Krushi Vishwa

ટેકનોલોજી આધારિત કૃષિનું ભવિષ્ય : પ્રગતિશીલ ખેડૂતનો પ્રિસિઝન ફાર્મિંગ અનુભવ

By GS Team
19 Jan 20265 mins read
TukuTouch Logo
કૃષિ ક્ષેત્રે છેલ્લાં કેટલાક વર્ષોથી ટેકનોલોજી આધારિત પદ્ધતિઓ ઝડપથી પ્રવેશી રહી છે. ગુજરાતના અનેક ખેડૂતો આજે મોંઘવારી, આબોહવા પરિવર્તન અને જમીનની ઓછી ઉપજ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નાના જમીનધારક ખેડૂતો માટે તો પાકમાં નફો મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. આવા સમયે ખેતીમાં ટેક્‌નોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ એટલે કે પ્રિસિઝન ફાર્મિંગ, ખાસ કરીને ગ્રીનહાઉસ આધારિત ખેતી કોન્સેપ્ટ એક નવો વિકલ્પ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકનોલોજી આધારિત કૃષિનું ભવિષ્ય : પ્રગતિશીલ ખેડૂતનો પ્રિસિઝન ફાર્મિંગ અનુભવ

Agriculture News : કૃષિ ક્ષેત્રે છેલ્લાં કેટલાક વર્ષોથી ટેકનોલોજી આધારિત પદ્ધતિઓ ઝડપથી પ્રવેશી રહી છે. ગુજરાતના અનેક ખેડૂતો આજે મોંઘવારી, આબોહવા પરિવર્તન અને જમીનની ઓછી ઉપજ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નાના જમીનધારક ખેડૂતો માટે તો પાકમાં નફો મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. આવા સમયે ખેતીમાં ટેક્‌નોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ એટલે કે પ્રિસિઝન ફાર્મિંગ, ખાસ કરીને ગ્રીનહાઉસ આધારિત ખેતી કોન્સેપ્ટ એક નવો વિકલ્પ છે. 

આવું જ પ્રેરણાત્મક ઉદાહરણ છે, મોરબી જિલ્લાના માળિયા-મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામના એક જુસ્સાદાર ખેડૂત અમિતભાઈ પટેલનું. તેઓ કહે છે કે, પરંપરાગત ખેતીમાં ઉત્પાદનની એક મર્યાદા છે, જ્યારે અવનવી કૃષિ પદ્ધતિ અને કૃષિને લગતી ટેક્‌નોલોજી સાથે ખેતી કરવામાં ઉત્પાદનની કોઈ મર્યાદા નથી. પ્રિસિઝન ફાર્મિંગ એટલે ખેતીવાડીમાં ઓટોમેશન, ક્યારે-કેમ અને કેટલાં પ્રમાણમાં ખાતર, પાણી, પોષક ત•વ અને જંતુનાશક આપવા તેનું સ્વયં વ્યવસ્થાપન અને નિયંત્રણ. તેઓ ગ્રીનહાઉસમાં મુખ્યત્વે ખીરા કાકડી અને કલર કેપ્સીકમ ઉગાડી રહ્યા છે.

પ્રિસિઝન ફાર્મિંગ : પાણી, બિયારણ, ખાતર વ્યવસ્થાપન

પ્રિસિઝન ફાર્મિંગ સીધીસાદી ભાષામાં સમજીએ તો ખેતરની વ્યવસ્થાની એક આધુનિક પદ્ધતિ છે. આ એક એવી પદ્ધતિ છે, જે ખેડૂતને જે પાક ઉત્પાદન ઇનપુટ્‌સ જેમ કે પાણી, બિયારણ, ખાતર વગેરેના સંચાલનમાં સંદેશાવ્યવહાર ટેક્‌નોલોજીનો ઉપયોગ કરી ખેડૂતોને માર્ગદર્શન આપે છે. આ રીતે કૃષિ ઉપજ, ગુણવત્તા, નફાકારકતા, ટકાઉપણું અને પર્યાવરણનું રક્ષણ સુનિશ્ચિત કરે છે. પ્રિસિઝન ફાર્મિંગ વિશિષ્ટ સાધનો, સોફ્‌ટવેર અને આઇ.ટી. સેવાઓ પર આધાર રાખે છે, જેમાં પાકની સ્થિતિ, જમીન અને આબોહવા વિશેના વાસ્તવિક-સમયના ડેટાને એકત્રિત કરવાનો સમાવેશ થાય છે. 

