Get The App

ખેડૂતોના સાથી ‘ગામ પુરુષ’ ડૉ. ગોપાલ ત્રિવેદીને મરણોત્તર પદ્મશ્રી: જાણો તેમનું યોગદાન

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
ખેડૂતોના સાથી ‘ગામ પુરુષ’ ડૉ. ગોપાલ ત્રિવેદીને મરણોત્તર પદ્મશ્રી: જાણો તેમનું યોગદાન 1 - image

Who is Gopal Trivedi?: બિહારના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક અને રાજેન્દ્ર કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. ગોપાલ જી. ત્રિવેદીને કૃષિ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ મરણોત્તર 'પદ્મશ્રી' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આગામી 25 મેના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત પદ્મ પુરસ્કાર 2026ના પ્રથમ અલંકરણ સમારોહ દરમિયાન આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવશે.

ડૉ. ત્રિવેદીએ બિહારમાં કૃષિ શિક્ષણ, ખેડૂત સશક્તિકરણ, મત્સ્ય આધારિત ખેતી પદ્ધતિ, મકાઈની ઉત્પાદકતામાં સુધારો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી લીચીની ખેતીના વિકાસમાં અસાધારણ યોગદાન આપ્યું હતું. તાજેતરમાં જ 12 મે, 2026ના રોજ તેમનું અવસાન થયું છે.

'ગામ પુરુષ' અને 'કિસાન મિત્ર' તરીકે જાણીતા હતા

ગ્રામીણ આજીવિકા સુધારવા અને પાયાના સ્તરે ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉ. ત્રિવેદી ખેડૂતોમાં 'ગામ પુરુષ' અને 'કિસાન મિત્ર' તરીકે લોકપ્રિય હતા.

15 ફેબ્રુઆરી, 1930ના રોજ જન્મેલા ડૉ. ત્રિવેદીએ 1954માં બિહારની સબૌર કૃષિ કોલેજમાંથી કૃષિ સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ 1958માં તે જ સંસ્થામાંથી એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એજ્યુકેશનમાં માસ્ટર્સ કર્યું અને 1963માં નવી દિલ્હીની પ્રતિષ્ઠિત ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (IARI), પુસામાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

ગ્રામીણ પરિવારો માટે 'ત્રિવેદી સ્કેલ' વિકસાવ્યો

તેમણે બિહારની તિરહુત કૃષિ કોલેજ, ધોલી ખાતે પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. રાજેન્દ્ર કૃષિ યુનિવર્સિટીમાં ડિરેક્ટર ઓફ એક્સટેન્શન એજ્યુકેશન તરીકે કાર્ય કર્યા બાદ, તેઓ 1988થી 1991 દરમિયાન આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે રહ્યા હતા.

તેમણે ગ્રામીણ પરિવારોના સામાજિક-આર્થિક સ્તરને માપવા માટે એક વિશેષ સ્કેલ વિકસાવ્યો હતો, જે 'ત્રિવેદી સ્કેલ' તરીકે ઓળખાય છે. આ સંશોધને ગુણાત્મક લક્ષણોને ગુણાંક માપદંડમાં બદલીને આ ક્ષેત્રમાં ક્રાંતિ આણી હતી.

મત્સ્ય આધારિત ખેતી: 'બાબા' મોડલ

ડૉ. ત્રિવેદીએ નિવૃત્તિ પછી 3 દાયકાથી વધુ સમય પોતાના વતનના ગામમાં ખેડૂતો સાથે વિતાવ્યો હતો. તેમના સઘન પ્રયાસોથી 22 ખેડૂતોએ તેમની 86 એકરની પડતર નીચાણવાળી ભેજવાળી જમીનને મત્સ્ય આધારિત ખેતી પદ્ધતિમાં ફેરવી દીધી, જેને 'બાબા' નામ આપવામાં આવ્યું છે. આ નવીન પ્રયોગથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યું અને સીમાંત ગ્રામીણ વસ્તી માટે રોજગારીની નવી તકો ઊભી થઈ.

લીચીની ખેતીમાં પીપીપીમોડલ અને આધુનિક ટેક્નિક

લીચીના હબ ગણાતા મુઝફ્ફરપુરમાં તેમણે ખેડૂતો અને કૃષિ-ઉદ્યોગો વચ્ચે 'પ્રાઇવેટ-પ્રાઇવેટ પાર્ટનરશિપ'નો આઇડિયા રજૂ કર્યો હતો. જેના કારણે ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાયુક્ત લીચીનું ઉત્પાદન કરવા અને ગામડાઓમાં જ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે પ્રેરિત થયા. લીચીના બગીચાઓમાં જ્યારે અન્ય લોકો ડાળીઓ કાપવામાં અચકાતા હતા, ત્યારે તેમણે આધુનિક કેનોપી મેનેજમેન્ટ ટેક્નિક અપનાવી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મકાઈના ઉત્પાદનમાં ક્રાંતિ અને મળેલા સન્માન

બિહારમાં શિયાળુ મકાઈની ખેતીને પ્રોત્સાહન આપી અને આધુનિક કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમણે મકાઈની ઉત્પાદકતા વધારવા માટે વર્ષો સુધી કામ કર્યું. આનાથી ખેડૂતો પ્રતિ હેક્ટર 10 ટનથી વધુની બમ્પર ઉપજ મેળવતા થયા, જેનાથી તેમની આવકમાં મોટો ઉછાળો આવ્યો.

અગાઉ મળેલા મુખ્ય પુરસ્કારો:

નવેમ્બર 2011: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે 'લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ'

વર્ષ 2015: કૃષિ ઋષિ એવોર્ડ

કૃષિ અને ગ્રામીણ ઉત્થાનમાં ડૉ. ગોપાલ જી. ત્રિવેદીનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે અને વર્ષ 2026નો આ પદ્મશ્રી પુરસ્કાર તેમની આજીવન સેવાની સાચી સ્વીકૃતિ છે.