Krushi Vishwa

સોલાર ઊર્જાનો જ્યારે વિચાર પણ નહોતો ત્યારે સોલાર અપનાવાતા ચમત્કારિક પરિણામ મળ્યાં

By GS Team
11 Feb 20265 mins read
TukuTouch Logo
વર્ષો પહેલાં વીજ કનેક્શન લેવું પરવડે તેવું નહોતું. તેથી ઘર-ખેતરમાં વીજળી નહોતી. પાણીની ભારે અછતના લીધે માત્ર ચોમાસા આધારિત ખેતી કરતા, મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકાનાં ભાખર ગામના જયેશભાઈ બારોટનો અભ્યાસ ભલે ઓછો રહ્યો, પણ તેમની પ્રકૃતિ અભ્યાસુ ખરી. કંઈક અવનવું કે કૃષિ વિષયક જાણકારી મેળવવી તેમના સ્વભાવમાં હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સોલાર ઊર્જાનો જ્યારે વિચાર પણ નહોતો ત્યારે સોલાર અપનાવાતા ચમત્કારિક પરિણામ મળ્યાં

• પાણી અને વીજળીની સમસ્યા તો રહેવાની જ, જો કે તેનો ઉકેલ પણ આપણા હાથમાં જ છે

• જો ઘીરજ અને વૈજ્ઞાનિક સૂઝ હોય તો ગમે તેવી પડતર કે બિનઉપજાઉ જમીન પણ ફળદ્રુપ બનાવી શકાય છે. 

• જયેશભાઈ આવી જ જમીનને નવસાઘ્ય કરીને વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે

Agricultural News : વર્ષો પહેલાં વીજ કનેક્શન લેવું પરવડે  તેવું  નહોતું. તેથી ઘર-ખેતરમાં વીજળી નહોતી. પાણીની ભારે અછતના લીધે માત્ર ચોમાસા આધારિત ખેતી કરતા, મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકાનાં ભાખર ગામના જયેશભાઈ બારોટનો અભ્યાસ ભલે ઓછો રહ્યો, પણ તેમની પ્રકૃતિ અભ્યાસુ ખરી. કંઈક અવનવું કે કૃષિ વિષયક જાણકારી મેળવવી તેમના સ્વભાવમાં હતું.

પાણીની અછત માત્ર તેમને જ નહીં, પાણી બાબતે આખા ગામમાં આ જ સ્થિતિ પ્રવર્તતી હતી. બોરમાં 1000-1200 ફૂટે પાણી મળતા નહોતા. ત્યારે તેઓ પોતાની ખેતી-પાણીની સમસ્યાને લઈને કે.વી.કે.- ખેરવાનાં વૈજ્ઞાનિકો સાથે સંપર્કમાં આવ્યા અને વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવી પોતાના કૂવાને વરસાદી પાણીથી રીચાર્જ કરવાની શરૂઆત કરી અને 3 વર્ષ બાદ તેમાં પરિણામ પણ મળવાં લાગ્યાં.

કુદરતનાં સ્રોતનું મહત્ત્વ સમજતા જયેશભાઈએ ભંગાર પાટ્‌ર્સમાંથી પવનચક્કી એસેમ્બલ કરી અને તેને કૂવા પર બેસાડી. જો કે તેઓ ફેબ્રિકેશન-વેલ્ડિંગનું કામ જાણતા હોવાથી આ કામ તેમના માટે થોડું  સરળ રહ્યું. કૂવાના પાણીને તેમણે પવનચક્કીથી ઉત્પાદિત વીજળીથી એક લાખ લીટરની ક્ષમતા ધરાવતી મોટી ટાંકીમાં પાણીનો સંગ્રહ કરીને  સિંચાઈમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

પોતાની વીજળીની વધુ જરૂરિયાત પૂરી કરવા માટે આશરે 12 વર્ષ પહેલાં તેમણે સૌપ્રથમ સોલાર સિસ્ટમ અને વોટર પંપ વસાવ્યા. આ સોલારના કંટ્રોલરને ચલાવવાની તાલીમ માટે તેઓ ઈઝરાયેલ ગયા. 3 કે.વી. સોલારથી શરૂઆત કરીને હાલ 20 કે.વી. સુધીની સોલાર સિસ્ટમ તેમણે વસાવી, વિસ્તારી એટલું જ નહીં, ત્યારબાદ તેઓ સોલારનાં વ્યવસાયમાં પણ આગળ વઘ્યા.

