Krushi Vishwa

વાર્ષિક સરેરાશ ઉત્પાદન 500 મણથી વધીને 2500 મણ સુધી પહોંચ્યું

By GS Team
23 Dec 20254 mins read
TukuTouch Logo
પિયતની સગવડ ન ઘરાવતા ખેડૂતો બાજુમાં આવેલી નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી ખેંચવા દોડાદોડી કરતા, જ્યારે જળસંચયના કારણે આ ખેડૂતને સિંચાઈની કોઈ ચિંતા ન હોવાથી નિશ્ચિંતપણ ખેતી કરે છે ખેતીખર્ચમાં રૂ.2,50,000 જેટલી બચત

Summarized by AI; it may make mistakes. Check important info

વાર્ષિક સરેરાશ ઉત્પાદન 500 મણથી વધીને 2500 મણ સુધી પહોંચ્યું

Agriculture News : સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાનાં ખોલડીયાદ ગામની વાત કરીએ તો, વર્ષ 2008-09નાં સમયે ગામ આખું વરસાદ આધારિત ખેતી કરતું હતુ ત્યારે આ ગામનાં ખેડૂત ઘનશ્યામભાઈ ઓઘડભાઈ અડાલજાએ હજુ ખેતી સંભાળી જ હતી. ગામમાં સ્થિતિ એવી હતી કે જો વરસાદથી ગામનું તળાવ ભરાય તો ગામનાં અન્ય ખેડૂતોનાં પાણીના વપરાશના કારણે પાણીનો સ્રોત મર્યાદિત બની જતો હતો. આના કારણે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહેતી કે જ્યાં ત્રણથી ચાર પિયતની જરૂરિયાત હોય તેની સામે તેમને માત્ર એક કે બે પિયત થાય તેટલું જ પાણી મળતું હતું, છેવટે તળાવ ખાલી થઈ જતું. 

ખેડૂતો ખેતીમાં જેટલો ખર્ચ કરે તેની સામે તેમને પાણીની અછતનાં કારણે યોગ્ય ઉત્પાદન મળે નહીં અને ખર્ચ સામે નફાનું ધોરણ ઘટતું જતું હતું. આ સ્થિતિ ગામનાં મોટાભાગનાં ખેડૂતોની હતી.

ત્યારે ઘનશ્યામભાઈને પરમ પૂજ્ય સંતશ્રી પ્રમુખસ્વામી મહારાજનું માર્ગદર્શન મળ્યું. તેમણે ઘનશ્યામભાઈને પાણીનો સંચય કરવા માટે કહ્યું, તલાવડી બનાવીને તેની વધારાની માટી ખરાબાવાળી જમીન પર નાંખીને જમીન સુધારવા તથા ડ્રીપ ઈરિગેશન અપનાવવા પણ કહ્યું. 

ઘનશ્યામભાઈની એક સમસ્યાનાં ઉકેલમાં બીજી સમસ્યા એ હતી કે, જો તેઓ ચારથી પાંચ વર્ષની ખેતીની મૂડી ભેગી કરે તો સ્વામીજીએ બતાવેલ કાર્ય આર્થિક સંકડામણને કારણે પૂર્ણ થાય તેવું નહોતું, માટે તેમણે આ કાર્ય પાર પાડવા માટે ધીરજથી, તબક્કાવાર નાનાપાયે તલાવડી બનાવવાનું આયોજન કર્યું. 

ખેત તલાવડી, કૂવો અને ડ્રીપ ઈરિગેશનના માઘ્યમથી ખેતીમાં સફળતા હાંસલ કરી શકાય છે. ઘનશ્યામભાઈ માર્ગદર્શનને સુવ્યવસ્થિત, આયોજનબદ્ધ રીતે પાર પાડી તેમ જ દ્રઢ નિશ્ચય, આધુનિક પદ્ધતિઓનાં સમન્વયથી ખેતીના પડકારોને દૂર કરીને તેને નફાકારક વ્યવસાયમાં ફેરવી અનેક ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. તેમની પ્રેરણા લઈને તેમનાં બે ખેડૂતમિત્રોએ પણ ખેત તલાવડી બનાવીને પાણીની સમસ્યાનું સમાધાન મેળવ્યું છે. 

ખરાબામાં બનાવી ખેતતલાવડી : વર્ષ 2009 માં તેમણે 11 એકરની જમીનમાં જ્યાં ચારથી પાંચ એકર ખારવાળી, બિનઉપજાઉ અને પાણીના ધોવાણથી ખરાબાવાળી જમીન થઈ હતી, ત્યાં તેમણે તલાવડી બનાવી.

એક સમયે અન્યના ખેતરનું પાણી તેમના ખેતરમાં આવતું હતું અને તેમના ખેતરની જમીનનું ધોવાણ થતું હતું. ત્યારે તેમાં આ એક વીઘાની તલાવડીમાંથી નીકળેલ માટીને ખરાબાવાળી જમીન પર પાથરીને લેવલિંગ કરી નવી માટીથી જમીન સુધારી અને આ તલાવડીમાં ભરાતા વધારાનાં પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરી.

