કચ્છમાં રેલવે નેટવર્કનો વ્યાપ વધશે: દેશલપર-હાજીપીર-લૂના અને વાયોર-લખપત વચ્ચે 145 કિ.મી. નવી લાઇન નાખવાની પ્રક્રિયા શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch Railway Projects: ગુજરાતમાં રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કચ્છ જિલ્લામાં બે નવા રેલવે રૂટ વિકસાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા દેશલપર–હાજીપીર–લૂના અને વાયોર–લખપત વચ્ચે નવી રેલવે લાઇનના નિર્માણ માટે ઈ-ટેન્ડર મંગાવવામાં આવ્યાં છે. બંને પ્રોજેક્ટની સંયુક્ત અંદાજિત કિંમત 2,526.47 કરોડ રૂપિયા છે. આ બંને લાઇનથી કચ્છના અંતરિયાળ અને સરહદી વિસ્તારોની રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે. સાથે જ મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટ જેવા માલની હેરફેરને વેગ મળવાની શક્યતા છે.
13 નવા રેલવે સ્ટેશન તૈયાર કરાશે
બંને પ્રોજેક્ટ હેઠળ કુલ 145 રૂટ કિ.મી અને 164 ટ્રેક કિ.મીનું નવું રેલવે નેટવર્ક વિકસાવવાનું આયોજન છે. તેમાં 13 નવા રેલવે સ્ટેશન બનાવવામાં આવશે અને આશરે 866 ગામોની 16 લાખની વસ્તીને લાભ થવાની સંભાવના છે. પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ ત્રણ વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. બંને લાઇનના નિર્માણથી કચ્છમાં રેલવેનું નવું નેટવર્ક ઊભું થશે.
82.38 કિ.મીની દેશલપર–હાજીપીર–લૂના લાઇન
દેશલપરથી હાજીપીર થઈને લૂના સુધી આશરે 82.38 કિમી લાંબી નવી રેલવે લાઇન નાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં માટીકામ, નાના-મોટા પુલ, રોડ અંડરબ્રિજ (RUB), ટ્રેક બિછાવવો, સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રિફિકેશન સહિતનાં કામોનો સમાવેશ થાય છે. આ લાઇનથી કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં રેલવેનું નેટવર્ક વિસ્તરશે. હાજીપીર સહિતનાં ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો સુધી પહોંચવામાં પણ ભવિષ્યમાં સુવિધા મળી શકે છે.
વાયોર–લખપત વચ્ચે પણ નવી રેલવે લાઇન
બીજા પ્રોજેક્ટ હેઠળ વાયોરથી લખપત વચ્ચે નવી રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા આ સેક્શન માટે રૂ. 984.30 કરોડની અંદાજિત કિંમતનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કામગીરીમાં સિવિલ એન્જિનિયરિંગ, ટ્રેક, પુલ, ડ્રેનેજ, સિગ્નલિંગ, ટેલિકોમ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સંબંધિત કામો સામેલ છે.
લખપત અને તેની આસપાસના સરહદી વિસ્તારોને રેલવે સાથે જોડવાથી માલપરિવહન માટે વધારાનો વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગો અને વેપારને પણ લાભ થવાની શક્યતા છે.
પ્રોજેક્ટથી થનાર લાભ
•માલપરિવહન: મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટ જેવા માલની હેરફેર માટે રેલવેનું નેટવર્ક વિસ્તરશે.
•સરહદી કનેક્ટિવિટી: કચ્છના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી રેલવેની પહોંચ વધશે.
•પ્રવાસન: રણ ઓફ કચ્છ, ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા સ્થળો સુધી પહોંચવા માટે ભવિષ્યમાં વધુ સારા પરિવહન વિકલ્પો વિકસી શકે છે.
•રોજગાર અને વેપાર: બાંધકામની કામગીરી ઉપરાંત સ્થાનિક વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળવાની સંભાવના છે.