આ પદ્ધતિ અપનાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં એક નાનુ એવું યંત્ર જ વસાવવાનું હોય છે. આ યંત્ર ખેતરમાં મૂક્યા બાદ ખેડૂતે કલ્પના પણ ન કરી હોય તેવા અનેક લાભ આ યંત્ર દ્વારા ખેડૂતને મળે છે. આ લાભ પણ એવા કે જે ખેતીને સાચા અર્થમાં પોષણક્ષમ બનાવે. આ યંત્ર વસાવવા માટે ખેડૂતો ડ્રીપ ઇરિગેશન સાથે સંકળાયેલી કંપનીઓનો સંપર્ક કરી શકે. ખેડૂતોને આ યંત્ર વસાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સબસિડીરૂપી આર્થિક સહાય પણ મળે છે.

આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે પાકની ગુણવત્તા બધી સિઝનમાં સરખી જ રહે છે. બજારભાવ ઊંચો મળે છે, સાથે સાથે જંતુ-રોગોની અસર પણ ઓછી રહે છે. પાણીને પણ વ્યર્થ ન જવા દેવા માટે માઈક્રો સિંચાઈથી યોગ્ય સમયે યોગ્ય માત્રામાં પાણી આપવાની વ્યવસ્થા છે. નાના ખેડૂતો માટે મોટા ફેરફાર લાવતી આવી પદ્ધતિ ખરેખર ગુજરાતના કૃષિ ભવિષ્ય માટે આશાના કિરણ સમાન છે.

મુખ્ય પાકોમાં તેમણે ખીરા કાકડી અને કલર કેપ્સીકમની ખેતી કરેલ છે. જેમાં ખીરા કાકડીની વાત કરતા તેઓ કહે છે કે, જાણે એક ફેક્ટરીમાં બનાવટ થઈ હોય એવી રીતે બધી જ કાકડીનું કદ અને સાઇઝ સમાંતર હોય છે. 

ખીરા કાકડી 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે, જેમાં પ્રથમ વાવેતરથી જ તેનું શિડ્યુલ ફિક્સ હોય છે. એટલે કે, કેટલું પિયત આપવું, કેટલું ખાતર આપવું, ક્યારે નીંદણની જરૂરિયાત છે, ક્યારે રોગ-જીવાતનું નિયંત્રણ કરવાનું અને ક્યારે તેની લણણી કરવાની. પ્રથમ માસમાં ખાતર, પિયત, દવા અને અન્ય કોઈ વસ્તુ નાખવાની હોય એ ફિક્સ રહે છે. જ્યારે બીજા માસમાં તાપમાન અને કુદરતી સ્રોતોનો બદલાવ થાય ત્યારે ઓટોમેશન તમને જાણ કરશે સૂચિત કરશે અને એ મુજબ તમને ભલામણ કરશે. 

અમિતભાઈ કહે છે કે, ઓટોમેશન એક શરીરરૂપ છે અને તેનું કંટ્રોલર છે તે અત્યારનું લેટેસ્ટ મગજ છે. ભારતમાં આ ટેક્‌નોલોજીનો ઉપયોગ બહુ જ ઓછી માત્રામાં થાય છે. આ કંટ્રોલર સિસ્ટમમાં તમે એક વર્ષનું પ્લાનિંગ પણ ફિક્સ કરી શકો છો.

ખેતી ઇન્‌પુટ્‌સમાં સારી એવી બચત

આ પદ્ધતિનાં ઉપયોગથી ખેડૂતો 46% થી 60% પાણીની બચત કરી શકે છે. 15% થી 20% જંતુનાશકોના ખર્ચમાં ઘટાડો પણ થઇ શકે છે. આમ, પાક દીઠ લગભગ 15 થી 20% નો ખર્ચ બચાવી શકાય છે. હવામાનમાં થતા ફેરફારની માહિતી અગાઉથી જ મળી જવાથી પાક બચાવવા માટેના જરૂરી પગલા સમયસર લઇ શકાય છે અને પાકમાં નુકસાન થવાનો ભય ઘટે છે.

