AI ટેક્નોલોજી અપનાવીએ, પરંપરાગત ખેતીને સ્માર્ટ ખેતી બનાવીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : વર્ષોથી ખેતી ક્ષેત્રમાં સતત નવા સંશોધનો થતા રહ્યા છે અને તમામ સંશોધનોનો એક જ હેતુ રહ્યો છે ખેડૂતને ખેતીના કામમાં વધુ સુવિધા અને રાહત મળી રહે. આજના સમયમાં જો પ્રગતિ સાથે આગળ વધીને સફળતા મેળવવી હોય, તો નવી ટેક્નોલોજીનો સ્વીકાર અનિવાર્ય છે. આ ટેક્નોલોજીમાં સૌથી શક્તિશાળી અને ઝડપી ફેરફાર લાવનાર સંસાધન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ.આઇ.ના ઉપયોગના કારણે ખેતી હવે પરંપરાગત પદ્ધતિઓમાંથી બહાર આવીને વૈજ્ઞાનિક રીતે સતત આગળ વધી ખેડૂતો માટે પોષણક્ષમ બની રહેશે.
ખેતી માટે એ. આઇ. કેમ જરૂરી છે ?
અત્યારે સૌથી વધુ તકલીફ ખેડૂતોને પડતી હોય તો તે સતત બદલાતા જતા વાતાવરણ વચ્ચે ખેતીને ટકાવવી. એ જ રીતે રોગ-જીવાતનો સતત વઘતો જતો ઉપદ્રવ. આવા પ્રશ્નોમાં એ.આઇ. આધારિત ટેક્નોલોજી ખેડૂતોને માર્ગદર્શન આપીને મદદરૂપ બની શકે છે.
એ.આઇ. દ્વારા હવે ખેડૂતોને સેન્સર્સ અને ડેટાની મદદથી મોસમની આગાહી, જમીનના તાપમાન અને ભેજ માપવા જેવી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. આ માહિતીની મદદથી ક્યારે વાવેતર કરવું, ક્યારે સિંચાઈ ઓછી કે વધારે કરવી, ક્યારે રોગ આવવાની સંભાવના છે તેની જાણકારી મેળવીને ખેડૂતો યોગ્ય માવજત અંગેનો સમયસર નિર્ણય લઈ શકે છે. તેના કારણે સ્વાભાવિક રીતે જ બિનજરૂરી ખેતીખર્ચ ઘટવાની સાથે જ તેનું કૃષિ ઉત્પાદન પણ વઘારી શકે છે.
ઘણા ખેડૂતો મનમાં વિચારશે કે હવામાનની આગાહી તો પહેલા પણ મળતી હતી, તો એ.આઇ. શું નવું કરે છે ? પણ અત્યાર સુધી જે આગાહીઓ થતી હોય છે તેમાં ફેરફાર હોવાની સંભાવના વધુ છે અને ક્યારેક એવું પણ બને કે આગાહી દ્વારા હવામાન સંબંધી જાણકારી મોડી મળવાના કારણે ખેડૂતોને જે કંઈ પગલા ભરવા હોય તે માટે પૂરતો સમય મળતો નથી. પણ હવે એ.આઇ. ટેકનોલોજી દ્વારા આપણા ચોક્કસ વિસ્તારમાં, એટલે કે ગામ સ્તરે હવામાનની સાચી અને સમયસર આગાહી મેળવી શકીએ છીએ.
એ. આઇ. આધારિત એપ્લિકેશનના લાભ
એ.આઇ. આપણને આ પણ જણાવે છે કે આવનારા દિવસોમાં કોઈ રોગ કે જીવાતની અસર થવાની શક્યતા કેટલી છે. જે માહિતી પહેલા ઝડપથી અને આટલી વિગતવાર મળવી લગભગ અશક્ય હતી, તે હવે તમારા મોબાઈલ દ્વારા ગણતરીના સમયમાં મળી જાય છે.
આવી એ.આઇ. આધારિત અનેક પ્રકારની મોબાઇલ એપ્લિકેશન્સ કાર્યરત છે તેમાંની એક એપ્લિકેશન એટલે ‘ઇફકો કિસાન એપ’ આ એપમાં IoT (Internet of Things) અને ક્લાઉડ-ડેટા ટેક્નોલોજીનો સંયોગ છે. આ ટેક્નોલોજી ખેડૂતને તેમના ખેતર અનુસાર ચોક્કસ, સ્થાનિક અને સમયસર સલાહ અને માર્ગદર્શન આપે છે.
ખેતરમાં ભેજ વધી ગયો હોય, હવામાનમા પલટો આવવાનો હોય અથવા કોઈ રોગ-જીવાત ફેલાવાની સંભાવના હોય તો આ એપ્લિકેશન દ્વારા તરત જ નોટિફિકેશન રૂપે ખેડૂતોને સૂચના મળે છે. આવા ઝડપી સંદેશા મળવાથી ખેડૂત વેળાસર પગલાં લઈ શકે છે. પાકનું રક્ષણ, જરૂરી સારવાર કે સિંચાઈ-વ્યવસ્થામાં ફેરફાર અને પરિણામે નુકસાન અટકી જાય છે અને ઉત્પાદન સુધરે છે.
ઇફકો કિસાન એપ કેવી રીતે છે ઉપયોગી ?
• આ એપ્લિકેશન ખેડૂતો માટે એક સ્માર્ટ સેવાકેન્દ્ર તરીકે કાર્યરત છે.
• સ્થાનિક બજારભાવોની માહિતી સરળ રીતે મેળવી શકાય છે.
• કૃષિ પાકની જાત મુજબ સલાહ, ગુજરાતી/હિન્દી સાથે-સાથે અન્ય ભાષાઓમાં ખેતી સંબંઘિત સૂચનાઓ.
• ખેડૂત પોતાના પાકની તસવીર લઈ મોકલી શકે છે અને કૃષિ નિષ્ણાતની સલાહ મેળવી શકે છે.
• જે-તે પાકની જે-તે તબક્કાની જરૂરિયાત, રોગ-જીવાતની શક્યતા ઉપરાંત કૃષિ સંબંધી અનેક પ્રકારની સૂચનાઓ મેળવીને સમયસર પગલાં લઇ શકાય છે.
માનવશક્તિ અને ટેક્નોલોજીનો સમન્વય
આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મુખ્ય બાબત છે ટેક્નોલોજીનો યોગ્ય અને સમજપૂર્વક ઉપયોગ. ખેડૂતોનો વર્ષોનો અનુભવ અને નવી ટેક્નોલોજી જ્યારે બંને એકસાથ કામ કરે, ત્યારે પરિણામ પણ ઉત્તમ મળે છે. અત્યારે મોબાઈલ એપ્લિકેશનો જેવા સ્માર્ટ સાધનો ખેડૂતના જ્ઞાનમાં ઉમેરો કરે છે. એટલે જો ખેડૂત પોતાના અનુભવને આધુનિક ટેક્નોલોજી સાથે જોડશે, તો નિશ્ચિત સફળતા મળશે.
ખેતીને જો આઘુનિક બનાવવી હોય, વિવિધ પડકારો વચ્ચે પણ ખેતીને ટકાવવી હોય, તો ખેડૂતો માટે આ પ્રકારની ટેક્નોલોજી અપનાવવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે. ચાલો, ટેક્નોલોજીને સ્વીકારીએ અને ખેતીને વધુ પ્રગતિશીલ અને લાભદાયી બનાવીએ.




