Get The App

શિમલા-મનાલી છોડો... આવી ગરમીમાં ભારતના 6 સુંદર સ્થળોએ પહોંચી જાઓ ફરવા, યાદગાર બનશે ટ્રિપ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
શિમલા-મનાલી છોડો... આવી ગરમીમાં ભારતના 6 સુંદર સ્થળોએ પહોંચી જાઓ ફરવા, યાદગાર બનશે ટ્રિપ 1 - image

Offbeat Hill Stations of Shimla-Manali: ઉનાળાની સિઝનમાં મોટાભાગના લોકો પહાડોની ઠંડી વાદીઓમાં ફરવાનું પસંદ કરે છે. ઠંડો પવન, હરિયાળી અને શાંત વાતાવરણ લોકોને શહેરોની ગરમી અને ભાગદોડથી દૂર ખેંચી જાય છે. આમ તો ઉનાળામાં લોકો સૌથી વધુ શિમલા અને મનાલી જવાનું પસંદ કરે છે, પરંતુ વેકેશનની સિઝનમાં અહીં ભારે ભીડ, ટ્રાફિક જામ અને મોંઘી હોટેલો જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ટ્રિપની મજા ફીકી પડી જાય છે.

જો તમે આ વખતે ભીડભાડથી દૂર કોઈ શાંત અને સુંદર જગ્યાએ વેકેશનની મજા માણવા માંગો છો, તો દેશમાં અનેક ઓફબીટ હિલ સ્ટેશન આવેલા છે. અહીં તમને ઠંડું વાતાવરણ, કુદરતી સૌંદર્ય અને શાંતિભર્યો માહોલ એકસાથે મળશે.  તો ચાલો જાણીએ એ જગ્યાઓ વિશે..

હિમાચલ પ્રદેશનું જિભી

હિમાચલ પ્રદેશની તીર્થન વેલીમાં વસેલું જિભી (Jibhi) એક શાંત અને સુંદર હિલ સ્ટેશન છે. અહીં ચારેય તરફ ચીડના જંગલો, લાકડાના કોટેજ અને સુંદર ઝરણાં જોવા મળે છે. જો તમે નેચરની વચ્ચે શાંતિની પળો વિતાવવા માંગતા હોવ, તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ  છે. અહીં જલોરી પાસ અને સેરોલસર લેક જેવાં ફરવા લાયક સ્થળો આવેલાં છે.

હિમાચલ પ્રદેશનું ચંબા

રાવી નદીના કિનારે વસેલું ચંબા પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને સુંદર વાદીઓ માટે જાણીતું છે. અહીંના પ્રાચીન મંદિરો, ટ્રેડિશનલ આર્કિટેક્ચર અને સ્થાનિક તહેવારો લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ સ્થળ હજી પણ પ્રવાસીઓની ભારે ભીડભાડથી દૂર છે, તેથી અહીં શાંતિનો એક અલગ જ અનુભવ મળે છે.

ઉત્તરાખંડનું મુનસ્યારી

કુમાઉ ક્ષેત્રમાં સ્થિત મુનસ્યારી એડવેન્ચર અને ટ્રેકિંગના શોખીનો માટે ફેવરિટ જગ્યા છે. અહીંથી પંચાચૂલી પર્વતમાળાના સુંદર શિખરો દેખાય છે. ઉનાળામાં પણ અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડું રહે છે. લીલાછમ મેદાનો અને શુદ્ધ હવા આ સ્થળને વધુ ખાસ બનાવે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં 'કોકરોચ જનતા પાર્ટી', અભિજિત દીપકે આવશે ભારત

મહારાષ્ટ્રનું ચિકલધરા

મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રનું એકમાત્ર હિલ સ્ટેશન ચિકલધરા તેની હરિયાળી અને વન્યજીવો માટે પ્રખ્યાત છે. અહીંના સુંદર વ્યુ પોઇન્ટ્સ, કોફીના બગીચા અને મેલઘાટ ટાઈગર રિઝર્વ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ સ્થળ ઉનાળામાં પણ ઠંડકનો અહેસાસ કરાવે છે.

આંધ્ર પ્રદેશની અરાકુ વેલી

અરાકુ વેલી પોતાના કોફીના બગીચા અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતી છે. અહીંની ટ્રેનની સફર અત્યંત સુંદર માનવામાં આવે છે, જેમાં પહાડો, સુરંગો અને હરિયાળીના અદભુત દ્રશ્યો જોવા મળે છે. આ ઉપરાંત અહીં આવેલા ઝરણાં અને ગુફાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

પશ્ચિમ બંગાળનું કાલિમ્પોંગ

દાર્જિલિંગ નજીક આવેલું કાલિમ્પોંગ શાંત માહોલ અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. અહીંના મઠ, ફૂલોની બજારો અને સુંદર વ્યુ પોઇન્ટ્સ લોકોને ખૂબ જ પસંદ આવે છે. દાર્જિલિંગની સરખામણીએ અહીં પ્રવાસીઓની ભીડ ઓછી હોય છે, તેથી તમે આરામથી વેકેશનનો આનંદ માણી શકો છો.

જો તમે આ ગરમીમાં શિમલા અને મનાલીની ભીડથી બચવા માંગો છો, તો આ ઓફબીટ હિલ સ્ટેશન તમારા માટે શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. અહીં તમે પ્રકૃતિના સાનિધ્યમાં રહીને શાંતિથી વેકેશનની મજા માણી શકો છો.