કચ્છ: વરસામેડીમાં 43 વર્ષીય વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશીએ જ મૃતદેહના ટુકડા કરી તળાવમાં ફેંક્યા, આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kutch Crime News: કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી 31મી ઓગસ્ટથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા 43 વર્ષીય લખુ હુંબલની હત્યાનો ભેદ અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ કાવતરું ઘડી હત્યા કરનાર શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અનૈતિક સંબંધોની શંકા અને પોલ ખૂલવાના ડરે હત્યા
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક લખુની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ ઠાકોર નામના શખસને છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો. આ બાબતની શંકા લખુને ગઈ હોવાથી પોતાની પોલ ખૂલી જવાની ડરથી આરોપી દિનેશે લખુને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ તકનો લાભ ઉઠાવી માથાના ભાગે લોખંડનો રોડ ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.
હેક્સો બ્લેડથી મૃતદેહના બે ટુકડા કરી પ્લાસ્ટિકના કોથળામાં તળાવમાં ફેંક્યા
હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ ક્રૂરતા આચરી હતી. તેણે મૃતકનો મોબાઈલ ફોન વરસામેડી હાઈવે રોડ પર કાચા રસ્તા પર ફેંકી દીધો હતો. તે પછી હેક્સો બ્લેડ વડે મૃતદેહના બે ટુકડા કરી, તેને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને નજીકના તળાવમાં ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુશાયું છે.
આ મામલે અંજાર પોલીસ અને એલસીબીની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારો અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે શંકાસ્પદ પાડોશી દિનેશ ઠાકોરની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લેતાં પોલીસે તેની સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.




