ખેતી સાથે મૂલ્યવર્ધન દ્વારા વાર્ષિક રૂપિયા 18 લાખની ચોખ્ખી આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

• મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ, મૂલ્યવર્ધન દ્વારા એક મહિલા આર્થિક પારિવારિક સ્વાવલંબન કેળવી શકે
• એમ.કોમ.ની ડિગ્રી ધરાવતા એક મહિલાએ પરિવારની ખેતીને મૂલ્યવર્ધન સાથે જોડીને અનેક મહિલાઓને પ્રેરણા પૂરી
• પાડી છે, વિવિધ ખેતપેદાશોના મૂલ્યવર્ધન દ્વારા ખેતીમાં ક્યારેક થતા નુકસાનને સરભર પણ કરી બતાવ્યું છે
• જુલીબહેન અને તેમના પરિવારે મૂલ્યવર્ધનની શરૂઆત નાના-નાના વિવિધ મશીનો લાવીને તેમાંથી જાત અનુભવે શીખીને કરી.
• તેઓ બજાર તેમ જ બજારનાં પ્રતિસાદને પણ સમજ્યા. આજે તેમણે મૂલ્યવર્ધન માટે મોટા મશીનો પણ વસાવ્યાં છે
Agricultural News : કચ્છ જિલ્લાનાં માંડવી તાલુકાનાં વરજડી ગામનાં જુલીબહેન એમ.કોમ.નો અભ્યાસ ધરાવે છે અને તેમનો પરિવાર 8 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી વર્ષ 2011થી કરે છે અને મૂલ્યવર્ધન છેલ્લા પાંચ વર્ષથી કરે છે. તેમનો આખો પરિવાર પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન સાથે જોડાયેલો છે. સમગ્ર ખેતીકાર્ય તેમનાં સસરા અને પતિ સંભાળે છે, જ્યારે મૂલ્યવર્ધનનું કાર્ય જૂલીબહેન અને તેમનાં સાસુ સાથે મળી ને કરે છે.
જૂલીબહેનનાં પતિ ભાવેશભાઈએ બી. ટેક્. કર્યા બાદ 6 મહિના નોકરી પણ કરી. ભાવેશભાઈનું માનવું છે કે, નોકરીમાં જેટલો સમય આપીએ તેટલો સમય જો ખેતીમાં આપીએ તો તેમાં વિકાસની શક્યતાઓ વધી જાય છે. તેઓ મિશ્રખેતીઅંતર્ગત 8 એકરમાં 35 જાતનાં પાકની ખેતી કરે છે.
ખેતીમાં મુખ્ય પાક નાળીયેરી, આંબા, સરગવો, બીજોરાનો પાક મુખ્ય છે. તેઓ ડ્રીપ ઈરીગેશન દ્વારા આંતરપાકમાં ઘઉં, રાઈ, અળસી, જીરૂ, મેથી, ધાણા, હળદર(સેલમ, આંબા, કાળી), ડ્રેગનફ્રૂટ, તુવેર અને પપૈયા જેવી વિવિધ ખેતપેદાશની ખેતી કરે છે.
જુલીબહેન જણાવે છે કે, મૂલ્યવર્ધનમાં હળદર પાવડર, ધાણાં પાવડર, સરગવાની સિંગ અને પાનનો પાવડર, સરગવાનો છાશ મસાલો, મગ, મગની દાળ, તુવેર, તુવેરની દાળ, ચણાની દાળ, ચણા બેસન, કેરીને સૂકવીને ડ્રાય ટુકડા કરવા, આમચૂર પાવડર, ફૂદીના પાવડર, સૂંઠ પાવડર, અર્જૂન છાલની ચા, ચા-મસાલો, દાળશાક મસાલો, ચટપટો મસાલો વગેરે બનાવે છે. તેઓ તલ, મગફળી, નાળીયેર, સરસવનું તેલ કાઢીને પણ વેચાણ કરે છે. લીલુ લસણ-ડુંગળી, સૂકું લસણ-ડુંગળી અને તેના પાવડર, રજકા(આલ્ફાલ્ફા)માંથી પાવડર તેમ જ બીજોરાનાં મૂલ્યવર્ધનનાં વિવિધ પ્રયોગો પણ કરતા રહે છે.
