Krushi Vishwa

ઠંડા પ્રદેશની ગણાતી સ્ટ્રોબેરીની ખેતીએ બનાસકાંઠા જેવા વિસ્તારમાં આશ્ચર્ય સર્જ્યું

By GS Team
10 Feb 20264 mins read
TukuTouch Logo
બનાસકાંઠા જિલ્લાનાં હડાદ તાલુકાનાં છોટા બામોદરા ગામનાં પ્રાકૃતિક રીતે શાકભાજીની ખેતી કરતા જયંતિભાઈ બુંબડીયાનાં વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી એક નવીન પાક હતો છતાં સ્ટ્રોબેરીની ખેતી તેમનાં ખેતરમાં સફળ પણ રહી અને અનેક લોકોને અચરજ પણ પમાડી ગઈ. તેમનાં ખેતરમાં સ્ટ્રોબેરીનો પાક જોઈને તેમને ઘણાં પૂછતા કે, ‘આનું શાક કેવી રીતે બનાવાય ? જ્યાં આ પાક વિશે સ્થાનિક કોઈ જાણકારી કે જાગૃતિ પણ ન હોય તેવા વિસ્તારમાં સ્ટ્રોબેરી જેવા પાકની સફળ ખેતી કરી અને આ વર્ષે પણ તેની ખેતી કરી છે અને તેનાં સારા પરિણામ અંગે તેઓ આશાવાદી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઠંડા પ્રદેશની ગણાતી સ્ટ્રોબેરીની ખેતીએ બનાસકાંઠા જેવા વિસ્તારમાં આશ્ચર્ય સર્જ્યું

• બનાસકાંઠા જેવા વિસ્તારમાં સ્ટ્રોબેરી જેવા નવીન પાકનો ખેડૂતનો સફળ પ્રયોગ

• હડાદ તાલુકાના સાહસિક ખેડૂત જયંતિભાઈએ સ્ટ્રોબેરીના 2000 છોડથી ખેતીની શરૂઆત કર્યા બાદ તેમાં સફળતા મળતા આ વર્ષે 4000 છોડનું વાવેતર કરીને અનેક ખેડૂતોને વિચારતા કરી દીઘા છે

Agricultural News : બનાસકાંઠા જિલ્લાનાં હડાદ તાલુકાનાં છોટા બામોદરા ગામનાં પ્રાકૃતિક રીતે શાકભાજીની ખેતી કરતા જયંતિભાઈ બુંબડીયાનાં વિસ્તારમાં સ્ટ્રોબેરીની ખેતી એક નવીન પાક હતો છતાં સ્ટ્રોબેરીની ખેતી તેમનાં ખેતરમાં સફળ પણ રહી અને અનેક લોકોને અચરજ પણ પમાડી ગઈ. તેમનાં ખેતરમાં સ્ટ્રોબેરીનો પાક જોઈને તેમને ઘણાં પૂછતા કે, ‘આનું શાક કેવી રીતે બનાવાય ? જ્યાં આ પાક વિશે સ્થાનિક કોઈ જાણકારી કે જાગૃતિ પણ ન હોય તેવા વિસ્તારમાં  સ્ટ્રોબેરી જેવા પાકની સફળ ખેતી કરી અને આ વર્ષે પણ તેની ખેતી કરી છે અને તેનાં સારા પરિણામ અંગે તેઓ આશાવાદી છે.

જયંતિભાઈ 2.5 એકર જમીનમાં પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને બાકીની જમીન રાસાયણિકમાંથી પ્રાકૃતિક ખેતીનાં પરિવર્તનનાં તબક્કામાં છે. આ વર્ષે તેમણે 2.5  એકર જમીનમાં મિશ્રપાક અંતર્ગત સ્ટ્રોબેરીનાં 4,000 અને શક્કરટેટીનાં 3000 છોડ વાવ્યાં છે. તેમ જ 15 ગુંઠામાં  અલગથી 3000 છોડ શક્કરટેટીનાં વાવ્યાં છે. અન્ય 1 એકરમાં મરચી, રીંગણ અને ટમેટાંનો મિશ્રપાક કરેલ છે. 

સીની સંસ્થા હડાદ અને વિકસત સંસ્થા ખેરોજના માર્ગદર્શન હેઠળ સ્ટ્રોબેરીની ખેતી અંગે ગત વર્ષે જયંતિભાઈને માર્ગદર્શન મળ્યું.  આ દરમિયાન આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી અને બાગાયત ખાતા તરફથી પણ સતત માર્ગદર્શન અને જાણકારી મળી. 

સીની સંસ્થાએ સ્ટ્રોબેરીનાં ટીશ્યૂકલ્ચર છોડ હિમાચલપ્રદેશથી લાવીને પાંચ રૂપિયા પ્રતિ છોડ પ્રમાણે કુલ 2000 છોડ તેમને આપ્યા તેમ જ ‘વિકસત’ સંસ્થા દ્વારા મરચીના 10,000 રીંગણના 7000 અને ટામેટાના 5000 જેટલા છોડ અલગ અલગ ભાવે જયંતિભાઈને વાવવા માટે આપ્યા. 