ખેતતલાવડીનું પણ અભિનવ વ્યવસ્થાપન : તેમણે ક્રમશઃ  ચાર વિઘામાં આ તલાવડી વિસ્તારી એટલું જ નહીં, આ તલાવડીનું વધારાનું પાણી જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય તે માટે અન્ય ખેતરમાં પણ એક વીઘામાં તલાવડી બનાવીને આ પાણીને ઠાલવી પાણીનો સંચય કર્યો. પાણીની અછત જેવી સ્થિતિમાં આગોતરા આયોજનનાં ભાગરૂપે વધુ પાણીનો સંચય થાય, જળસ્તર વધે તે માટે આ તલાવડીની બાજુમાં જ કૂવો બનાવ્યો, કૂવો રિચાર્જ પણ થાય.પાણીની અછત જેવી સ્થિતિમાં મુશ્કેલી પડે નહીં. આમ, પાણીની સમસ્યાને તેમણે હલ કરીને  કુલ 27 એકર જેટલી જમીનમાં પણ સિંચાઈ સરળતાથી થાય, સિંચાઈનાં પૂરા વિસ્તારને સરળતાથી આવરી લેવાય તે માટે વર્ષ 2012 થી તેમણે ડ્રીપ ઈરિગેશન પણ અપનાવ્યું.

સિંચાઈ માટેની દોડઘામમાંથી મુક્તિ : ગામ પાસે નર્મદા કેનાલ આવી ત્યારે ચાર કિલોમીટર દૂર આ કેનાલમાંથી પાણી લેવા માટે અનેક ખેડૂતો વ્યવસ્થાનાં ભાગરૂપે દોડધામ કરતા હતા, ત્યારે  તેઓ જળસંચયનાં કારણે પાણીની દોડધામમાંથી મુક્ત થઈને નિશ્ચિંત થઈ ગયા હતા. તેઓ પાણીની કોઈપણ ચિંતા કર્યા વગર ખેતીમાં ધ્યાન આપી, તેમની અનુકૂળતાએ પાકને સમયસર સિંચાઈ કરી શકે છે. 

ખેતીખર્ચમાં પણ ઘટાડો : જળસંચય અને ડ્રીપના કારણે પાણીનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થવાથી ખેતીમાં થતા ખર્ચ જેવા કે પિયત, ખાતર, બિયારણ અને નીંદણ નિયંત્રણના ખર્ચમાં અંદાજિત વાર્ષિક રૂા. 2.5 લાખ જેટલી બચત થાય છે. આવી રીતે સમયની બચત સાથે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાથી નફામાં વધારો કરે છે.

એક સમયે જ્યાં સિંચાઈની સગવડ નહોતી ત્યાં જળસંચયના કારણે હવે સિંચાઈ ઉપલબ્ઘ થતા ઘનશ્યામભાઈના કૃષિ મૂલ્ય ઉપાર્જનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. 

ખેતતલાવડી અને જળસંચયના કારણે બોર-કૂવા રિચાર્જ થયા : તેઓ કહે છે કે, ખેતતલાવડી દ્વારા જળસંચય અને તેના કારણે કૂવો રિચાર્જ થતો હોવાથી હું સહેલાઈથી વર્ષમાં ખરીફ અને રવી એમ બંને સિઝનમાં પોષણક્ષમ કૃષિ મૂલ્ય ઉપાર્જન સાથે સફળતાપૂર્વક ખેતી કરું છું. જ્યારે સિંચાઈની સગવડ નહોતી ત્યારે ખરીફ સિઝનમાં 25 એકરમાં સરેરાશ 500 મણ જેવું કૃષિ ઉત્પાદન મળતું. 

વર્ષ 2022-23 ની વાત કરું તો મોસમ બઘી રીતે અનુકૂળ હોવાના કારણે ખરીફ અને રવી કૃષિપેદાશો અંતર્ગત કપાસનું એકરદીઠ 60 મણ પ્રમાણે 1500 મણ એ જ રીતે રવી સિઝનમાં ચણાનું પણ એકરદીઠ 60 મણ પ્રમાણે 1500 મણ ગણીએ તો 3000 મણ ઉત્પાદન મળે પણ ઓછામાં ઓછું ગણીએ તો પણ 2200 થી 2500 મણ જેટલું કૃષિ ઉત્પાદન ચોક્કસ પહોંચેલું. 

એ વર્ષમાં આ બંને પેદાશોની વાર્ષિક આવક રૂા. 40 લાખ જેટલી આવક નોંઘાયેલી. જો કે છેલ્લા બે-ત્રણ વર્ષથી અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવા સંજોગોના કારણે કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે પરંતુ મોસમ બઘી રીતે અનુકૂળ હોય તો ખેતતલાવડી કે ચેકડેમ દ્વારા જળસંચયના કારણે કૃષિ ઉત્પાદન નોંધપાત્ર રીતે વઘે છે.