મૂલ્યવર્ધનનો સૌથી મોટો લાભ એ છે કે, કોઈ પરંપરાગત પાકની ખેતીમાં કોઈ કારણસર આર્થિક નુકસાની ભોગવવી પડે તો મૂલ્યવર્ધનમાંથી થતી આવક આ નુકસાનને સરભર કરી શકે. તેનું ઉદાહરણ આપતા તેઓ જણાવે છે કે, બીપોરજોય જેવા વાવાઝોડાંમાં અમારા આંબાની કેસર કેરી પડી ગઈ હતી તે નુકસાન હળદરનાં પાકમાંથી મૂલ્યવર્ધન કર્યા બાદ રૂપિયા 6 લાખની આવકના કારણે સરભર થઈ ગયું હતું. આમ, અનેક પાકની ખેતી ઉપરાંત તેનું મૂલ્યવર્ધન જે-તે પાકમાં આવેલ નુકસાનીને ચોક્કસ સરભર કરી શકે છે.
જુલીબહેન અને તેમના પરિવારે મૂલ્યવર્ધનની શરૂઆત નાના-નાના વિવિધ મશીનો લાવીને તેમાંથી જાત અનુભવે શીખીને કરી. તેઓ બજાર તેમ જ બજારનાં પ્રતિસાદને પણ સમજ્યા. આજે તેમણે મૂલ્યવર્ધન માટે મોટા મશીનો પણ વસાવ્યાં છે. જેમ કે, મસાલા મિક્સ કરવાનું મશીન, જેમાં ચાટમસાલા વગેરે બનાવી શકાય છે, તેમાં મોડીફીકેશન કરીને તે મશીનમાં મસાલા પણ શેકી શકાય છે.
હળદરની ચિપ્સ બનાવવા માટેનું સ્લાઈસર મશીન, મગફળીને ફોલવા માટેનું મશીન. ઘઉં માટે ગ્રેડિંગ મશીન જેમાંથી ઘઉંના ત્રણ જાતના ગ્રેડ કરેલ દાણા અલગ થાય છે. અનાજમાંથી કાંકરી કાઢવાનું ડીસ્ટોનર મશીન. આમ, અલગ અલગ પ્રકારના આ મશીન દ્વારા તેઓ મૂલ્યવર્ધન કરતા હોવાથી આ તમામ મશીન તેમની આવકની વૃદ્ધિનું સાધન બન્યા છે.
મોટા ભાગના ખેડૂતોનો અનુભવ છે કે જ્યારે ખેતરમાં પાક પથરાયેલો હોય અને વરસાદ આવે ત્યારે મોટા ભાગના પાકને પલળી જવાના કારણે સારું એવું નુકસાન થતું હોય છે. આવો નુકસાનીનો માલ ગુણવત્તાના અભાવે બજારમાં વેચાતો પણ ન હોવાથી ખેડૂતને સારી એવી આર્થિક નુકસાની ભોગવવી પડે છે.
આવા પ્રાકૃતિક સંજોગોમાં પણ ખેડૂતો ટેક્નોલોજી આધારિત યંત્રો વસાવે અથવા ભાડેથી મેળવી લે તો પણ આ પ્રકારની આર્થિક નુકસાનીમાંથી તેઓ બચી જાય, તેનું ઉદાહરણ પણ જુલીબહેન પૂરું પાડે છે. તેઓએ આ પ્રકારનું આઘુનિક યંત્ર વસાવીને પોતાની ખેતપેદાશને બચાવીને આર્થિક નુકસાન અટકાવ્યું છે.