સોલાર ઊર્જામાંથી તેઓ ખેતી માટેના બોરની મોટરો તો ચલાવે જ છે, ઉપરાંત ઘરનાં વિવિધ ઈલેકટ્રિક ઉપકરણોમાં પણ મહત્તમ ઉપયોગ કરે છે. તેમણે છેલ્લા 4 વર્ષથી 20 કે.વી. સોલારમાં ગ્રીડ કનેક્શન મેળવીને વધારાની વીજળીને તેઓ વીજ કંપનીને વેચી તેમાંથી વાર્ષિક રૂપિયા  25 થી 30 હજારની વધારાની આવક મેળવે છે. અત્યાર સુધી તેમણે રૂપિયા  1.20 લાખ મેળવ્યા છે. સોલાર ઉપરાંત તેમણે પિયત માટે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ વસાવી અને એક સમયે માત્ર ચોમાસા આધારિત ખેતી કરતા જયેશભાઈ હવે ત્રણેય સિઝનમાં પાક લેતા થયા.

ખેતી વિશે કંઈક નવી જાણકારી તેમ જ ફરવાના શોખીન આ ખેડૂત અત્યાર સુધી દસ દેશોની મુલાકાત લઈ ચૂક્યાં છે, જેમાં ઇઝરાયેલની ગ્રીન હાઉસ, નેટ હાઉસની ટેક્‌નોલોજી, થાઇલેન્ડ-મલેશિયામાં રબરની ખેતી, વિયેતનામ ખાતે આધુનિક અને સામૂહિક રીતે ગાયોનાં તબેલાંનું સંચાલન, જેવા ખેતીના વિષયો હંમેશાં તેમને આકર્ષતા અને પ્રેરિત કરતા. 

તેઓ જણાવે છે કે, જે રીતે વિદેશમાં આધુનિકતા સાથે, સામૂહિક રીતે તબેલાના સંચાલનથી આર્થિક ઉપાર્જન થાય છે, તેવું જો આપણા દેશમાં પણ સમૂહમાં મંડળીઓ થકી તબેલાઓનું સંચાલન કરી, દૂધનું ઉત્પાદન થાય તો આપણા ખેડૂતોની સ્થિતિ ઘણી સુધરી શકે છે. 

ઈઝરાયેલનાં પ્રવાસ દરમિયાન ગ્રીનહાઉસ અને નેટ હાઉસમાં તેમને રસ પડ્યો હતો. તેથી તેમણે પુના, જયપુર અને જોધપુરમાં તાલીમ પણ લીધી અને પોતાના ગ્રીનહાઉસ, નેટહાઉસ જાતે જ ઊભાં કર્યાં. ગ્રીનહાઉસ અને નેટહાઉસના કુલ રૂપિયા બે કરોડના પ્રોજેક્ટમાં તેમણે રૂપિયા એક કરોડની સહાય મેળવી. 

આ ગ્રીનહાઉસ, નેટહાઉસમાં તેમણે કાકડી, ટામેટાં, ફુલેવર જેવા શાકભાજીનું પરિવારનાં સહયોગથી 5 વર્ષ સુધી ઉત્પાદન પણ કર્યું. તેમણે આસપાસના ખેડૂતોને 8 થી 10 ગ્રીનહાઉસ પણ વ્યાવસાયિક રીતે ઊભાં કરી આપ્યાં.

કોઠાસૂઝવાળા આ ખેડૂતે પવન ઊર્જા, સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ ખેતીમાં તો કરી જ જાણ્યો, પરંતુ ખેતીમાં પણ તેમણે પ્રકૃતિને જ સાથે રાખી છે. તેઓ તેમની ખેતીમાં કોઈપણ રાસાયણિક ખાતર વાપરતા નથી. વર્મીકમ્પોસ્ટ, છાશ, ગોબર, ગૌમૂત્ર, જીવામૃત, ઘનજીવામૃત વગેરેનો પ્રયોગ છેલ્લા સાત વર્ષથી કરીને જૈવિક ખેતી કરી રહ્યા છે. તેઓ પાકમાં કોઈપણ જાતની જંતુનાશક દવા પણ છાંટતા નથી. તેઓ કહે છે કે, ઝેર ખાવું નથી. ઉત્પાદન ન થાય તો ચાલશે પણ જમીન ખરાબ નથી કરવી.

રોગ-નિયંત્રણ માટે તેઓ  વિવિધ પ્રકારના અર્કનો પ્રયોગ કરે છે. એક સમયે જંતુનાશક દવામાં તેમને આજના ભાવ પ્રમાણે વીઘાદીઠ રૂપિયા 3000 મુજબ પોતાની બાર વીઘાની ખેતીમાં રૂપિયા 36000નો ખર્ચ થતો હતો, જે ખર્ચ આજે તેમનો બચે છે. 

