પરંપરાગત પિયત પદ્ધતિ છોડીએ, જમીન બગડતી અટકાવીએ, ભેજ જાળવીને ઉત્પાદન વધારીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનું આગમન થયું છે, તેમાં કૃષિ ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી. જૂનાગઢ જિલ્લાના, મેંદરડા તાલુકાના આલિધ્રા ગામના ખેડૂત, પીયૂષકુમાર પરસોત્તમભાઈ ભેંસદળિયા આધુનિક ખેતી સાથે તાલ મિલાવી રહ્યા છે. 30 વીઘા જમીન ધરાવતા પીયુષભાઈએ જૂની પિયત પદ્ધતિને ત્યજીને, ટેક્નોલોજીનાં ઉપયોગ થકી આધુનિક પિયત અપનાવીને, ઓછા શ્રમથી વધુ ઊપજ મેળવી રહ્યા છે.
પીયૂષભાઈના મતે, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી એ સમયની માંગ છે. પરંપરાગત ધોરિયા પદ્ધતિમાં પાણીનો ખૂબ બગાડ થતો હતો અને મજૂરોની પણ વધુ જરૂર પડતી હતી. આજનાં સમયમાં મજૂરો મળવા મુશ્કેલ છે, તેથી ખેતીમાં આ ટેક્નોલોજી અપનાવવી અનિવાર્ય છે. પીયૂષભાઈએ ડ્રીપ અને મિની-સ્પ્રિંકલર જેવી પદ્ધતિઓ અપનાવીને તેમની ખેતીને વધુ ફળદાયી બનાવી છે.
તેમના અનુભવ મુજબ, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવ્યા પછી ઘણો ફાયદો ઉત્પાદનમાં થયો છે. વર્ષ 2015-16માં જ્યારે તેમણે કપાસની ખેતીમાં પ્રથમવાર ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કર્યો, ત્યારે તેમને વીઘાદીઠ 30-35 મણ ઉત્પાદન મળ્યું, જ્યારે ધોરિયા પદ્ધતિથી તેમને આશરે 25-30 મણ જ ઉત્પાદન મળતું હતું. આ ઉપરાંત, પાણીનો ઉપયોગ પણ ખૂબ જ કાર્યક્ષમ રીતે થયો.
પાકને પાણીની નહીં, ભેજની જરૂર છે
વર્ષોથી ખેતી કરતા ખેડૂતો કે જે પરંપરાગત ઘોરિયા પદ્ધતિથી જ સિંચાઈ કરતા હોય, જમીન બગડતી હોય, પાણી પણ વધુ વપરાતું હોય, વીજ બિલ પણ વધતું હોય ક્યારેક ઉત્પાદન પણ ઘટતું હોય તો પણ પરંપરાગત પિયત પદ્ધતિ છોડતા ન હોય ત્યારે પ્રશ્ન થાય કે આવું કેમ ? જેમ ખાતરમાં મોટાભાગના ખેડૂતો એવું માનતા હોય છે કે વધુ ખાતર એટલે વધુ ઉત્પાદન, પાણીની બાબતમાં પણ કંઈક આવું જ છે.
મોટાભાગના ખેડૂતો એવું માનતા હોય છે કે, જ્યાં સુધી ખેતર પાણીથી તરબતર ન થાય ત્યાં સુધી પિયત આપી એવું ન લાગે. પણ આ માન્યતા ખોટી તો છે જ તેથી વિશેષ ખેતી અને ખેડૂત બંને માટે નુકસાનકર્તા પણ છે.
એક સીઘુ જ ઉદાહરણ આપણે સમજીએ, નાનું બાળક હોય તેને પોષણની જરૂરિયાત હોય અને મા તેને ચમચીથી દૂઘ આપવાના બદલે માનો કે એક ગ્લાસ ભરીને દૂઘ પીવડાવે તો બાળકની સ્થિતિ કેવી થાય ? તેનો અર્થ એટલો જ થયો કે જેને જેટલી જરૂર હોય તેટલું જ પોષણ આપવાનું હોય. છોડને પણ આ વાત લાગુ પડે છે. એટલે કે છોડને પાણી નહીં પણ ભેજની જરૂર હોય છે. મર્યાદિત પાણી આપી પિયત કરવાથી પણ છોડને ભેજનો લાભ મળતો રહે છે.
મોટાભાગના પાકોમાં ટપક-ફુવારા પદ્ધતિ ઉપયોગી
પીયૂષભાઈ વિવિધ પાકો માટે અલગ-અલગ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કપાસ, તુવેર, એરંડા અને બાગાયતી પાકો માટે ડ્રીપ ઇરિગેશન ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. જ્યારે મગફળી, ઘઉં, જીરૂ, લસણ અને ડુંગળી જેવા પાકો માટે તેઓ મિની-સ્પ્રિંકલરનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓનો ફાયદો એ છે કે તે જમીનને પોચી રાખે છે, જેનાથી લસણ અને ડુંગળી જેવા કંદમૂળના પાકોમાં કંદની સાઇઝ એકસરખી અને સારી રીતે વિકસે છે.
ટપક-ફુવારા પદ્ધતિ એ ખર્ચ નહીં પણ મૂડીરોકાણ
આધુનિક સિંચાઈ પદ્ધતિઓ માત્ર ઉત્પાદન જ નથી વધારતી, પરંતુ સમય અને શ્રમની પણ બચત કરે છે. ડ્રીપ સિસ્ટમ દ્વારા ખાતર (શ-ઁ-ણ-19ઃ19ઃ19) પણ સીધુ વેંચુરીથી છોડને આપી શકાય છે. પીયૂષભાઈ જણાવે છે કે, કપાસમાં અઢી વીઘામાં પાણી આપવા માટે એક કલાક અને ખાતર આપવા માટે માત્ર 10 મિનિટ લાગે છે.
ડ્રીપ કે સ્પ્રિંક્લરના કારણે ખાતરનો બગાડ પણ થતો નથી અને સમયનો ભરપૂર બચાવ થાય છે. ગયા વર્ષે તેમણે 30 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓના કારણે તેમને 25 મણ પ્રતિ વીઘા ઉત્પાદન મળ્યું, જે ધોરિયા પદ્ધતિ કરતા 10-15 ટકા વધારે હતું.
તેઓ જણાવે છે કે, આધુનિક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં થતો ખર્ચ એક વખતનું રોકાણ છે, જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થાય છે. તેમને 2 હેક્ટર જમીન માટે વીઘે અંદાજિત રૂપિયા 10-12 હજારનો ખર્ચ સબસિડી બાદ કરતા થયો હતો. તેઓ માને છે કે જો સરકાર નાના ખેડૂતો માટે સહાયમાં વધારો કરે, તો આ ટેક્નોલોજીનો વ્યાપ વધુ ઝડપથી વધશે.
કોઈપણ ખેડૂત આધુનિકતા સાથે, ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, કૃષિ ક્ષેત્રના અનેક પડકારોને સહજ બનાવી સારો નફો રળી શકે છે.




