શું છે ‘જેન ઝી સ્ટેર’, જેણે યુવાનોના વર્તન બાબતે સામાજિક ચર્ચા છંછેડતા ચિંતા વધારી?
(AI IMAGE) |
Gen Z Stare: વર્ષ 1997 થી 2012 વચ્ચે જન્મેલાં બાળકોને ‘જેન ઝી’ (જનરેશન Z) કહેવામાં આવે છે. ‘જેન ઝી’નું વર્તન અને વલણ ઘણીબધી બાબતોમાં ચર્ચાસ્પદ બન્યું છે. હવે એક નવી ટર્મ ચર્ચાવા લાગી છે, અને એ છે- 'જેન ઝી સ્ટેર' (Gen Z Stare). ‘જેન ઝી’ યુવાનોના ઉષ્માવગરના પ્રતિભાવને લીધે લોકો અસુવિધા અનુભવે, વાતચીતમાં વિઘ્ન આવે, ત્યારે જેન ઝીના એવા વર્તનને 'જેન ઝી સ્ટેર' નામ અપાયું છે. ચાલો જાણીએ કે, કોઈપણ વ્યક્તિને અનાદર લાગે એવા આ ‘જેન ઝી’ વર્તન પાછળ કારણ શું છે?
'જેન ઝી સ્ટેર' શું છે?
તમારી સાથે ક્યારેક તો એવું બન્યું જ હશે કે તમે ઓફિસમાં તમારા કોઈ જેન ઝી સહકર્મચારી સાથે વાત કરવાનું શરૂ કર્યું હોય અને સામેથી ભાવહીન પ્રતિભાવ મળ્યો હોય, કોઈપણ પ્રકારના હાવભાવ વિના તમને તાકી રહેવામાં આવ્યા હોય અથવા તો પછી તમે કૉફી શોપ કે રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યો હોય અને ઓર્ડર લેનાર તમને કોરીધાકોર આંખે, ભાવહીન ચહેરે તાકી રહ્યું હોય. આને જ 'જેન ઝી સ્ટેર' કહેવાય છે.
લોકોને જેન ઝી સ્ટેરમાં શું વાંધો પડે છે?
જેન ઝીની ભાવહીન નજર અને લાગણીવિહોણા હાવભાવ મોટાભાગના લોકોને અનાદર કરતાં અને અપમાનજનક લાગે છે. લોકોને લાગે છે કે આવા હાવભાવથી તેમને એવું લાગે છે કે જેન ઝીને તેમની વાતમાં કોઈ રસ નથી અથવા તો જેન ઝી તેમને બેવકૂફ સમજે છે. ઘણા લોકોના મનમાં એવો પણ સવાલ જાગે છે કે, મેં કંઈ ખોટું તો નથી કહ્યું ને?
'જેન ઝી સ્ટેર' સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યું છે
'જેન ઝી' કરતાં મોટી વયના લોકોને લાગે છે કે 'જેન ઝી'એ તેમનું વર્તન સુધારવું જોઈએ, કેમ કે તેમના ‘જેન ઝી સ્ટેર’થી તેઓ સંકોચ અને મૂંઝવણ અનુભવે છે અને સંવાદ પ્રતિકૂળ બને છે. 'જેન ઝી સ્ટેર' હાલ TikTok અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચર્ચાનો વિષય બની ગયું છે. એટલી હદે કે, નોકરી આપનાર કંપનીઓ પણ જેન ઝીની આ ‘રુક્ષતા’ને ગંભીરતાથી જોવા લાગ્યું છે.
જેન ઝી શા માટે ‘જેન ઝી સ્ટેર’ આપે છે?
સ્ટોર, રેસ્ટોરન્ટ કે ઓફિસમાં કામ કરતાં જેન ઝીનું કહેવું છે કે, તેઓ યુવા અને ઓછા અનુભવી હોવાથી લોકો તેમને અણઘડ સમજી લેતા હોય છે, તેથી લોકો તેમને વધુ પડતી વિગતો આપીને સમજાવવાની કોશિશ કરવા લાગે છે અથવા તો બિનજરૂરી સલાહ-સૂચનો આપવા લાગે છે, જેના મૌન વિરોધના રૂપમાં જેન ઝી સામેવાળાને ‘જેન ઝી સ્ટેર’ આપે છે. એ રીતે તેઓ જાણે કહેવા માંગે છે કે, ‘હા, ભઈ મને સમજાઈ ગયું, હવે તમે બસ કરો.’
આ પણ વાંચો: મહિલા માટે ખૂબ ફાયદાકારક છે 'ભદ્રાસન', એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર
ઓફિસના કામમાં વિશેષ ખલેલ પડે છે
વ્યવસાય જગતમાં ગ્રાહક કે સહકર્મીઓ સાથે સંવાદ સાધવામાં નમ્રતા અને ઉષ્મા જાળવી રાખવી ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાય છે. સસ્મિત વાતચીત અને ભાવપૂર્ણ અભિવ્યક્તિથી વેચાણ/કામ પર હકારાત્મક અસર પડતી હોય છે. ગ્રાહકો કે સાથી કર્મચારીઓને સામેવાળાનું વર્તન અતડું કે ઠંડું લાગે તો એની સીધી અસર વ્યવસાય પર પડે છે.
પેઢીગત મતભેદ પ્રતિકૂળ બને છે
ઘણી ઓફિસમાં મેનેજર એવું કહી રહ્યા છે કે, જેન ઝીની અગાઉની પેઢીની સરખામણીમાં જેન ઝી સાથે કામ કરવું મુશ્કેલ છે, ભાવનાત્મક સમજણના અભાવને લીધે તેમની સાથે સંવાદ સાધવામાં મુશ્કેલી પડે છે જેને પરિણામે તણાવ વધે છે. એક સર્વે મુજબ, 18 % મેનેજરોએ જેન ઝી સાથે કામ કરવાની મુશ્કેલીના કારણે નોકરી છોડવાનું વિચાર્યું છે. ઘણી ઓફિસોમાં તો આવા યુવાનોને નોકરી પર લેવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
આ મુદ્દે નિષ્ણાતો એકથી વધુ કારણો આપે છે.
