Lapchhap

તમારી Height માત્ર વધતી જ રહે, એવું કંઈ નહિ...તે ઘટી પણ શકે!

By GS Team
28 Nov 20267 mins read
તમારી Height માત્ર વધતી જ રહે, એવું કંઈ નહિ...તે ઘટી પણ શકે!
  • શરીરની ઊંચાઈ માત્ર બાલ્યાવસ્થા-કિશોરાવસ્થામાં જ વધતી રહે…ત્રીસી-ચાલીસી પછી તો તે ઘટવા તરફી!
  • લપછપ-કૌશિક કુમાર દીક્ષિત
  • સ્ત્રીઓમાં માસિક રક્તસ્ત્રાવ (ઊંમરને) પ્રતાપે બંધ થઇ ગયા બાદ ઊંચાઈ ઝડપભેર ઘટવા લાગે છે અને દર પાંચ વર્ષે એક ઇંચ ઊંચાઈ ઓછી થતી જાય છે!

ત મને તો એમ જ હશે કે, આપણી ઊંચાઈ જાણે કે વન-વે જેવું છે …એટલે કે, ઊંચાઈ વધતી જ હોય અને તે કદાપિ ઘટવાનું તો નામ નહિ લે ! પણ, વાસ્તવમાં એવું નથી. આપણા શરીરની ઊંચાઈ વધવાને બદલે ઘટી પણ શકે છે ! અને, આ કોઈ હંસી-મઝાકની વાત નથી પણ, એક ગંભીર અને વૈજ્ઞાનિક આધાર ધરાવતી વાત છે.
એક વાર તમે હાંસલ કરી લીધેલી તમારી ઊંચાઈ આગળ જતાં ઘટવા પણ લાગે છે. જેમ, શરીરના વજનમાં વધ-ઘટ થાય તેમ તેની ઊંચાઈમાં પણ વધઘટ શક્ય છે.
સામાન્ય રીતે, ઊંચાઈ વધવાની અવસ્થા બાળપણ અને કિશોર વય છે. કુરતી રીતે જે ઊંચાઈ વધવાની હોય તે વીસેક વરસની ઉંમર સુધીમાં વધી જઈ શકે છે. સામાન્ય રીતે, વીસેક વર્ષની વય બાદ ઊંચાઈ વધવાની આશા કોઈ રાખી નહિ શકે.
કઈ ઉંમર બાદ Height ઘટવા લાગે?
એક વૈજ્ઞાનિક તથ્ય એ છે કે, મનુષ્યોમાં ઉંમર વર્ષ ૪૦ બાદ શરીરની ઊંચાઈ વધવાને બદલે ઘટવાનો રસ્તો સામાન્ય રીતે અપનાવે છે ! જીવવિજ્ઞાનમાં જે સંશોધન થયાં છે તે મુજબ, પુરુષોમાં ૩૦ વર્ષની ઉંમર બાદ તે પછીના ૩૦-૪૦ વર્ષ સુધીમાં અંદાજે એકાદ ઇંચ (એટલે કે, ત્રણેક સે.મી.) ઊંચાઈ ઘટી ગયેલી જોવા મળે છે. જયારે, સ્ત્રીઓમાં ૩૦ વર્ષની વયથી ૭૦ વર્ષની સુધી પહોંચતામાં સ્ત્રીએ બે ઇંચ (એટલે કે, પાંચેક સે.મી.) ઊંચાઈ ગુમાવેલી જોવા મળી શકે છે ! ત્રીસી બાદ, ઉંમર સાથે શરીરની ઊંચાઈ ઘટવાની આ સમગ્ર પ્રક્રિયા શરીરના કંકાલતંત્રને આભારી છે. વૃદ્ધ થતાં-થતાં શરીરનું એકંદર કંકાલ તંત્ર પોતાનું એકંદર ઘનત્વ ગુમાવતું જાય છે અને, શરીર પોતાની ઊંચાઈ ગુમાવવા લાગે છે.
Height વધવા-ઘટવામાં કરોડરજ્જુની ભૂમિકા
મનુષ્યોમાં ઊંચાઈ વધવા-ઘટવાની પ્રક્રિયા ખાસ કરીને કરોડરજ્જુને આભારી છે. એક સ્વસ્થ કરોડરજ્જુ વ્યક્તિની ઊંચાઈ જાળવી રાખવામાં સક્ષમ હોય છે. જયારે ઉંમર વધવા લાગે ત્યારે કરોડરજ્જુના મણકા પોતાની સાઈઝ તેમજ અરસપરસનું અંતર જાળવી નહિ શકવાને લીધે વ્યક્તિની ડોકથી કમર સુધીની લંબાઈ આપમેળે ઘટવા લાગે છે. જો, વ્યક્તિ ટટ્ટાર રહી શકે અને, કરોરજ્જુને સ્વસ્થ રાખી શકે તો કદાચ, તે પોતાની ઊંચાઈ છેવટ સુધી જેમની તેમ જાળવી રાખી શકે અને ઉંમરના વધવા સાથે તેની ઊંચાઈ ઓછી થવા નહિ લાગે!
