For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા શહેર અને જિલ્લાના 10 બૂથનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગો કરશે

Updated: Mar 28th, 2024

વડોદરા શહેર અને જિલ્લાના 10 બૂથનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગો કરશે

- વડોદરા શહેર જિલ્લામાં કુલ 24,897 દિવ્યાંગ મતદારો નોંધાયા

વડોદરા,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચુંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં શહેર તથા જિલ્લાના કુલ 24,897 દિવ્યાંગો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે.

ચૂંટણી પંચ દ્વારા તમામ દિવ્યાંગજનો મતદાન કરે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો છે. બીજી તરફ વડોદરા શહેર જિલ્લામાં કુલ 24,897 થી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છ. જેમાં 14,118 પુરુષ, 1૦,778 મહિલા અને 1 ટ્રાન્સજેન્ડર  મતદારો નોંધાયા છે. વડોદરામાં આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો મતદાન કરે અને તેનું મહત્વ સમજે તે ખુબજ જરૂરી છે.

વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મત વિભાગમાં 256૦, વાઘોડિયામાં 33૫1, ડભોઇમાં 2744, વડોદરામાં 3228, સયાજીગંજમાં 1866, અકોટામાં 1683, રાવપુરામાં 2763, માંજલપુરમાં 2744, પાદરામાં 1788 અને કરજણમાં 217૦ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. જેમાં વાઘોડિયામાં એક ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. 

આ ચૂંટણી દરમ્યાન ખાસ મતદાન મથકો પૈકી શહેર જિલ્લાની વિધાનસભા દીઠ એક સહિત કુલ 1૦ દિવ્યાંગ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ અધિકારી કર્મીઓને સોંપવામાં આવ્યું છે. કુદરતના અભિશાપને આશીર્વાદમાં પલટીને સરકારની વિવિધ સેવામાં જોડાયેલા અને સમાજનું અભિભાજ્ય અંગ એવા દિવ્યાંગજનોની સુષુપ્ત શક્તિઓનો લોકોને પરિચય મળે એવા ઉમદા આશયથી વડોદરા શહેર અને જિલ્લાના 1૦ મતદાન મથકોનું તમામ સંચાલન સરકારમાં ફરજ પરના દિવ્યાંગ કર્મયોગી કરનાર છે.

દિવ્યાંગજનો ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અગવડ વગર ભાગ લઈ શકે તેવા ઉદ્દેશ્યથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોને કસ્ટમાઇઝ સુવિધાઓ પ્રદાન કરતું સક્ષમ (Saksham - ECI)એપ્લિકેશન એક મૂલ્યવાન સાધન બની રહ્યું છે. સક્ષમ થકી મતદાતા મતદાન નોંધણી કરવા, મતદાન મથક શોધવા અને મતદાન અધિકારીઓને સંપર્ક કરી શકે જેવી સંખ્યાબંધ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આટલું જ નહિ દિવ્યાંગ મતદારોને પ્રજ્ઞાચક્ષુઓ માટે વોઇસ આસિસ્ટન્ટ, સંભાળવાની ક્ષતિ ધરાવતા લોકો માટે ટેક્સટ-ટુ-સ્પીચ અને મતદાનનાં દિવસે વ્હીલચેર માટે પણ વિનંતી કરવાની સુવિધાઓ પણ આ એપમાં આપવામાં આવી છે. 

રાજ્યના તમામ દિવ્યાંગ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા, અશક્ત ઉમેદવારોને મતદાન મથક સુધી લઈ લઈ જવા માટે અવસર ડેડીકેટેડ મોબાઇલ વાન, દિવ્યાંગ મતદારો માટે પ્રવેશમાં અગ્રીમતા, ડેઝીગનેટેડ પાર્કિંગ સુવિધા તથા દૃષ્ટિહિન મતદારો માટે બ્રેઈલ બેલેટ પેપરની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Gujarat