VIDEO| વરસાદની ઘટ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર: કચ્છ, અમરેલી અને જામનગરમાં વરસાદથી ખેડૂતો હરખાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Saurashtra Kutch Rain: ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે બુધવારે(9 સપ્ટેમ્બર) અમરેલી, કચ્છ, જામનગર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 12 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
અમરેલીના અનેક તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિરામ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં અમરેલીના ધારી, ખાંભા, સાવરકુંડલા પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના અમુક ગામોમાં વાતાવરણ પલટાતા ખાંભા ગીરના રબારીક ગામ, સાવરકુંડલાના દાધીયા અને હાડીડા ગામે વરસાદી ઝાપટું પડ્યું.

છેલ્લા દોઢેક મહિનાથી વરસાદ વિહોણા અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી અમુક ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. અન્ય તાલુકા મથકો પર ખેડૂતો કાગડોળે વરસાદની વાટ જોઈ રહ્યા છે, ત્યારે ધારી ગીરમાં ધીમીધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે સાવરકુંડલાના ખડસલી ગામે ધોધમાર વરસાદ બાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેમજ જાફરાબાદ શહેરના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટું
કચ્છમાં લાંબા વિરામ બાદ સવારના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં પશ્ચિમ કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ સાથે અબડાસાના સિંધોડી મોટી ગામ, નખત્રાણાના મથલ અને ભુજના કોટડા ચકારમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો અને લોકોમાં આશા બંધાઈ છે અને સમગ્ર કચ્છ પર મેઘમહેર થાય તેવી લોકોએ પ્રાર્થના કરી છે.
જામનગરમાં 42 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી
જામનગર જિલ્લામાં ઘણાં દિવસો બાદ આખરે મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. આશરે 42 દિવસના લાંબા વિરામ બાદ આજે બુધવારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતો અને નાગરિકોમાં વરસાદને લઈને આશા બંધાઈ છે.

જામનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં
જામનગરમાં આજે બપોરે 12 વાગ્યા બાદ વાદળોની ઘેરાબંધી વચ્ચે છૂટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા. જો કે, ત્યારબાદ થોડા સમય માટે વાદળો વિખેરાતાં તડકો નીકળ્યો હતો. આકાશમાં હજુ પણ વાદળોની અવરજવર ચાલુ હોવાથી આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ધ્રોલ અને કાલાવડમાં વરસાદી માહોલ
શહેર ઉપરાંત તાલુકા મથકોએ પણ હવામાનમાં પલટો આવ્યો હતો. ધ્રોલમાં બપોરે 4 વાગ્યા પછી વાતાવરણ પલટાયું હતું અને વરસાદી ઝાપટું વરસી જતાં આશરે 5 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઝાપટાના કારણે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી. તો કાલાવડમાં બપોરે 1 વાગ્યાના સુમારે વાદળછાયા આકાશ વચ્ચે ઝાપટું પડ્યું હતું. કાલાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં જ લોકોએ રાહત અનુભવી હતી.
ખેડૂતોના પાકને જીવનદાન મળવાની આશા
છેલ્લા 42 દિવસથી વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો હતો. આ વિરામ બાદ પડેલા વરસાદી પાણીથી પાકને નવું જીવનદાન મળશે તેવી આશા ખેડૂતોમાં જાગી છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડે તો ખેતીને મોટો ફાયદો થાય તેમ હોવાથી હાલ જગતનો તાત આકાશ તરફ નજર માંડીને બેઠો છે.