ઓસ્ટીયોપોરોસીસ થાય તો, Height ઘટી જાય?
હા, ઓસ્ટીયોપોરોસીસ એક એવો રોગ છે જે વ્યક્તિના શરીરની ઊંચાઈ ઉપર નકારાત્મક પ્રભાવ તરત જ દેખાડવા લાગે છે. શરીરનાં હાડકાં પોચાં પડવાં તે ઓસ્ટીયોપોરોસીસ છે…હાડકાંનો આ વ્યાધિ હાડકાંની તાકાત સાથે હાડકાંનું કદ પણ ઓછું કરી નાખે છે અને સરવાળે શરીર ઊંચાઈ ગુમાવી દે છે. જો, તમને તમારી ઊંચાઈ છેવટ સુધી જાળવી રાખવી હોય તો તમારે ઓસ્ટીયોપોરોસીસથી ખાસ સંભાળવું પડે-બચવું પડે. ઓસ્ટીયોપોરોસીસથી બચવા માટે તમારે દરરોજ કેલ્શિયમ-પ્રોટીન આ બે તત્વોવાળો આહાર પૂરતા પ્રમાણમાં લેવાનું રાખવું જોઈએ. જો, આહાર દ્વારા પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ-પ્રોટીન મેળવી લેવાનું શક્ય નહિ હોય તો ઔષધિઓ દ્વારા પણ શરીરની તે ખોટ-ખાધ પૂરી કરતાં રહેવું પડે.
શરીરની એકંદર કમજોરી પણ Height ઓછી કરી દે છે !
કોઈ પણ વ્યક્તિનું શરીર જો, સંપૂર્ણ સ્વસ્થ રહે નહિ તો ઉંમર જતાં એકંદર સ્વાસ્થ્યના અભાવે પણ શરીરની ઊંચાઈ ઉંમર વધવા સાથે ઘટી રહેલી જણાય છે. શરીરમાંથી સ્નાયુઓ ઓછા થતા જવા કે તે સંકોચાતા જવા એ સ્થિતિ ભલે કોઈ રોગ જેવી નથી પણ, તે સ્થિતિમાં શરીરની ઊંચાઈ ઉપર નકારત્મક પ્રભાવ જરૂર પડી શકે છે અને ઊંચાઈ ઘટવા લાગે છે. તમને શરીર એકંદર કમજોર નહિ લાગવું જોઈએ, અને જો લાગશે તો તમે તમારી ઘટી રહેલી ઊંચાઈને કાબૂમાં નહિ રાખી શકશો. ઉંમર વર્ષ ૪૦ બાદ શરીર તમને નબળું પડી ગયેલું લાગે એટલે ધીમે-ધીમે ઊંચાઈ પણ ઓછી થતી જવાની ! સ્ત્રીઓમાં માસિક રક્તસ્ત્રાવ (ઊંમરને) પ્રતાપે બંધ થઇ ગયા બાદ ઊંચાઈ ઝડપભેર ઘટવા લાગે છે અને દર પાંચ વર્ષે એક ઇંચ ઊંચાઈ ઓછી થતી જાય છે !
લાંબા ગાળાના રોગોને લીધે પણ Height ઓછી થતી જાય!
લાંબા ગાળાનો કોઈ પણ રોગ હોય, તેનાથી શરીરની એકંદર ઊંચાઈ ઓછી થતી જાય છે. ટીબી-ક્ષય-કેન્સર-દમ-વા-મધુપ્રમેહ જેવા લાંબો ગાળો ચાલનારા રોગો શરીરની મૂળ ઊંચાઈ ધીમે-ધીમે ઓછી કરતા જાય છે અને, આ વૈજ્ઞાનિક સત્ય આપણે સમજી રાખવાનું છે. કોઈ પણ લાંબા ગાળાનો શરીરની ઊંચાઈ પણ ધીમે ધીમે ઓછી કરતો જાય છે અને તેનો કોઈ ઉપાય આપણી પાસે હોતો નથી.

કેવું -કેવું…એવું ?!(હઝલ)
મુખ મચકોડયું, હલ્યું હાડકું,
લોક ગણે કે, થયું ઠાવકું !
ગળે લગાડયું, ગણ્યું આપણું,
તો'ય હૃદય આ રહ્યું પારકું !
બળદ તજીને બદર જોતર્યાં,
હડિયાપાટી હવે કાય'કુ ?
રોજ સપનમાં થતી જાતરા,
રોજ ઓશીકું બને બાચકું…
પતઝડ, સાવન, શરદ, નિદાઘે,
ઝીલે ઝરે ના કૈં જ ટાલકું !

