આ પાંચ કામોમાં ભૂલથી પણ બાળકોને ન આપો સાથ, નહીં તો અંધારામાં ડૂબી જશે ભવિષ્ય
Do it for the future of children: બાળકોનું ભવિષ્ય મોટાભાગે તેમના બાળપણ પર આધાર હોય છે. કારણ કે, તેમની ઘણી આદતોનો પાયો બાળપણમાં જ નંખાઈ જાય છે અને આ આદતોને ઘડવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા માતાપિતા રહે છે. માતાપિતાની એ ફરજ અને જવાબદારી છે કે તેઓ તેમના બાળકોને સાચા-ખોટાનો ફરક સમજાવે. તમારા બાળકોને જરૂર હોય ત્યારે તેને સપોર્ટ કરો અને જ્યારે તેની ભૂલ હોય ત્યારે તેને રોકો. એટલે મુદ્દાની વાત એ છે કે, માતાપિતાને ખ્યાલ હોવો જોઈએ કે, બાળકોને ક્યારે પ્રેમ આપવો જોઈએ અને ક્યારે સપોર્ટ કરવો જોઈએ. આવો આજે અહીં અમે કેટલીક એવી આદતો વિશે વાત કરી રહ્યા છીએ જેમાં તમારે તમારા બાળકને બિલકુલ સપોર્ટ ન કરવો જોઈએ.
તમારા બાળકની દરેક જિદમાં હા ન ભરો
ઘણીવાર બાળકો નાની નાની બાબતો પર જિદ કરવા લાગે છે અને મોટાભાગે માતા-પિતા તેને શાંત પાડવા માટે તેની જિદ માની લેતા હોય છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં આ ઠીક છે, પરંતુ જો તમે દર વખતે તમારા બાળકની જિદ પુરી કરો છો તો, આ આદત ભવિષ્યમાં તમને ઘણી મુશ્કેલીમાં મુકશે. હકીકતમાં જ્યારે તમે બાળકની દરેક માંગણીમાં હા ભરો છો, ત્યારે તેને માત્ર 'હા' સાંભળવાની આદત પડી જાય છે. અને તે વિચારે છે કે, રડીને કે કોઈ નાટક કરીને તે જે ઇચ્છે છે તે મેળવી શકે છે. આવા બાળકો ભવિષ્યમાં ઈમોશનલી રીતે નબળા અને જીદ્દી સ્વભાવના બની જાય છે.
દરેક બાબતમાં બાળકનો પક્ષ ન લો
તમારા બાળકને સપોર્ટ કરવો જરુરી છે, પરંતુ ભૂલ કોની છે તે જાણ્યા વિના દર વખતે આંખ આડા કાન કરીને બાળકનો પક્ષ લેવો એ બિલકુલ ખોટું છે. જો તમારું બાળક ઝઘડા કરીને ઘરે આવ્યું હોય અને તેના વિશે તમને કોઈ ફરિયાદ કરે, તો તરત જ તમારા બાળકનો પક્ષ લેવાનું શરુ ન કરો. પહેલા બંને પક્ષોને યોગ્ય રીતે સાંભળો અને જે સાચું છે, તેનો પક્ષ લો. તમારા બાળકને તે સમયે ખરાબ લાગશે, પરંતુ પછીથી તે પોતાની ભૂલ સ્વીકારવાનું શીખી જશે અને એક સારો વ્યક્તિ બનશે.
પોતાની ભૂલો બીજા પર નાખો
બાળકો ઘણીવાર ડરના કારણે પોતાની ભૂલો છુપાવે છે. કેટલીકવાર તો તેઓ તેને બીજા પર થોપી બેસાડે છે. હવે જો માતા-પિતા તેને અવગણશે અથવા તેની મજાક ઉડાવશે, તો બાળક ભવિષ્યમાં પણ આવું જ કરશે. જો બાળક ભવિષ્યમાં કોઈ ભૂલ કરશે, તો તે તેના માટે પોતાના બદલે બીજા કોઈને જવાબદાર ઠેરવશે. તેથી માતાપિતાનું કર્તવ્ય છે કે તેઓ બાળપણથી જ તેમના બાળકોને તેમની ભૂલોની જવાબદારી લેવાનું અને તેમની ભૂલોમાંથી શીખવાનું સમજાવે.
બાળકના સ્ક્રીન ટાઇમ પર ધ્યાન આપો
બાળકોને શાંત રાખવા માટે માતાપિતા મોટાભાગે ટીવી રિમોટ અથવા સ્માર્ટ ફોન આપી દેતા હોય છે. તેમને લાગે છે કે, ઓછામાં ઓછા એ બહાને બાળક ઘરે શાંતિથી બેસી રહેશે. આ કારણે કેટલાક બાળકો આખો દિવસ ફોન કે ટીવીમાં વ્યસ્ત રહે છે અને માતા-પિતા ખાસ ધ્યાન પણ આપતા નથી. જ્યારે આ આદત બાળકના માનસિક અને શારીરિક વિકાસ બંને પર નકારાત્મક અસર કરે છે. નાનપણથી જ તેઓ લોકોથી અલગ થવા લાગે છે અને ક્યારેક ફોનને કારણે તેઓને વિચિત્ર વસ્તુઓની લત લાગી જાય છે.
બાળક બેજવાબદાર હોવું
કેટલાક માતા-પિતા તેમના બાળકોને કોઈ કામ કરવા દેતા નથી તેમના માટે બાળકોને પ્રેમ કરવાનો અર્થ એ છે કે બાળકનું બધું જ કામ કરી દેવું. તેઓ એવું વિચારે છે કે, બાળકોને વધારાનું કંઈ વિચારવાની કે કરવાની જરૂર નથી. પરંતુ આ ખોટું છે. બાળકને નાનપણથી જ કેટલીક જવાબદારી આપો, જેથી તેનામાં જવાબદારીની ભાવના કેળવાય. બાળકોને કંઈક એવું કામ સોંપો જેથી તેમનામાં જવાબદારીની ભાવના વિકસે અને તેઓ આત્મનિર્ભર પણ બને.