For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સવારે ઉઠીને ભૂલથી પણ ન કરશો આ 7 કામ

Updated: Apr 18th, 2022

Article Content Image

- દિવસની શરૂઆત આપણા આખા દિવસના સ્વાસ્થ્ય અને કામને પ્રભાવિત કરે છે

અમદાવાદ, તા. 18 એપ્રિલ 2022, સોમવાર

અંગ્રેજીમાં એક કહેવત છે, 'અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઈઝ, મેઈક્સ એ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઈસ.' મતલબ કે, જે લોકો સવારે જલ્દી ઉઠે છે અને રાત્રે જલ્દી ઉંઘી જાય છે તેમનું સ્વાસ્થ્ય સારૂં રહે છે, તેઓ બુદ્ધિશાળી હોય છે અને તેમને ધનની પણ કોઈ ઉણપ નથી હોતી. 

આયુર્વેદમાં કહ્યું છે કે-

वर्ण कीर्तिं मतिं लक्ष्मीं स्वास्थ्यमायुश्च विन्दति।

ब्राह्मे मुहूर्ते संजाग्रच्छियं वा पंकजं यथा।।

અર્થાત, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પુરૂષોને સૌંદર્ય, લક્ષ્મી, બુદ્ધિ, સ્વાસ્થ્ય, આયુ વગેરેની પ્રાપ્તિ થાય છે. તેનું શરીર કમળની માફક સુંદર બને છે. ઉપરાંત સંપૂર્ણ રાત્રિ બાદ પ્રાતઃ સમયે જ્યારે ભગવાન સૂર્યનો ઉદય થવાનો હોય છે ત્યારે તેમનું ચૈતન્યમય તેજ આકાશ માર્ગ દ્વારા વિસ્તૃત થવા લાગે છે. જો મનુષ્ય સજાગ થઈને સ્નાનાદિ વગેરે પતાવી ઉભા રહીને અર્ધ્ય આપે અને જપ દ્વારા પ્રાણાધિદેવ ભગવાન સૂર્યના કિરણો વડે પોતાના પ્રાણમાં અતુલ તેજનું આહ્વાન કરે તો તે પુરૂષ દીર્ઘજીવી બની જાય છે. 

અનેક સફળ લોકો સવારે ઉઠીને કોઈ પણ પ્રકારની ખલેલ વગર પોતાના જરૂરી કામ પૂરા કરવાનું પસંદ કરે છે. પ્રખ્યાત પત્રિકા 'વોગ'ના સંપાદક એના વિંટોરની આ વાત ખૂબ જ પ્રચલિત છે કે, તેમનો દિવસ સવારે 5:45 કલાકે શરૂ થઈ જાય છે. કામ શરૂ થાય તે પહેલા તેઓ એક કલાક ટેનિસ પણ રમી લે છે. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તો માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં આ વાત પ્રખ્યાત છે કે, તેમને સ્વસ્થ અને સાદું જીવન પસંદ છે. વડાપ્રધાનની સ્વાસ્થ્ય પ્રદ લાઈફસ્ટાઈલનું જ પરિણામ છે કે, 70 વર્ષની ઉંમરે પણ એક્ટિવ અને એનર્જેટિક જોવા મળે છે. મોડી રાત સુધી જાગીને કામ કરનારા વડાપ્રધાન મોદી સવારે 4:00 વાગ્યે જ પથારી છોડી દે છે. વડાપ્રધાન મોદી સવારે ઉઠ્યા બાદ અડધા કલાક સુધી યોગાસન અને પ્રાણાયમ તથા સૂર્ય નમસ્કાર કરે છે. તે તેમની દિનચર્યાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. 

જાણકારોના મતે સવારે ઉઠીને ઓફિસ પહોંચવા સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન એવા અનેક કામ કરી શકાય જે વ્યક્તિના અંગત જીવન માટે ખૂબ જ ફાયદાકારી સાબિત થઈ શકે છે. 

પ્રાતઃ જાગરણ એટલે કે, વહેલી સવારે ઉઠવા અને મહાનતા વચ્ચે પણ પારસ્પરિક યોગ છે. તમામ મહાન વ્યક્તિ પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જાય છે અને આ સમયે નિયમપૂર્વક ઉઠી જનારા પ્રત્યેક વ્યક્તિનું જીવન શારીરિક અને બૌદ્ધિક ઉન્નતિથી વિલક્ષણ બને છે તેમાં કોઈ જ શંકા નથી. મહાત્મા ગાંધી પ્રતિદિન આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના પત્રોના ઉત્તર આપતાં, સમાચાર પત્રો માટે લેખ તથા મેસેજ વગેરે તૈયાર કરતા હતા. 