  • પંચમ શુક્લ

જરા-જરામાં ડોકટરો પાસે દોડી જતા લોકો કયા-દેશોમાં વસી રહ્યા છે?
'તમે જ તમારા ડોક્ટર !' જેવું સૂત્ર આપણે ત્યાં ખૂબ જ પ્રચલિત છે ત્યારે …
યુરોપમાં એવા સૌથી વધુ દેશો આવેલા છે જ્યાં એક વ્યક્તિ એક વરસમાં સરેરાશ અપેક્ષા કરતાં વધુ વખત ડોક્ટર પાસે દોડી જાય છે…નાની અમથી બીમારીઓમાં પણ ડોક્ટર પાસે ગયા વગર ત્યાંની પ્રજાને ચાલતું નથી!

ભા રતમાં 'ઘરવૈદું' જેટલું તેમજ જેવું વિકસ્યું છે તેટલું અને તેવું (જગતના) અન્ય દેશોમાં વિકસી નથી શક્યું. આપણા દેશમાં કોઈકને આરોગ્યલક્ષી કોઈ તકલીફ-સમસ્યા હોય તો સૌથી પહેલાં તો ઘરગથ્થુ ઉપચાર તરફ તે વ્યક્તિ વળશે અને તેમાં કંઈ લાભ નહિ થાય તો જ તે ડોક્ટરને દેખાડવાનો નિર્ણય કરશે. અને, ખૂબીની વાત એ છે કે, આપણે ત્યાં પચાસ ટકાથી વધુ લોકો રોજીંદા જીવનમાં ઘરગથ્થુ ઉપચારો કરીને સાજા થતા પણ રહે છે ! એટલે, રોગ અગર સ્વાસ્થ્ય વિષયક સમસ્યા પરિપક્વ અવસ્થામાં પ્રવેશી રહો હોવાનું વર્તાય તો જ આપણે ત્યાં લોકો ડોક્ટર પાસે જાય છે. પણ, જગતમાં એવા દેશો છે જ્યાં લોકો જરા-જરામાં ડોક્ટર પાસે દોડી જતા જોવા મળે છે ! અહિ તમને એવા દેશોનો પરિચય કરાવવો છે જ્યાં લોકો વારેવારે ડોક્ટર પાસે દોડી જાય છે…
એશિયાના બે દેશો મોખરે
વારેવારે કારણ સાથે કે કારણ વગર પણ ડોક્ટર પાસે દોડી જનારા લોકો સૌથી વધુ પ્રમાણમાં સાઉથ કોરિયામાં વસી રહ્યા છે ! સરેરાશ એક વ્યક્તિ દર વર્ષે અઢારેક વખત ડોક્ટર પાસે જતી જોવા મળે છે. જગતમાં અવારનવાર ડોકટરો પાસે ચાલી જતી હોય તેવી વ્યક્તિઓ સૌથી વધુ પ્રમાણમાં ધરાવી રહ્યો હોય તેવો બીજા ક્રમનો દેશ જાપાન છે ! જાપાનમાં એક વ્યક્તિ સરેરાશ વરસમાં બારેક વાર ડોકટર પાસે કોઈ ને કોઈ કારણસર જવાનું રાખે છે. આ બંને દેશોની પ્રજા વાજબી કારણોથી ડોકટરો પાસે જવાનું રાખે છે કે પછી, કોઈ ડર-ગભરાટને લીધે કે કોઈ જાતના માનસિક વિકારને લીધે તેઓ જરાજરામાં ડોકટરો પાસે જવાનું રાખે છે તે હજુ આપણી સમજબહાર છે.
યુરોપના બહુમતી દેશોનું પણ વલણ સમજીએ !
વિશ્વમાં યુરોપ એવો ખંડ છે જ્યાં વારેવારે ડોકટરો પાસે દોડી જનારી પ્રજા વસી રહી હોય તેવા સૌથી વધુ દેશ આવેલા છે. તુર્ક એવો દેશ છે જ્યાં એકંદર વ્યક્તિ વરસમાં બારેક વાર કોઈ ને કોઈ બહાને ડોક્ટર પાસે જવાનું રાખે છે. નેધરલેન્ડમાં સરેરાશ વ્યક્તિ વરસમાં અગિયારેક વાર ડોક્ટરની મુલાકાત લે છે. જર્મની-હંગેરી એવા દેશો છે જ્યાં એક વરસમાં વ્યક્તિ સરેરાશ દશેક વાર ડોક્ટર