ઉદાહરણ સાથે સમજીએ તો 100 વીઘા ખુલ્લા ખેતરમાં તમે ખેતી કરો અને 10 વીઘામાં પ્રોસિઝન ફાર્મિંગ સાથે ગ્રીનહાઉસ કોન્સેપ્ટ કરો બંનેનું ઉત્પાદન સરખું જોવા મળશે તેમ જ ખાતર, પિયત અને રોગ-જીવાત નિયંત્રણ ઓછું કરવું પડશે, કારણોસર ખેતી ખર્ચમાં સારો એવો ઘટાડો નોંધાય છે. ગ્રીનહાઉસ કોન્સેપ્ટ એક નાનું કારખાનું આપણે કહી શકીએ. 

ટેક્‌નોલોજી વધુ પડતી દવા, પિયત અને મજૂર ખર્ચ બચાવશે

જે ખેડૂતોએ હજી સુધી ટેક્‌નોલોજી અપનાવી નથી, તેઓને વધુ પડતી દવા, પિયત અને મજૂર ખર્ચનો સામનો કરવો પડે છે. અમિતભાઈ સાદી ભાષામાં કહે છે, ખેતી એ એવી બાબત છે તેમાં જે તે ખેતી પાકને પાણી-ખાતર-દવા ઓછા પણ ન ચાલે અને વધુ પણ નહીં. તેનો સપ્રમાણ ઉપયોગ એ જ શ્રેષ્ઠ અને પરિણામલક્ષી મંત્ર છે. ખેતરમાં યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, યોગ્ય પગલાં લેવા એ જ છે સફળ ખેતીનો મંત્ર.

ટૂંકી જમીનમાં ઊંચી આવક શક્ય છે

અમિતભાઈ પટેલનો અનુભવ જણાવે છે કે, ટેક્‌નોલોજી આધારે ખેતી કરવી નફાકારક તો છે જ પણ તેની સાથે જમીન, પર્યાવરણ અને ખેડૂતોના જીવનમાં સ્થિરતા લાવનારી પ્રવૃત્તિ છે. આજના યુવાનો અને નાના ખેડૂતોએ ટેકનોલોજીનો ડર છોડીને તેનો અભ્યાસ કરવા અને અમલમાં લાવવાની જરૂર છે.

નાના ખેતી વિસ્તારોમાં પણ, જો ટેક્‌નોલોજી અપનાવાઈ તો, ખેતી માત્ર રોજી-રોટી નહીં, સમૃદ્ધ જીવન તરફ દોરી શકે છે.

પ્રિસિઝન ફાર્મિંગના ફાયદા

• પાણી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે. 

• વાતાવરણમાં થતા ફેરફાર અને પાકને જરૂર પૂરતા પ્રમાણમાં ખાતર અને પાણી આપીને મજૂરીખર્ચમાં ઘટાડો કરે છે.

• બાહ્ય વાતાવરણ (તાપ, વરસાદ, જમીનમાં ભેજનું પ્રમાણ વગેરે)ને ધ્યાને રાખીને પિયત તેમ જ ખાતરનું વ્યવસ્થાપન કરે છે. 

• વિશ્વમાં કોઈપણ જગ્યાથી કોઈપણ સમયે આખા ફાર્મનું નિયંત્રણ અને વ્યવસ્થાપન કરી શકાય.

• પાકને તબક્કાવાર ક્યારે સિંચાઈ આપવી તેના માર્ગદર્શન સાથે ઉપજની ગુણવત્તામાં સુધારો કરવા મદદરૂપ બને છે. આ યંત્રના કારણે સિંચાઈના પાણીનો 60% સુધી વપરાશ ઘટતા મૂળનાં રોગથી રક્ષણ મળે છે. 

• રોગ અને જંતુનાં ઉદ્‌ભવનું એક આગવું વિષચક્ર છે, જેને પ્રિસિઝન ફાર્મિંગ ટેકનોલોજી સમયસર પારખીને ઉપાય સૂચવી પાકના નુકસાનને અટકાવે છે. અથવા રોગ કે જંતુની અસર પહેલા તેમને અટકાવવા માટેના ઉપાયો દર્શાવે છે.