જયંતિભાઈના મોડેલ ફાર્મમાં થયેલ સ્ટ્રોબેરીની ખેતી વિશે આસપાસના ખેડૂતો તેમ જ મુલાકાતીઓનું માનવું હતું કે, ઠંડા પ્રદેશનો આ પાક આપણા પ્રદેશનાં તાપમાનમાં સેટ નહીં થાય. પરંતુ આ બધાંની માન્યતા અને ધારણાઓ ખોટી પડી. તેનો ખ્યાલ ગત વર્ષની તેમની ખેતીની આવક પરથી આવી જશે. 16 ગુંઠામાં સ્ટ્રોબેરીના 2000 છોડમાંથી 600 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન થયું હતું તેનું વેચાણ નજીકના મોલમાં કરતા રૂપિયા 2.5 લાખનું ઉત્પાદન, રૂપિયા 1 લાખનો ખર્ચ અને ચોખ્ખો નફો રૂપિયા 1.5 લાખનો થયો. 

સ્ટ્રોબેરીની આ ખેતી વિશે તેઓ જણાવે છે કે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમના માટે  સ્ટ્રોબેરીનો પાક લેવો સહેલો છે. તેમાં મજૂરી ખર્ચ નહીંવત્‌ થાય છે અને રોગ જીવાત પણ ઓછી આવે છે. તેમાં માત્ર ફંગસ ન આવે તેનું ધ્યાન રાખવાનું હોય છે. મોટાભાગે ફંગસ સિવાય કોઈ રોગ જોવા મળતો નથી. 

ફંગસના ઉપાય માટે તેઓ એક પ્રયોગ કરે છે, જેમાં 200 લીટરનાં ડ્રમમાં 180 લીટર પાણી, થોરના નાના ટુકડાં તેમ જ આંકડો અને તેના પાન અંદાજિત નાખી તેમાં ગૌમૂત્ર 5 થી 10 લીટર અને લીલું છાણ 2 કિલો જેટલું નાખી તેમાં તેમાં તમાકુ સિવાયની દસપર્ણી અર્કમાં નખાતી વિવિધ ઔષધીઓ નાંખીને, ઢાંકીને દસ દિવસ સુધી રાખવું અને દરરોજ બે સમયે આ મિશ્રણને હલાવવું ત્યારબાદ તેને ગાળીને છંટકાવ કરી શકાય અથવા ડ્રિપ દ્વારા પાકમાં આપી શકાય. સ્ટોબેરીનાં વાવેતરનો સમય 22 ઓક્ટોબર અને લણણી 1 ફેબ્રુઆરી હોય છે. 

પક્ષીઓ સ્ટ્રોબેરીને ખાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લો ટનલનાં પ્રયોગ કરવાથી આ પાકમાં પક્ષીઓ, માઈટ્‌સ, થ્રીપ્સ જેવા જંતુઓ તેમ જ ગરમી, ઠંડીથી રક્ષણ મેળવી શકાય છે. પ્રથમવાર સ્ટ્રોબેરીની ‘વિન્ટર ડાઉન’ વેરાઈટીનું વાવેતર તેમણે ખુલ્લામાં કર્યું હતું. જ્યારે આ વખતે તેમણે વાવેલી ‘કેમેરોજા’ જાતની સ્ટ્રોબેરીની વેરાઈટીના છોડ, ગ્રોકવર અને સ્ટીક કે.વી.કે.- ડીસા દ્વારા તેમને નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.

પ્રાકૃતિક ખેતી ઉપરાંત સ્થાનિક આબોહવા કે પરિસ્થિતિ પ્રમાણે તેઓ સ્ટ્રોબેરીની ખેતીમાં વિવિધ પ્રયોગો પણ કરે છે, જેમાં તેઓ કુદરતી વસ્તુથી થતા આવરણમાં ભૌગોલિક પ્રતિકૂળ સ્થિતિને કારણે તેઓ પ્લાસ્ટિક આવરણનો ઉપયોગ કરે છે. તેમની જમીનમાં એક મીટરના સ્તર સુધી માટી અને નીચે પથ્થરોનું સ્તર છે તેથી પાણી વધુ મળે તો, પાણી બહાર વહી જાય અને જમીનનું પણ ધોવાણ થાય. તેથી આ સ્થિતિના નિવારણ માટે તેઓ કુદરતી આવરણની જગ્યાએ પ્લાસ્ટિક આવરણનો પ્રયોગ કરે છે. 

આમ, એક પછી એક પ્રગતિનાં સોપાનો સર કરીને બનાસકાંઠા જેવા વિસ્તારમાં સ્ટ્રોબેરી જેવા નવીન પાકમાં પણ જયંતિભાઈ બુંબડિયાએ સારી એવી સફળતા મેળવી છે. તેમની સ્ટ્રોબેરીની ગુણવત્તા અને સ્વાદ મહાબળેશ્વર અને હિમાચલ પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી કરતાં પણ ઉત્તમ હોવાથી કૃષિ અધિકારીઓ અને અન્ય ખેડૂતો પણ સ્વાભાવિક રીતે આજે આશ્ચર્ય અનુભવે છે.