દિવસની શરૂઆત આપણા આખા દિવસના સ્વાસ્થ્ય અને કામને પ્રભાવિત કરે છે. જો શરૂઆત તાજગીસભર હશે તો આખો દિવસ સ્ફુર્તિ જળવાઈ રહેશે. સવારે જલ્દી ઉઠવું તે સારી આદત છે પરંતુ અમુક આદતો એવી પણ છે જેના લીધે તમારા આભામંડળમાં નેગેટિવ એનર્જીની વૃદ્ધિ થાય છે, ગ્રહોની ખરાબ અસરો તમને પ્રભાવિત કરે છે અને તમારૂં ભાગ્ય તમારો સાથ નથી આપતું. તો ચાલો જાણીએ એવા કયા કામ છે જે સવારે ઉઠીને ભૂલથી પણ ન કરવા જોઈએ. 

ધુમ્રપાન કરવું

આમ તો ધુમ્રપાન કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તે નુકસાનકારી જ છે પરંતુ સવારે ઉઠીને તરત જ સિગારેટ પીવી ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી કેન્સર થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. યાદ રાખજો કે, સિગારેટના ધુમાડામાં રાહુના નકારાત્મક પ્રભાવ હોય છે. 

શરાબનું સેવન

અનેક લોકો એવા હોય છે જે પોતાના દિવસની શરૂઆત શરાબના સેવન સાથે કરે છે. સવારે ઉઠતાની સાથે જ શરાબનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારી છે. સવારે ઉઠીને દારૂ પીવાથી રાહુ અને શુક્ર એમ બંનેના અશુભ પ્રભાવ અસર કરે છે. 

લડાઈ-ઝઘડો કરવો

દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ માટે સવારમાં ક્રોધ ન કરવો જોઈએ. આમ પણ ક્રોધને મનુષ્યનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે. સવારે ઉઠતાની સાથે જ કોઈ સાથે તકરાર કરવી કે લડાઈ-ઝઘડા કરવા તે યોગ્ય નથી. તેનાથી આખો દિવસ તમારો મૂડ ખરાબ રહેશે અને તમે કોઈ પણ કામમાં પૂરૂં ધ્યાન નહીં આપી શકો. સવારથી જ લડાઈ-ઝઘડા થવા તે એ વાતનો સંકેત છે કે, તમે મંગળના નકારાત્મક પ્રભાવમાં છો. સવારના સમયે પરિવારના તમામ સદસ્યો સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. 

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, સવારે ઉઠીને કદી પણ અરીસો ન જોવો જોઈએ. જો તમે સવારે ઉઠીને તરત જ અરીસો જોશો તો આખો દિવસ તમારા સાથે નકારાત્મક ઘટનાઓ બનશે જે તમને દુખી કરશે. 

મસાલેદાર ભોજન

સવારના સમયે ખૂબ વધારે મસાલેદાર ભોજનનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. સવારના સમયે જેટલું વધારે હળવું અને પૌષ્ટિક ભોજન ખાવામાં આવે તેટલું સારૂં રહેશે. 

કોફીનું સેવન

વિશ્વના મોટા ભાગના લોકો એવા છે જે પોતાની સવારની શરૂઆત કોફીના કપ સાથે કરે છે. પરંતુ નિષ્ણાતોની વાત માનીએ તો સવારે કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધી જાય છે. કોર્ટિસોલ એક હોર્મોન છે જે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમમાં સક્રિય ભૂમિકા ભજવે છે. સવારના નાસ્તા બાદ કોફીનું સેવન કરવું ફાયદાકારી રહે છે. 

ભડકાઉ વસ્તુઓ જોવી

જો તમે સવારે ઉઠીને તરત જ ટીવી ચાલુ કરી દો છો તો એ વાતનું ધ્યાન રાખો કે એવું કશું ન જુઓ જે ભડકાઉ કે ઉશ્કેરણીજનક હોય. તેની સીધી અસર તમારા કામ અને મૂડ પર પડે છે. પ્રાતઃ કાળમાં મંત્રોનું ઉચ્ચારણ સાંભળવામાં આવે તે વધું સારૂં રહેશે. તમે જે પણ દેવી-દેવતામાં આસ્થા ધરાવતા હોવ તેમના મંત્રોની સીડી(કેસેટ) સાંભળો અથવા તો તેને ફોનમાં ડાઉનલોડ કરીને રાખો અને દરરોજ સાંભળો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. 

આમ-તેમ આડા પડવું

આપણામાંથી મોટા ભાગના લોકો એવા પણ હોય છે જેમને સવારે ઉઠવું ગમતું નથી હોતું. અનેક લોકો તો એવા પણ હોય છે જે સવારે પથારીમાંથી ઉભા થયા બાદ ઘરમાં જ આમ-તેમ સૂઈ જતા હોય છે. આ એક ખોટી આદત છે જેના લીધે તમારી ઉંઘ પૂરી થઈ ગઈ હોવા છતાં તમને ફ્રેશનેસ નથી અનુભવાતી. તે તમે નેગેટિવ એનર્જીના પ્રભાવમાં છો એ વાતનો સંકેત છે. 

Article Content Image

- મૃત્યુંજય શર્મા

Gujarat