ગયા વર્ષે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અચાનક આવેલ વરસાદને કારણે ઘણાં ખેડૂતોનો લણેલો મોલ ખેતરમાં જ સડી ગયો હતો. આવા સંજોગોમાં પલળેલી જણસીને ડ્રાયરમાં સૂકવીને ખેડૂત તેનો પાક મહદ્અંશે બચાવી શકે છે. જુલીબહેને આ વાત સાબિત કરી બતાવી છે. જુલીબહેને આ બધાં મશીનની ખરીદી માટે એક પ્રોજેક્ટ અંતર્ગત 50 ટકા સરકારી સહાય પણ મેળવી હતી.
ત્રણ સિઝનમાં ખેતી કરતા જુલીબહેનની જમીનનું કાર્બનનું પ્રમાણ પ્રાકૃતિક ખેતીના કારણે ઘણું વધી ગયું છે. તેઓનું કહેવું છે કે, પહેલાં તેમની જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.4 ટકા હતું જે હવે વધીને 1.2 ટકા જેટલું નોંધાયું છે. તેમની જમીનમાં અળસિયાનું પ્રમાણ વધુ છે. ઘણાં ખેડૂતોનાં ખેતરનાં પાળા વધુ વરસાદને કારણે ઘણીવાર તૂટી જતા હોય છે, પણ તેમનાં ખેતરના પાળા ક્યારેય તૂટ્યા નથી અને તેનું પાણી પણ ક્યારેય ખેતરની બહાર નીકળ્યું નથી કારણ કે તેમની જમીન પોચી થઈ ગઈ હોવાથી તેમાં પાણી સરળતાથી શોષાઈ જાય છે.
ગાય આધારિત ખેતી સરળ બને તે માટે તેમની પાસે 3 ગાયો છે અને આ ગાયનાં ગોબર ગૌમૂત્રનો તેઓ ખેતીમાં ભરપૂર ઉપયોગ કરે છે. તેમનાં મતે, ખેતીમાં જ્યા કાચું છાણ 100 કિલો વપરાતું હોય ત્યા માત્ર 10 કિલો ઘનજીવામૃતથી ખેતી થઈ શકે છે. તેઓ પાકને વધેલ અવશેષો જેમ કે, નાળીયેરીનાં પાનને ચાફકટરમાં કાપીને આચ્છાદન કરે છે.
તેઓ તેમની જણસીનું વેચાણ પ્રાકૃતિક હાટમાં કરે છે. તેમનાં આશરે 600 જેટલાં ગ્રાહકો તેમનાં કાયમી ગ્રાહકો છે. તેઓ તેમના ઉત્પાદનોનાં પ્રચાર-પ્રસાર માટે વિવિધ પ્રદર્શનોમાં પણ ભાગ લે છે. તેમની ખેતીની કુલ આવકની વાત કરીએ તો તેઓ મૂલ્યવર્ધનના કારણે વાર્ષિક રૂપિયા 20-25 લાખની આવક મેળવે છે અને તેમાંથી 25 ટકા ખર્ચ બાદ કરતા રૂપિયા 15-18 લાખ કરતાં પણ વધુ ચોખ્ખી આવક મેળવે છે.
માત્ર ખેતીની આવક પર નિર્ભર ન રહેતા તેમાંથી પણ વધુ આવક મેળવવા ખેડૂતે વેપારી બનવું જ રહ્યું, મૂલ્યવર્ધન ખેડૂતને વધુ આર્થિક ઉપાર્જન આપી શકે છે. જુલીબહેન અને ભાવેશભાઈ જેવા ભણેલાં ખેડૂત દંપતિએ નોકરીને વધુ મહત્ત્વ ન આપીને ખેતીને મહત્ત્વ આપ્યુ અને તેમાંય જણસીના મૂલ્યવર્ધન દ્વારા સારી એવી આવક મેળવી જે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ કહી શકાય.




