સતત એકના એક પાકનું વાવેતર ઉત્પાદન ઘટાડશે, આવક પણ ઘટાડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

• કોઈપણ પાકનું વાવેતર દેખાદેખી કે આડેઘડ નહીં પણ બજારમાંગ આધારિત કરીએ
• કૃષિ પાકોની નિકાસ દ્વારા બજારભાવ સારા મેળવીને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે, ઉપજની નિકાસ માટે હવે ટેક્નોલોજી અને બજારની સમજણ બંનેનો સંયુક્ત ઉપયોગ કરવો અતિ આવશ્યક છે
Agricultural News : આપણા દેશનાં ખેડૂતો ખૂબ જ મહેનતુ અને કુશળ છે, પરંતુ મોટા ભાગના ખેડૂતો વાવેતર માટે પાકની પસંદગી પરંપરાગત રીતે જ કરી રહ્યા છે, બજારની માંગને ધ્યાનમાં લીધા વિના ખેડૂતો ગયા વર્ષે જે પાકનો સારો ભાવ મળ્યો હોય, તે જ પાકની ખેતી બીજા વર્ષે પણ ચાલુ રાખવાની ભૂલ કરી બેસે છે. એકબીજાને જોઈને ખેતી કરવાની પરંપરા આપણા ગામડાઓમાં હજુ પણ ચાલી રહી છે. ઉદાહરણ સાથે સમજીએ, કોઈ પણ એક ગામમાં ખેતીમાં સારી આવક મેળવતો ખેડૂત મગફળી, કપાસ કે પછી અન્ય કોઈ પાકનું વાવેતર કરે તો એ જ ગામના અન્ય ખેડૂતો પણ એ જ પાકનું વાવેતર કરશે. ત્યારે ખેડૂતોને એમ હોય છે કે અમે વાવેલા પાકનું ઉત્પાદન સારું થશે અને બજારભાવ પણ સારા મળશે.
જ્યારે આખા જિલ્લામાં કે રાજ્યમાં એકસાથે મોટાપાયે કપાસ કે મગફળીનું ઉત્પાદન થાય છે, ત્યારે બજારમાં તેનો પૂરવઠો ઘણો વધી જાય, સામે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પૂરવઠાની સરખામણીએ એટલી માંગ ન પણ હોય એટલે માંગ અને પૂરવઠાનો જે સિદ્ધાંત છે તે પ્રમાણે માલની માંગ ઘટી જવાથી સરવાળે બજારભાવ ઘટશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ મહેનત તો ખૂબ કરી હોય છે પરંતુ પાકનું યોગ્ય વળતર મળતું નથી. આ સમસ્યાનું એકમાત્ર સમાધાન છે માંગ આધારિત ખેતી કરવી.
માંગ આધારિત ખેતી એટલે બજારમાં જે પાકોની ખાસ માંગ હોય છે. તેવા પાકોની પસંદગી કરીને વાવેતર કરવું. ખેડૂતોએ પોતાના પાક પસંદ કરતા પહેલાં વિચારવું જોઈએ કે નજીકની બજારમાં કયા પાકને વધારે ભાવ મળે છે, કયા પાકને ઝડપથી વેચી શકાય છે, કયા પાકની નિકાસ કરી શકાય અને કયા પાક માટે બજારભાવ ભવિષ્યમાં પણ સ્થિર રહેશે. આવી રીતે જો ખેડૂત પાકનું આયોજન કરશે તો તેને નફામાં ચોક્કસ વધારો થશે.
પરંપરાગત રીતે એક જ જમીનમાં વારંવાર એક જ પાક કરવાથી જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે, રોગ-જીવાતનો ઉપદ્રવ વધી જાય છે અને ઉત્પાદન ધીમે-ધીમે ઘટતું જાય છે. ઉદાહરણ તરીકે, સતત ઘઉં કે કપાસ વાવવાથી ત્રીજા કે ચોથા વર્ષે પ્રતિ વીઘાએ ઉત્પાદન ઓછું થતું જાય છે.
તેની પાછળનું મુખ્ય કારણ જમીનની ભૂરચનામાં ફેરફાર થશે નહીં, જમીનમાં પોષક તવોનું અસંતુલિત થવું, સુક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો-ઘટાડો થવો, પાકના અંકુરણ બાદ રાસાયણિક સંયોજનોના ઉત્પાદન દ્વારા એક છોડ દ્વારા બીજા પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ હાનિકારક અસર થશે. છોડ દ્વારા પર્યાવરણમાં ઝેરી રાસાયણિક પદાર્થો છોડવામાં આવે છે. જે એક જ છોડની પ્રજાતિના અંકુરણ અને વૃદ્ધિને અટકાવે છે, પાકમાં આવતા નીંદણનો પ્રકોપ વધવો એટલે જો ખેડૂતો માત્ર એક જ પાક પર આધાર રાખશે તો લાંબા ગાળે નુકસાન થશે.
