Gujarat

બોગસ માર્કશીટો MSUના પરીક્ષા વિભાગ માટે માથાનો દુખાવો

By GS Team
15 Jan 20201 min read
This article was originally published on 15 Jan 2020
બોગસ માર્કશીટો MSUના પરીક્ષા વિભાગ માટે માથાનો દુખાવો

વડોદરા,તા.15.જાન્યુઆરી,બુધવાર,2020

એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો માટે બોગસ માર્કશીટો માથાનો દુખાવો બની ગઈ છે.રોજે રોજ વેરિફિકેશન માટે આવતી માર્કશીટોમાંથી બોગસ માર્કશીટો નિકળતી હોવાનુ બહાર આવ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે ૨૦૧૯માં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીના સમયમાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ પાસે ૬૪૫ માર્કશીટો ચકાસણી માટે આવી હતી.આ પૈકીની ૨૦ માર્કશીટો બોગસ હોવાનુ બહાર આવ્યુ હતુ.

પરીક્ષા વિભાગના સૂત્રોનુ કહેવુ છે કે, ભારતની કે અન્ય દેશોની યુનિવર્સિટી કે કોલેજમાં ભણવા જતા કે નોકરી મેળવવા માટે એપ્લાય કરતા વિદ્યાર્થીઓની માર્કશીટો વેરિફિકેશન માટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ પાસે આવતી હોય છે.વેરિફિકેશન બાદ પરીક્ષા વિભાગ જે-તે સંસ્થાને માર્કશીટ સાચી છે કે ખોટી તેની જાણકારી આપી દે છે.જો માર્કશીટ બોગસ હોય તો પોલીસને પણ જાણ કરવામાં આવે છે.

પરીક્ષા વિભાગનુ કહેવુ છે કે, બોગસ માર્કશીટના કૌભાંડો વધી ગયા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી માર્કશીટની સુરક્ષાને લઈને ઘણા ફેરફાર કરાયા છે.હવે માર્કશીટ પર હોલોગ્રામ લગાવાય છે.બીજી કેટલાક ખાસિયતોનો પણ માર્કશીટમાં ઉમેરો કરાયો છે.જેથી હવે યુનિવર્સિટીની માર્કશીટની નકલ કરવુ મુશ્કેલ બની ગયુ છે.બોગસ માર્કશીટ વેરિફિકેશનમાં ઓળખાઈ જાય છે પણ તે માટે સતત કામગીરી કરવી પડે છે અને કર્મચારીઓને તેમાં રોકાઈ રહેવુ પડે છે.