For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદનો હેરીટેજ કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરવા કવાયત

વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો મળ્યાને ચાર વર્ષ પૂરા

ચાલીસ મકાનને રીસ્ટોરેશન કરવાની અરજી મળી

Updated: Jul 9th, 2021

Article Content Image

અમદાવાદ,શુક્રવાર,9 જુલાઈ,2021

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો મળ્યાને ચાર વર્ષ પુરા થયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરીટેજ વિભાગ દ્વારા શહેરનો હેરીટેજ કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરવા કવાયત શરુ કરવામાં આવી છે.નોંધપાત્ર બાબત એ છે કે,શહેરને વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો મળ્યા બાદ ત્રણ વર્ષમાં ચાલીસ જેટલા જુના હેરીટેજ મકાનોને રીસ્ટોરેશન કરવાની અરજી લોકો તરફથી તંત્રને મળી છે.

આ અંગે મળતી માહીતી મુજબ,૮ જુલાઈ-૨૦૧૭ના રોજ  યુનેસ્કોની મળેલી બેઠકમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો આપવામાં આવ્યો હતો.દરજજો મળ્યા બાદના ચાર વર્ષમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ચબૂતરાઓ ઉપરાંત શહેરના મુખ્ય દરવાજાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે.આ પૈકી ત્રણ દરવાજાની કામગીરી પુરી કરાઈ છે.વિકટોરીયા ગાર્ડનને પણ પી.પી.પી.ધોરણે વિકસિત કરવામાં આવ્યો છે.કાંકરીયા લેકફ્રન્ટ ઉપર પણ રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના લોકોમાં હેરીટેજ વારસાને જાળવવા માટે જાગૃતિ આવે એ માટે હાલ વિવિધ વિસ્તારોમાં લોકોના અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે.અમદાવાદ શહેરમાં અગાઉ જુના મકાનોના રીસ્ટોરેશન માટે માંડ દસ જેટલી અરજી આવતી હતી.એ સંખ્યામાં પણ વધારો થયો છે.હાલમાં શહેરનો હેરીટેજ કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.જેથી ભવિષ્યમાં આ તમામ ઈમારતોના પ્લાનથી લઈ અન્ય વિગતો ઉપલબ્ધ થઈ શકે.આગામી સમયમાં ટુરીઝમ પ્લાન તૈયાર કરવા અંગે પણ આયોજન કરવા તંત્ર દ્વારા વિચારણા કરાઈ રહી છે.

આ વર્ષના અંત સુધીમાં યુનેસ્કોની ટીમ અમદાવાદ આવે એવી સંભાવના

અમદાવાદ શહેરને ચાર વર્ષ અગાઉ વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો આપવામાં આવ્યો હતો. પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે.છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોવા મળી રહી છે.આ સ્થિતિ હળવી થતા આ વર્ષના અંત સુધીમાં યુનેસ્કોની ટીમ શહેરને આપવામાં આવેલા દરજજાથી લઈ ચાર વર્ષમાં કયા-કયા પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી એ અંગેની સમીક્ષા કરવા અમદાવાદ આવે એવી સંભાવના હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Gujarat