કેટલાક વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે, માંગ આધારિત ખેતી એટલે કે, બજારની જરૂરિયાત અનુસાર ખેતી કરવી એ આજના સમયમાં ખેડૂતો માટે સૌથી અસરકારક રસ્તો છે. પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો ભૂતકાળના પાક ઉત્પાદન સંબંધિત માહિતી, કોઈપણ બજારના ભાવ, વરસાદનું અનુમાન, તાપમાન અને બજારની સ્થિતિ અંગેની માહિતી પણ મેળવી શકે છે. જેથી બજારમાં કયા પાકની માંગ વધારે છે અથવા તો કયા પાકનું વાવેતર કરવાથી સારો બજારભાવ મેળવી શકે, તે જાણીને ખેતી કરશે તો આવક પણ સારી થશે.
આજે ગુજરાતમાં શાકભાજી પાક જેવા કે, મરચાં, ટમેટાં, ડુંગળી, લીલા વટાણા રોજિંદા બજારમાં સતત માંગ ધરાવે છે. ઔષધીય અને સુગંધિત પાકો જેમ કે એલોવેરા એટલે કે કુવારપાઠું, અશ્વગંધા, ઇસબગુલ ઔદ્યોગિક અને ઔષધીય બજારમાં ઊંચા ભાવ મેળવે છે.
ફળ પાકોમાં ડ્રેગનફ્રુટ, જામફળ, પપૈયા, કેરી અને દાડમ જેવા પાક ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે, તેમાં પણ બાગાયતી પાક જામફળ, દાડમ અને કેરી જેવા પાકો નિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. નિકાસ માટે જીરૂ, હળદળ અને મરચાં જેવા મસાલા પાકોની પણ ભારે માંગ રહે છે. આ પાકો પરંપરાગત પાકની સરખામણીમાં ખેડૂતોને વધુ આવક આપી શકે છે.
બજારમાંગઅનેભાવનિર્ધારણ માટે સરકારની યોજનાઓ
અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, ખેડૂતો યોગ્ય સમય પર યોગ્ય માહિતી મેળવી, જો સમયની માંગ આધારિત પાકોનું વાવેતર કરશે તો ખેતીખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો મેળવી શકશે. ઉદાહરણ તરીકે ટમેટાં, બટાકાં અને ડુંગળી જેવા ટોપ પાક માટે ભારત સરકારની ઓપરેશન ગ્રીન્સ યોજના છે. જે ટોપ પાકના પૂરવઠાને સ્થિર કરવા તેમ જ ભાવની અસ્થિરતા વિના સમગ્ર દેશમાં તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અર્થે બહાર પાડેલ છે.
ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ હેઠળ ભાવ ખાધ ચૂકવણી યોજના પણ લાગુ કરવામાં આવેલ છે. તેની પાછળનું મૂળ કારણ સપ્લાય-ડિમાન્ડનું સંતુલન સાધીને ખેડૂતોને ભાવમાં સ્થિરતા મળે એ છે.
હવે સમય આવી ગયો છે કે, ખેતીનો રસ્તો બદલીએ અને બજારની માંગને ધ્યાનમાં રાખીને પાકનું આગોતરું આયોજન કરીએ, જેથી કૃષિ પાકોને નિકાસ પણ કરી શકીએ અને બજારભાવ સારા મેળવીને ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય. ખેતીને ફાયદાકારક બનાવવા માટે હવે ટેક્નોલોજી અને બજારની સમજણ બંનેનો સંયુક્ત ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે.
માંગ આધારિત ખેતીમાં ખેડૂતોએ પાકની પસંદગી કરતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ
• સ્થાનિક બજાર અને નિકાસ બજારમાં કયા પાકની હાલમાં માંગ છે તેની જાણકારી.
• નજીકના ભવિષ્યમાં કયા પાકનો ભાવ વધે તેવી શક્યતા જણાય છે.
• જમીનની જાત, પાણીની ઉપલબ્ધતા અને આબોહવા અનુસાર કયો પાક વધુ યોગ્ય છે.
• પાકની પસંદગી કર્યા પછી નાના-મોટા વિસ્તારમાં અલગ-અલગ પાકોનું થોડું આયોજન શક્ય હોય તો કરવું જોઈએ, જેથી એક પાક નિષ્ફળ જાય અથવા તો સારો બજારભાવ ના મળે તો બીજા પાક થકી તેનું વળતર સારું મેળવી શકાય.




