ખેડૂતનું પ્રયોગશીલ માનસ : અનેક પ્રકારનાં પ્રાકૃતિક રોગ-જીવાત નિયંત્રક અસરકારક ઔષધ વિક્સાવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : ખૂબ જ ઓછું ભણતર છતાં આત્મવિશ્વાસ સાથે ગજબની કોઠાસૂઝ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ રૂપારેલીયા 300 કરતાં વધુ દેશી ગીર ગાયોનું સંવર્ધન કરી ખેતી ઉપરાંત મુખ્યત્વે પંચગવ્યમાંથી વિવિધ 300 જાતની પ્રોડક્ટનું નિર્માણ કરી, સીધા જ ગ્રાહકોને સાંકળીને, દેશ-વિદેશમાં તેની નિકાસ કરે છે.
તેઓએ મૂલ્યવર્ધન ઉપરાંત જીવાત-નિયંત્રણ માટે પણ અનેક પ્રયોગો કરીને તેમાં સફળતા મેળવી છે. તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે કે, પૂરતી સમજણ અને ઔષધીય ગુણોને સમજીને એ ઔષધીઓમાંથી જ જો પ્રાકૃતિક દ્રવ્યો બનાવવામાં આવે તો રોગ-જીવાત નિયંત્રણ માટે આવાં દ્રવ્યો રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના રમેશભાઈ રૂપારેલીયાએ ગૌ સંવર્ઘન અને મૂલ્યવર્ધન ઉપરાંત રોગ-જીવાત નિયંત્રણ દ્રવ્યો તૈયાર કરીને આસપાસના વિસ્તારોમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
તેઓ કહે છે કે, ફર્મેન્ટેશન બે પ્રકારે થતા હોય છે. એમાંનો એક પ્રકાર હવામાં રહેલા ઓક્સિજન અને સૂર્યની હાજરીમાં ફર્મેન્ટેશન થાય તેને એરોબિક ફર્મેન્ટેશન અને હવા અને સૂર્યની ગેરહાજરીમાં થતા ફર્મેન્ટેશનને અનએરોબિક કહેવાય છે.
સામાન્ય રીતે જમીન પર નાંખવામાં આવતું ઘન ખાતર જ્યાં સુધી જમીનમાં દટાઈને હવા અને સૂર્યની ગેરહાજરીની સ્થિતિ ન બનાવે ત્યાં સુધી તે બરાબર સડશે નહીં, એટલે કે આ ખાતર અનએરોબિકમાં ફેરવાય, ત્યારે જ તે છોડ માટે ઉપયોગી સ્વરૂપમાં ફેરવાતું હોય છે.
આ ફર્મેન્ટેશનથી બનેલ બેક્ટેરિયા જમીનમાં રહેલ બેક્ટેરિયાને બળ પૂરું પાડતા હોય છે, જે છોડની વૃદ્ધિમાં ઉપયોગી સાબિત થાય છે.
આમ, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ જમીનમાં વઘતું જાય છે. ફર્મેન્ટેશનના પહેલા પ્રકારમાં કેટલીક અડચણ જણાતા તેમણે બીજા પ્રકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
દેશી ગાયનાં ગોબર-મૂત્ર ખૂબ ઉપયોગી
દેશી ગાયના ગૌમૂત્ર અને છાણની રાખમાં સલ્ફર, પોટાશનું પણ પ્રમાણ જોવા મળે છે. જે ખેડૂતો લસણ, ડુંગળી, હળદર, આદું જેવા કંદમૂળ પાકોમાં રાસાયણિક સલ્ફર અને પોટાશ બહારથી મોંઘુ ખરીદીને પાકમાં આપતા હોય છે તેવા ખેડૂતો જો આ ગૌમૂત્ર અને રાખનું પાકમાં સિંચન કરેે તો, કોઈપણ પ્રકારનો જમીનજન્ય રોગ પાકમાં આવશે નહીં. તેના કારણે કંદમૂળનાં પાકમાં સારું કદ, વધુ ઉત્પાદન, ટકાઉ શક્તિયુક્ત, રસાળ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
અન્ય પ્રયોગ વિશે તેઓ જણાવે છે કે, 1 કિલો તમાકુને 20 લિટર ગૌમૂત્રમાં 2-3 દિવસ પલાળી રાખીને, તેમાંથી 100 મિલિને 15 લિટર પંપમાં પાણી ભેળવીને છંટકાવ કરવાથી રોગ-જીવાત નિયંત્રણ કરી શકાય છે.
20 લિટર ગૌમૂત્રમાં 2 કિલો લસણ, 2 કિલો લીલાં તીખાં મરચાંની પેસ્ટ બનાવીને 4-5 દિવસ પલાળી રાખ્યા બાદ તેને દબાવીને તેનો રસ કાઢીને, 15 લિટરનાં પંપમાં 200 મિલિ દ્રાવણ નાંખીને છંટકાવ કરવાથી પાકમાંથી 90 ટકા રોગ જીવાત નિયંત્રણ થઈ જાય છે.
આવાં અનેક પ્રકારનાં કુદરતી અને સસ્તા ઉપાયો થકી, ખેડૂત પોતાનો ખેતી ખર્ચ ઘટાડીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે છે.
20 લિટર ગૌમૂત્રમાં 2 કિલો કાલમેઘ (કડવું કરીયાતુ) નાંખી, તેને 3-4 દિવસ રહેવા દઈ, બાદમાં તેને નીચોવીને કાઢેલ દ્રાવણને 200 મિલિ લઈને, 15 લિટરનાં પંપથી છંટકાવ કરવાથી રોગ જીવાત પર 80 ટકા નિયંત્રણ કરી શકાય છે. જીવાત નિયંત્રણ માટે યજ્ઞ પણ એક થેરેપી તરીકે ખૂબ અસરકારક હોવાનું રમેશભાઈનું કહેવું છે. તે વિશે સમજણ આપતા તેઓ કહે છે કે, યજ્ઞમાં તલ, જવ, ચોખા, ગાયનુ ઘી-ગોબર તેમ જ વિવિધ વનસ્પતિનો હોમ થતો હોવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે.
