For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

24 કલાક પાણી માટે ટેસ્ટિંગ : અનેક સ્થળોએ લીકેજ બહાર આવ્યા

Updated: Apr 29th, 2024

24 કલાક પાણી માટે ટેસ્ટિંગ :  અનેક સ્થળોએ લીકેજ બહાર આવ્યા

ગાંધીનગરના સે-૧૪ અને ૨૩માં કામગીરી પૂરી થતાં

સે-૨૨માં ટેસ્ટીંગ નહીં છતાં મીટરમાંથી પાણી નીકળ્યા અને પોલીસ ચોકી પાસે ફૂટપાથમાંથી ફુવારા છૂટયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણીનો પુરવઠો આપવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કરોડો રૃપિયા ખર્ચી દેવામાં આવ્યા છે ત્યારે આજે કામગીરી પૂરી થયા બાદ સેક્ટર ૧૪ અને ૨૩માં લાઈનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોએ લીકેજ બહાર આવ્યા હતા અને સેક્ટર ૨૨માં તો ટેસ્ટીંગ નહીં હોવા છતાં મીટરમાંથી પાણી નીકળ્યા હતા તો ફૂટપાથમાંથી પણ ફુવારા છૂટયા હતા.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં વર્ષો બાદ પાણીનો પ્રશ્ન ઉવવાની શરૃઆત થતા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટર હેઠળ શહેરમાં અઢીસો કરોડ ઉપરાંતના ખર્ચે ૨૪ કલાક પાણીનું નેટવર્ક લાવવાનું આયોજન થયું હતું અને જે અંતર્ગત રાજ્યના પાણી પુરવઠા વિભાગને આ કામગીરી સોંપવામાં આવી હતી. શહેરના જુના સેક્ટરોમાં એજન્સી દ્વારા નવી પાઇપલાઇન નાખી દેવામાં આવી છે અને ઘર સુધી મીટર પણ પહોંચતા કરી દેવામાં આવ્યા છે ત્યારે તબક્કાવાર અલગ અલગ સેક્ટરોમાં પાણીની લાઈનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને જ્યાં લીકેજ હોય ત્યાં તાત્કાલિક સમારકામ કરી શકાય. આજ આયોજનના ભાગરૃપે આજે શહેરના સેક્ટર ૧૪ અને ૨૩માં પાણીની લાઈનની કામગીરી પૂરી થઈ જતા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ફોર્સથી પાણી છોડવામાં આવતા અનેક સ્થળોએ લીકેજ બહાર આવ્યા હતા અને પાણી માર્ગો ઉપર વહેવા લાગ્યા હતા. જોકે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સમારકામ માટેની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ સેક્ટર ૨૨ માં અગાઉ પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે ઘણા સ્થળોએ લીકેજ બહાર આવ્યા હતા જેનું સમારકામ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે સેક્ટર ૨૩માં કરાયેલા ટેસ્ટીંગને પગલે સેક્ટર ૨૨માં પણ અનેક સ્થળોએ પાણી પહોંચી ગયું હતું અને મીટરમાંથી પાણી બહાર વહેવા લાગ્યું હતું. એટલું જ નહીં સેક્ટર ૨૨ પોલીસ ચોકી પાસે તો ફૂટપાથમાંથી પાણીના ફુવારા ઉડવા લાગતા લોકો જોવા માટે ઉમટી પડયા હતા.

જૂન મહિનામાં ૨૪ કલાક પાણી આપવાનું હોવાથી ટેસ્ટિંગ શરૃ કરાયા

ગાંધીનગરમાં ૨૪ કલાક પાણીનો પુરવઠો આપવા માટે મોટાભાગે જુના સેક્ટરોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જૂન મહિનાથી તંત્ર ૨૪ કલાક પુરવઠો આપવા માટે મથી રહ્યું છે. જેના ભાગરૃપે હાલ જે સેક્ટરોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક લીકેજ મળી આવતા તેને રિપેર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ જે સેક્ટરોમાં માર્ગો ખોદી નાખવામાં આવ્યા છે તેને રીસર્ફેસ પણ કરી દેવામાં આવશે.

 

Gujarat