1) કોવિડ-લોકડાઉને વાણી-કૌશલ્ય છીનવી લીધું
કોવિડ-લોકડાઉનના સમય દરમિયાન લોકો ઘરમાં કેદ રહ્યા હતા અને સામાજિક સંવાદ ઓછો થઈ ગયો હતો, જેની અસર ઘણા જેન ઝી યુવાનો પર થઈ છે અને તેઓ લોકો સાથે સરળતાથી વાતચીત કરવાની કળા ભૂલી ગયા છે. એક સર્વે મુજબ, 51% જેન ઝી યુવાનો માને છે કે લોકડાઉન દરમિયાન તેઓ સામાજિક કૌશલ્ય ગુમાવી બેઠા છે. મિલેનિયલ્સ(1981થી 1996 વચ્ચે જન્મેલા બાળકો)માં આ આંકડો 47% છે.
2) ઓનલાઈન કલ્ચર વસમું પડી રહ્યું છે
મોટાભાગના જેન ઝી યુવાનો સતત મોબાઈલ ગેમ્સ, સોશિયલ મીડિયા અને ઓનલાઇન કલ્ચરમાં જ રચ્યાપચ્યા રહે છે. સામાજિક પ્રસંગો દરમિયાન પણ તેઓ વારેવારે મોબાઈલમાં ડોકિયું કરતા રહે છે. જેને લીધે તેઓ વધુ ને વધુ ‘અસામાજીક’ બની રહ્યા છે, જે સરવાળે તેમને આવા ‘જેન ઝી સ્ટેર’ તરફ દોરી જાય છે. વ્યક્તિ સાથે સીધો સંવાદ કરવાને બદલે તેઓ મોબાઈલ દ્વારા સંપર્કમાં રહેવાનું વધુ પસંદ કરે છે.
3) ભવિષ્યની ચિંતા
આજના યુવાનો સોશિયલ મીડિયા દ્વારા અભિવ્યક્ત થતાં હોય છે, પણ તકલીફ એ છે કે સતત થતાં ટેક્નોલોજિકલ આવિષ્કારોને લીધે તેમનો અભિવ્યક્તિનો મંચ પણ સતત અપડેટ થતો રહે છે, જેની સાથે તાલમેલ સાધવામાં યુવાનો માનસિક દબાણ અનુભવે છે. ઓનલાઈન રહેવાના વ્યસનને પરિણામે તેમના શૈક્ષણિક અભ્યાસ પર પડતી પ્રતિકૂળ અસરને લીધે તેઓ પોતાના ભવિષ્ય બાબતે પણ અનિશ્ચિતતાની લાગણી અનુભવતા હોય છે. ઉપરાંત પ્રત્યેક ક્ષેત્રે નડી જતી સ્પર્ધા પણ એમનું ટેન્શન વધાર્યે રાખે છે. એમના જીવનના આવા અસંતુલનનો પડઘો તેમના દૈનિક વ્યવહારમાં ઉપરછલ્લા હાવભાવ દ્વારા પડે છે.
આ પણ વાંચો: દુનિયામાં સૌથી વધુ બોલાતો શબ્દ કયો? મજાકથી થઈ હતી તેની શરુઆત
શું ઉપાય અજમાવી શકાય?
નિષ્ણાતોનું કહેવું છે કે, જેન ઝીને વર્તણૂંકમાં પરિવર્તન લાવવા માટે અમુક ઉપાય અમલમાં મૂકવા જોઈએ.
- પરિવારના લોકોએ ભેગાં સમય વિતાવવો જોઈએ અને એ સમય દરમિયાન મોબાઈલ જેવા કોઈપણ ગેજેટ્સનો ઉપયોગ ટાળવો. બધાંએ ભેગાં જમવું જોઈએ. ડાઈનિંગ ટેબલ પર તો મોબાઈલનો ઉપયોગ સદંતર પ્રતિબંધિત કરવો જોઈએ.
- જેન ઝી યુવાનો સામાજીક પ્રસંગોમાં હાજરી આપીને સૌને હળે-મળે, એનું ધ્યાન વડીલોએ રાખવું જોઈએ.
- યુવાનોને એમના મિત્રો સાથે કે પછી પરિવાર સાથે પ્રવાસ પર મોકલવા જોઈએ.
- યુવાનોને કાગળ પર છપાયેલા શબ્દોના વાંચન તરફ વાળવા જોઈએ, મોબાઈલ પર નહીં.
- પ્રત્યેક યુવાનને કોઈ ને કોઈ રમતમાં રસ લેતો કરવો જોઈએ. મેદાનમાં રમાતી રમતો શરીર અને મગજ માટે સૌથી ઉત્તમ સાબિત થતી હોય છે.
- વકતૃત્વ સ્પર્ધા જેવી જાહેરમાં બોલવાની તક આપતી પ્રવૂત્તિમાં યુવાનોએ ભાગ લેવું જોઈએ.
- યુવાનોને અભિનય, નૃત્ય, ફોટોગ્રાફી, ગાયન, ચિત્રકળા જેવા શોખ તરફ વાળવા જોઈએ.
- ધ્યાન-યોગ અને સમાજસેવામાં હિસ્સેદારી જેવા પગલાં પણ યુવાનોની માનસિકતામાં હકારાત્મક બદલાવ લાવવામાં મદદરૂપ થઈ શકે છે.