ભૂતકાળની તેમની રાસાયણિક ખેતીમાં આજનાં ભાવ પ્રમાણે, ખાતરનાં ભાવ ગણીએ તો, વીઘાદીઠ આશરે રૂપિયા  7500-8000 મુજબ કુલ રૂપિયા  96,000નો ખર્ચ થતો, આજે આ ખર્ચ પણ તેમનો બચે છે. તેમની પાસે પશુપાલનમાં ત્રણ ભેંસો હોવાથી તેનાં ગોબરનો મહત્તમ ઉપયોગ કરે છે. રસોઈમાં ગોબર ગેસના  ઈંધણ તરીકે ઉપયોગ ઉપરાંત, પશુનાં શુદ્ધ દૂધ, ઘી, છાશ ખાવા મળે તે અલગ લાભ.

તેઓ તેમના પશુપાલનનાં ગોબર ઉપરાંત વધારાનું ગોબર બહારથી પણ ખરીદીને દર વર્ષે બે-બે વીઘામાં ક્રમશઃ છાણીયું ખાતર નાંખે છે. તેમના મતે પ્રથમવાર નાખેલ છાણીયું ખાતર બીજા વર્ષે ગુણ બતાવે છે અને નાંખેલું છાણ ત્રણથી ચાર વર્ષ સુધી ચાલતું હોય છે.

ગત વર્ષે શિયાળુ પાકમાં 6 વીઘામાં પ્રતિવીઘે 45 મણ ઘઉંના ઉત્પાદનમાં રૂપિયા  1000 પ્રતિ મણનાં ભાવે તેનું  વેચાણ કરતાં, ખર્ચ બાદ કરતા આશરે રૂપિયા  2,40,000 ની ચોખ્ખી આવક મેળવી, તેમ જ 6 વીઘામાં શિયાળુ રાયડાનાં પાકમાં  વીઘે 35 મણનું ઉત્પાદન,  રૂપિયા  900 પ્રતિ મણના ભાવે વેચાણ અને તેમાંથી રૂપિયા  1,89,000 ની આવકમાંથી ખર્ચ રૂપિયા  65000 બાદ કરતા ચોખ્ખો નફો રૂપિયા  1,24,000 થયો. 

ગત વર્ષે ઉનાળામાં તેમણે 6 વીઘામાં પાયોનિયર ઘાસ ઉગાડીને, એક રૂપિયે કિલોના હિસાબે પાંજરાપોળમાં  વેચી, ખર્ચ બાદ કરતાં રૂપિયા  2.5 લાખની ચોખ્ખી આવક રળી. ચોમાસામાં તેમણે 6 વીઘામાં બાજરીના પાકમાં 180 મણ બાજરીનું ઉત્પાદન મેળવી, ખર્ચ બાદ કરીને તેમાંથી રૂપિયા  78,000 નો ચોખ્ખો નફો મેળવ્યો. 

એક સમયે તેમની આ જમીન બિલકુલ બિનઉપજાઉ, પથરાળ અને વેરાન હતી. આ જમીનને ફળદ્રુપ બનાવવા પાછળ તેમણે 5 થી 7 વર્ષ મહેનત કરી. જો કે આ જમીન તેમના પિતા  રિટાયર્ડ આર્મીમેન હોવાને કારણે સરકાર તરફથી મળેલી હતી. આ 12 વીઘા જમીન સદંતર બિનઉપજાઉ અને વેરાન હોવાના કારણે માત્ર ચોમાસા આધારિત ખેતીમાં માંડ રૂપિયા  60-70 હજારનો નફો તેઓ મેળવતા હતા.

હવે 5 થી 7 વર્ષની મહેનત બાદ જયેશભાઈએ આ જમીન નવસાઘ્ય કરી, કૃષિવિજ્ઞાનના સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો અને એના જ કારણે આજે એ જ જમીનમાં વર્ષે રૂપિયા 7 લાખનો ચોખ્ખો નફો મેળવતા થયા. 

કૃષિ વૈજ્ઞાનિકોની દિશા અને જયેશભાઈની મહેનતે ગામને પણ પ્રેરણા આપી. તેમની ચોક્કસ દિશાની મહેનત માત્ર ખેતી માટે જ નહીં કુટુંબની સુખાકારી માટે મહત્ત્વનું પરિબળ સાબિત થઈ.