ગજબનો બિઝનેસ: ખુજલી કરવાની દુકાન ખોલી, શખ્સ મેળવી રહ્યો છે લાખોની આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Back Scratching Business : સામાન્ય રીતે પીઠ કે શરીર પર ખંજવાળ આવે ત્યારે લોકો જાતે ખંજવાળી લેતા હોય છે અથવા પરિવારના કોઈ સભ્યની મદદ લે છે. જોકે, ચીનમાં એક યુવકે આ સામાન્ય બાબતને એક નફાકારક બિઝનેસમાં ફેરવી નાખી છે. ચીનના શેનઝેન શહેરમાં 32 વર્ષીય ઝાંગ શિયાઓચિયાઓએ લોકોને ખંજવાળવાની વ્યવસાયિક સેવા આપતી દુકાનો શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે આ અનોખા બિઝનેસથી તેમની બે દુકાનોની માસિક આવક આશરે 1 લાખ યુઆન એટલે કે લગભગ 14 થી 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
ગ્રાહકો માટે ખાસ સેટઅપ અને ચાર્જ
આ દુકાનનું વાતાવરણ મસાજ પાર્લર જેવું રાખવામાં આવ્યું છે. અહીં ગ્રાહકો બેડ પર સૂઈ જાય છે અને ખાસ તાલીમ પામેલા કર્મચારીઓ હાથમાં ખાસ પ્રકારના નખ પહેરીને ગ્રાહકની પીઠ અને શરીર પર ધીમે-ધીમે ખંજવાળે છે. આ સેવાનો દર 1 કલાકના 300 યુઆન એટલે કે આશરે 3,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. સંચાલકના જણાવ્યા અનુસાર આ સેવા માત્ર ખંજવાળ મટાડવા પૂરતી નથી, પરંતુ તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
સોશિયલ મીડિયાના વીડિયો પરથી મળ્યો આઈડિયા
ચીનમાં આ સર્વિસ ઘણી લોકપ્રિય બની રહી છે. અહીં આવતા ગ્રાહકોમાં આશરે 70 ટકા પુરુષો છે. અગાઉ ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા બાદ ઝાંગે એક શોર્ટ વીડિયો જોયો હતો, જેમાં એક પત્ની તેના પતિની પીઠ ખંજવાળી રહી હતી. વીડિયોની કમેન્ટ્સમાં લોકોએ લખ્યું હતું કે, આવી સેવા માટે તેઓ રૂપિયા ચૂકવવા પણ તૈયાર છે. આ સાથે ઝાંગને તેમના પિતા દ્વારા બાળપણમાં પીઠ ખંજવાળીને સુવડાવવાની યાદ તાજી થઈ અને તેમણે તેને વ્યાવસાયિક સેવાનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.
દેશભરમાં 100 આઉટલેટ ખોલવાનું લક્ષ્ય
હાલ બંને આઉટલેટ તમામ ખર્ચ કાઢીને સારો નફો કરી રહ્યા છે. ઝાંગ હવે દેશભરમાં આવા 100 આઉટલેટ ખોલવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે સમાજમાં ખંજવાળવાની આ સેવાને એક સન્માનજનક વ્યવસાય અને રોજગારીના સાધન તરીકે સત્તાવાર ઓળખ મળે.