અમાસ, પૂનમ, અષ્ટમી અને બારસે ખેતરમાં વાવડી, વાકુંભા, હિંગ અથવા ગંધારો વજ, ગૂગળ, કપૂર, કડવો લીમડો વગેરેનો ધૂપ કરવાથી વિવિધ જીવાતનું બ્રિડિંગ અટકી જાય છે અને ખેતરમાં જીવાણુજન્ય બીમારી અટકે છે.
સફેદ માખીના ઉપદ્રવમાં ઘોડાવજ ખૂબ ઉપયોગી
આ ફર્ટીલાઈઝર બેગમાં બનાવેલ પ્રવાહી ખાતર પાકમાં આપવાથી પાકને જલદીથી લભ્ય સ્વરૂપમાં પોષણ મળવાનું ચાલુ થઈ જાય છે અને જમીનનું પોષણ વ્યવસ્થાપન સરળ, ઝડપી બને છે. તેઓ કહે છે કે, આજે પણ મારા ખેતરમાં ઈયળ, ફૂગ, સૂકારો જોવા મળતા નથી. છતાય જો રોગ-જીવાત નિયંત્રણ કરવું પડે તો, તે માટે દેશી ગાયનાં 20 લિટર ગૌમૂત્રમાં 2 કિલો ગંધારો વજ (ઘોડાવજ) પાવડર નાંખી, તેને 4 દિવસ રહેવા દઈ, તેને ગાળીને 15 લિટરનાં પંપમાં 200 મિલિ નાંખી છંટકાવ કરી દેવો.
સામાન્ય રીતે ઘોડાવજ ઔષધી નદી કિનારે ઉગતી જોવા મળે છે. આ ઔષધિ એટલી કારગર છે કે તેનાથી કીડી, મકોડાં, સાપ, ઉંદર પણ દૂર રહે છે. નાળીયેરીનાં ઝાડમાં સફેદ માખી આવી જાય તો, તે પાકને નિષ્ફળ બનાવી શકે છે. ત્યારે તેનાથી બચવા આ ઝાડ પર ગૌમૂત્ર-ઘોડાવજનાં દ્રાવણનો છંટકાવ 15 દિવસે કરવાથી અથવા ઘોડાવજનાં 4 ગાંઠીયા વૃક્ષ પર બાંધવાથી સફેદ માખીની સમસ્યા ઉદ્ભવશે નહીં.
ખાતર વ્યવસ્થાપનમાં વિવિધ પ્રયોગો
રમેશભાઈએ અનએરોબિક બાયો ફર્ટિલાઇઝર બેગ બનાવી છે. આ અનએરોબિક બાયો ફર્ટિલાઇઝર બેગથી ફાયદો એ છે કે, તેના કારણે માત્ર દસ દિવસમાં જ આ બેગથી ફર્મેન્ટેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય. તેમણે આ બેગને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું. આ બેગને ઈન્ડિયન વેટેરીનરી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(ૈંફઇૈં), બરેલીની માન્યતા પણ મળી. આ બાયો ફર્ટીલાઈઝરની બેગમાંથી જે પ્રવાહી ખાતર નીકળે તેની જમીન પર થતી અસરો માટેનાં સંશોધન માટે તેમણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ સાથે કરાર કર્યા છે.
રોગ-જીવાત નિયંત્રણમાં વિવિધ પ્રયોગો
જંતુનાશકનાં અન્ય પ્રયોગ વિશે જણાવતા રમેશભાઈ કહે છે કે તાંબાનાં વાસણમાં 15 કે 21 દિવસ ભરી રાખેલ છાશનો છંટકાવ મરચી, રીંગણી, તુરીયા જેવા પાકો પર કરવાથી તેનું કુદરતી ઝેરી કવચ પાક પર થઈ જતું હોય છે. તેથી કોઈ જીવાત તેને ખાશે નહીં, જંતુ માટે તે ઝેરનું કામ કરશે. કેટલીક સંકલિત જીવાતો જેનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હોય છે, ત્યારે તેને ખોરાક ન મળવાથી આપોઆપ તેનું નિયંત્રણ થશે.
આ ઉપરાંત અન્ય ઉપાય જણાવતા તેઓ કહે છે કે, 20 લિટર ગૌમૂત્રમાં 4 કિલો ધતૂરાની બનાવેલ પેસ્ટ નાંખી, આ દ્રાવણ 200 મિલિ લઈને 15 લિટરનાં પંપમાં પાણી ઉમેરીને તેનો છંટકાવ દર અઠવાડિયે કરવાથી પાકમાં કોઈ જીવાત આવવાની શક્યતા રહેતી નથી.
ગૌમૂત્ર અને ગાયનાં છાણાંની રાખમાં સલ્ફરની માત્રા હોય છે. જો પાકમાં ફૂગ આવી હોય તો, 15 લિટરનાં પંપમાં અડધો લિટર ગૌમૂત્ર, 200 ગ્રામ રાખને પાણીમાં ઓગાળી, ગાળીને તેનો છંટકાવ ફૂગની શક્યતાવાળા પાક જેવા કે જીરૂ, ધાણા વગેરેમાં કરવાથી પાક પર રાખનું કવર બનતા તેમાં ફૂગ આવશે નહીં.