પાસે જઈ આવે છે. ઈટાલીમાં પણ એક વ્યક્તિ એક વર્ષમાં સરેરાશ નવેક વાર ડોકટર પાસે જાય છે. પોલેન્ડ -બેલ્જીયમ -સાયપ્રસ યુરોપના આ ત્રણ દેશો એવા છે જ્યાં લોકો વરસમાં આઠેક વખત ડોક્ટર-દવાખાનાનાં ચક્કર મારી આવે છે. સ્પેન-રોમાનિયા-લક્ઝમબર્ગ જેવા દેશોમાં પણ એક વરસમાં એક વ્યક્તિ છએક વખત ડોક્ટરની વિઝીટ લઇ આવે છે અથવા પોતાને ત્યાં ડોક્ટરને વિઝીટ પર બોલાવી લે છે. ફ્રાંસ-ડેન્માર્કના લોકો પૈકી એક વ્યક્તિ એક વરસમાં સરેરાશ પાંચેક વાર ડોક્ટર પાસે જવાનું રાખે છે. સ્વીત્ઝ્રલેન્ડ-નોર્વે-પોર્ટુગલ દેશોમાં પ્રજા વરસમાં ચારેક વાર ડોક્ટર પાસે જઈ આવતી જોવા મળે છે. એક વરસમાં (સરેરાશ) ફિનલેન્ડ-ગ્રીસ જેવા દેશોમાં ત્રણેક વખત તેમજ માલ્ટા-સ્વીડનમાં બે વાર ડોક્ટર પાસે નિયમિત જઈ આવવાનું રાખે છે.
Oceania દેશોની દશા?
પ્રશાંત મહાસાગરમાં ફેલાયેલા ઓશિનીયા દેશોમાં કુલ ૧૪ સ્વતંત્ર દેશો આવેલા છે જેમાં ઓસ્ટ્રેલીયા એક અગ્રણી દેશ છે. ન્યુઝીલેન્ડ-ફિઝી પણ ઓશિનીયા દેશોમાં ગણતરી પામ્યા છે. ઓસ્ટ્રેલીયા એક એવો દેશ છે જ્યાં એક સરેરાશ વ્યક્તિ વરસમાં સરેરાશ છ વાર ડોક્ટરને ત્યાં જઈ ડોક્ટરની સલાહ-સારવાર માંગે છે. બાકીના તેર ઓશિનીયા દેશોની પણ ડોક્ટર પાસે જવાની બાબતમાં લગભગ આ જ રૂખ હાલ જોવા મળી રહી છે.
અમેરિકા તેમજ ત્યાંના દેશોનું વલણ
અમેરિકા તેમજ ત્યાંના દેશોમાં ડોક્ટરને ત્યાં એક વ્યક્તિ સરેરાશ વરસમાં બહુ ઓછું જાય છે. એક કોલમ્બિયા એવો દેશ છે જ્યાં સરેરાશ એક વ્યક્તિએ વરસમાં સાતેક વાર ડોક્ટર પાસે જવાનું થાય છે. બાકી, અમેરિકાના મુખ્ય દેશોની પ્રજા વરસમાં સરેરાશ ચારેક વખત ડોક્ટર પાસે જાય છે. કેનેડા તેમજ ચિલે એવા દેશો છે જ્યાં વ્યક્તિ એક વર્ષમાં સરેરાશ પાંચેક વાર ડોક્ટર પાસે જઈ આવે છે. મેક્સિકોની પ્રજા પૈકી એક વ્યક્તિ વરસમાં સરેરાશ માત્ર બે વાર ડોક્ટર પાસે જઈ આવે છે. આમ, અમેરિકામાં લોકોનું એકંદર આરોગ્ય સારું રહેતું હોવાનું સમજમાં આવે છે.
આફ્રિકન દેશો તેમજ Middની Eastમાં શું સ્થિતિ છે?
આફ્રિકાના મોટા ભાગના દેશોમાં એક વ્યક્તિ એક વરસમાં સરેરાશ સાતેક વખત ડોક્ટર-દવાખાનાની મુલાકાતે જઈ આવી પોતાની સ્વાસ્થ્યલક્ષી તકલીફો દૂર કરતી જોવા મળે છે. સાઉદી અરબિયા તેમજ યુનાઈટેડ અરબના દેશોમાં એક વરસમાં ત્યાંની એકંદર પ્રજા બેથી વધુ વાર ડોક્ટર પાસે જવાનું નહિ રાખતી હોવાનું નોંધવામાં આવ્યું છે. એટલે, ત્યાંના લોકોનું એકંદર આરોગ્ય પણ પ્રશંસનીય ગણાવી શકાય…!