Lifestyle & Fashion

Gen zમાં નવો ટ્રેન્ડ થયો પોપ્યુલર! હવે એપ્સ પાછળ વધુ પડતાં પૈસા ખર્ચવાનું કર્યું બંધ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
આજની Gen Z પેઢી 'સબસ્ક્રિપ્શન ડિટોક્સ' અપનાવી રહી છે. મોબાઈલ એપ્સના મનોરંજન, OTT, મ્યુઝિક કે ફિટનેસ સબસ્ક્રિપ્શન્સના વધતા ખર્ચને નિયંત્રિત કરવા આ ટ્રેન્ડ શરૂ થયો છે. બિનજરૂરી મેમ્બરશિપ બંધ કરીને માસિક બજેટ પરનો બોજ ઓછો કરાય છે. આનાથી ડિજિટલ ઓવરલોડથી પણ રાહત મળે છે અને નાણાં બચે છે. બેંક ખાતા તપાસી, યાદી બનાવી અને બિનઉપયોગી સેવાઓ બંધ કરવી એ જ આ ડિટોક્સનો હેતુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gen zમાં નવો ટ્રેન્ડ થયો પોપ્યુલર! હવે એપ્સ પાછળ વધુ પડતાં પૈસા ખર્ચવાનું કર્યું બંધ

Subscription Detox Trend: આજકાલ મોબાઈલ ફોનમાં અનેક પ્રકારની એપ્સ ઉપલબ્ધ છે અને મનોરંજન, ઓટીટી, મ્યુઝિક, ફિટનેસ કે અભ્યાસ માટે અલગ-અલગ સબસ્ક્રિપ્શન લેવાનો ટ્રેન્ડ વધી ગયો છે. આ તમામ ખર્ચ ભલે દર મહિને નાના લાગતા હોય, પરંતુ ભેગા મળીને માસિક બજેટ પર મોટો બોજ નાખે છે. આજની ‘જેન ઝી’ (Gen Z) પેઢી આ બાબતે હવે ખૂબ જ સભાન બની રહી છે અને જે સબસ્ક્રિપ્શન કે મેમ્બરશિપનો ઉપયોગ ઓછો થાય છે કે કામની નથી, તેને તુરંત બંધ કરી રહી છે. આ જ રીતને ‘સબસ્ક્રિપ્શન ડિટોક્સ’ કહેવામાં આવે છે.

શું છે ‘સબસ્ક્રિપ્શન ડિટોક્સ’નો અર્થ?

સરળ ભાષામાં સમજીએ તો, પોતાના બેંક ખાતામાંથી દર મહિને આપોઆપ કપાઈ જતા નાણાં અને તમામ ચાલુ મેમ્બરશિપને ચેક કરીને બિનજરૂરી સેવાઓ બંધ કરવી એટલે સબસ્ક્રિપ્શન ડિટોક્સ. આનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે જે સેવા માટે તમે પૈસા ચૂકવી રહ્યા છો, ખરેખર તેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં.

એકસાથે બહુવિધ ઓટીટીથી છુટકારો

અગાઉ લોકો અલગ-અલગ ફિલ્મો કે વેબ સિરીઝ માટે એકસાથે અનેક ઓટીટી પ્લેટફોર્મની મેમ્બરશિપ લઈ લેતા હતા. પરંતુ હવે લોકો એક સમયે માત્ર એક જ ઓટીટી પ્લેટફોર્મ રાખે છે અને પોતાની પસંદગીનું કન્ટેન્ટ જોયા બાદ તેને બંધ કરીને બીજું શરૂ કરે છે. જેના કારણે દર મહિને બિનજરૂરી ખર્ચ થતો અટકે છે.

ડિજિટલ ઓવરલોડથી પણ રાહત

આ ટ્રેન્ડ માત્ર નાણાં બચાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ડિજિટલ ઓવરલોડથી પણ છુટકારો અપાવે છે. ફોનમાં બિનજરૂરી એપ્સ અને નોટિફિકેશન ઓછા થવાથી ડિજિટલ લાઈફ પણ સરળ અને વ્યવસ્થિત બને છે.

તમે કેવી રીતે કરી શકો છો સબસ્ક્રિપ્શન ડિટોક્સ?

ખર્ચ તપાસો: તમારા બેંક ખાતા અને પેમેન્ટ એપ્સમાં છેલ્લા કેટલાક મહિનાના ખર્ચની વિગતો ચેક કરો.

લિસ્ટ બનાવો: તમારી તમામ ચાલુ મેમ્બરશિપની યાદી બનાવો અને વિચારો કે તમે તેનો ઉપયોગ કેટલી વાર કરો છો.

ધીમે-ધીમે શરૂઆત કરો: જે એપ કે સર્વિસનો ઉપયોગ મહિનાઓથી નથી થયો, તેને તાત્કાલિક બંધ કરી દો.

નિયમિત તપાસ: દર મહિને એકવાર તમારી સબસ્ક્રિપ્શન સર્વિસિસનું પુનરાવલોકન (Review) કરો.

આનો અર્થ એ નથી કે તમામ મેમ્બરશિપ બંધ કરી દેવી, પરંતુ વગર વિચારે દર મહિને ખાતામાંથી પૈસા કપાવાની આદતને રોકવી એ જ આ ટ્રેન્ડનો મૂળ ઉદ્દેશ્ય છે.