Kutch

કચ્છના ખાવડામાં ટ્રક-પિકઅપ વાન વચ્ચે અકસ્માત : 7 શ્રમિકોનાં મોત પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
કચ્છના ખાવડા નજીક મોડી રાત્રે ટ્રક અને શ્રમિકો ભરેલી પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના કરુણ મોત થયા, જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કરી, મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છના ખાવડામાં ટ્રક-પિકઅપ વાન વચ્ચે અકસ્માત : 7 શ્રમિકોનાં મોત પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

PM Modi On Kutch Road Accident : કચ્છ જિલ્લાના ખાવડા નજીક RE પાર્ક તરફ જવાના માર્ગ પર ગત મોડી રાત્રે ટ્રક અને શ્રમિકો ભરેલી પિકઅપ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં 7 જેટલા શ્રમિકોના કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અનેક શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી સંવેદના

આ અકસ્માત અંગે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતના કચ્છમાં થયેલા આ અકસ્માતથી તેઓ અત્યંત દુઃખી છે. તેમણે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્ત શ્રમિકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

ટક્કર બાદ પિકઅપ વાન પલટી ગઈ

મળતી પ્રાથમિક વિગતો મુજબ, એક કંપનીના આશરે 30 થી 32 શ્રમિકોને લઈને જઈ રહેલી પિકઅપ વાન જ્યારે પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતી પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે પિકઅપ વાન રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો અને ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ભુજ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સઘન સારવાર

કચ્છના કલેક્ટર અનિલ રણવાસિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અહેવાલો મુજબ 7 લોકોના મોત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભુજ ખાતેની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત તબીબો જરૂરી સાધનો સાથે તેમની સારવાર કરી રહ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખાવડાથી ભુજ મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. RE પાર્ક વિસ્તારમાં આટલી મોટી જાનહાનિ ધરાવતી આ પહેલી દુર્ઘટના હોવાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

RTO અને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ

દુર્ઘટના કેવી રીતે અને કયા કારણોસર સર્જાઈ તેની સંપૂર્ણ તપાસ માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે. કલેક્ટરના જણાવ્યા મુજબ, પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) અને પોલીસ કર્મચારીઓની સંયુક્ત ટીમો બનાવીને તપાસ સોંપવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.