024

યુગલને છરી બતાવી 7.40 લાખના દાગીનાની લૂંટ લેનાર એક પકડાયો

ગાંધીનગર નજીક દંતાલી નર્મદા કેનાલ પાસે

પોલીસે ૧૦૦ જેટલા સીસીટીવી તપાસીને બાઈક સવાર એક આરોપીને વૈષ્ણોદેવી પાસેથી ઝડપી લીધો ઃ એકની શોધખોળ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલી દંતાલી નર્મદા કેનાલ પાસે ઊભા રહીને ફોટો શૂટ કરતા યુગલને છરી બતાવીને બાઈક ઉપર આવેલા બે શખ્સો દ્વારા ૭.૪૦ લાખ રૃપિયાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા અને જે સંદર્ભે અડાલજ પોલીસમાં ગુનો દાખલ થયા બાદ આસપાસના વિસ્તારના ૧૦૦ જેટલા સીસીટીવી ચકાસીને બે પૈકી એક આરોપીના ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને ચીલઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે નર્મદા કેનાલ આસપાસ યુગલોને લૂંટી લેવાની ઘટનાઓ અગાઉ બનતી હતી પરંતુ ઘણા સમયથી તે અટકી જતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો પરંતુ ગત ૨૧ એપ્રિલના રોજ અમદાવાદમાં સિંધુભવન રોડ ઉપર શાંતિને કેતન બંગલોમાં રહેતો યુવાન સુજલ દેવાણી તેની વાગદત્તા સાથે કાર લઈને ફરવા માટે નીકળ્યો હતો અને આ દરમિયાન દંતાલી ગામની સીમ પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસે કાર ઊભી રાખીને ફોટોશૂટ કરી રહ્યા હતા. જોકે આ જ સમયે ત્યાં બાઈક ઉપર સવાર બે શખ્સો આવી પહોંચ્યા હતા અને છરી બતાવીને સુજલનો ફોન ખિસ્સામાં મુકાવી દઈ તેણે પહેરેલી સોનાની ચેન તેમજ સોનાનું કડું કઢાવી દીધું હતું આ ઉપરાંત કારમાં બેસી ગયેલી તેની વાગદત્તાની પણ સોનાની ચેન કઢાવી લીધી હતી. આમ ૭.૪૦ લાખની મત્તા લૂંટીને આ શખ્શો ત્યાંથી નાસી છૂટયા હતા. જેના પગલે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસ દ્વારા આ લૂંટારાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી અને આસપાસના વિસ્તારના ૧૦૦થી વધુ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા તેમજ ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમના સીસીટીવી ચકાસી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વૈષ્ણોદેવી પાસેથી એક લૂંટારુ સોબીત ઉર્ફે રાહુલ મુન્નાલાલ શર્મા રહે, રાણીપ હરિઓમ ઓડાના મકાનની સામે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે તેના સાગરીત રોહિત ઉર્ફે બાબુ અમરનાથ કોરી રહે, સરસ્વતી નગર ન્યુ રાણીપની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ મર્ડર સહિતના ગંભીર ગુનાઓ પણ અમદાવાદ શહેરમાં દાખલ થયા છે.

Gujarat