Kheda

નડિયાદમાં ₹3.70 કરોડના સોનાની લૂંટનો ભેદ વિરમગામ પોલીસે ઉકેલ્યો: PI 500 મીટર સુધી ઢસડાયા છતાં 4 આરોપીને ઝડપી પાડ્યા

By GS Team
4 Oct 20263 mins read
TukuTouch Logo
નડિયાદ રેલવે સ્ટેશનેથી 3.70 કરોડના 2.7 કિલો સોનાની લૂંટ કરી ફરાર થયેલા 4 આરોપીઓને પોલીસે વિરમગામ નજીકથી 3 કલાકમાં ઝડપી લીધા. માસ્ટરમાઈન્ડ ફરિયાદીની જ કંપનીનો પૂર્વ કર્મચારી નીકળ્યો. PI ગઢવી ચાલુ કારે 500 મીટર ઢસડાયા છતાં, હિંમતભેર આરોપીઓને દબોચી લીધા. પોલીસે 3,76,69,751નો મુદ્દામાલ રિકવર કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નડિયાદમાં ₹3.70 કરોડના સોનાની લૂંટનો ભેદ વિરમગામ પોલીસે ઉકેલ્યો: PI 500 મીટર સુધી ઢસડાયા છતાં 4 આરોપીને ઝડપી પાડ્યા

Nadiad Gold Robbery: નડિયાદ રેલવે સ્ટેશન પર હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાંથી ઉતરેલા વેપારી પાસેથી 3.70 કરોડ રૂપિયાની કિંમતનું 2.7 કિલો સોનું લૂંટીને ફરાર થયેલા ચાર લૂંટારાઓને પોલીસે વિરમગામ નજીકથી માત્ર 3 કલાકમાં ઝડપી લીધા હતા. છેલ્લા 4 મહિનાથી ઘડાયેલું લૂંટનું પ્લાનિંગ પોલીસની ત્વરિત કામગીરી સામે અસફળ સાબિત થયું હતું. આ ઓપરેશન દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ મથકના PI એસ. એ. ગઢવી ચાલુ કારે 500 મીટર સુધી ઢસડાયા હોવા છતાં, હિંમત દાખવી કાર અટકાવીને આરોપીઓને દબોચી લીધા હતા.

રેલવે સ્ટેશનેથી સોનાની લૂંટ કરી કારમાં ફરાર થયા

પોલીસના જણાવ્યાનુસાર, ગઈકાલે (ત્રીજી ઓક્ટોમ્બર) બપોરે આશરે 1 વાગ્યાના સુમારે નડિયાદ રેલવે સ્ટેશન પર લૂંટની ઘટના બની હતી. 'ગ્રો મોર બુલિયન્સ' કંપનીમાં કામ કરતા ફરિયાદી ભરત ચૌધરી કોલકાતાથી 2.7 કિલોગ્રામ સોનાની ચેન લઈને નડિયાદ આવી રહ્યા હતા. તે જેવા સ્ટેશન પર ઉતર્યા કે તુરંત 4 અજાણ્યા શખસો તેની પાસે રહેલું 3.70 કરોડ રૂપિયાનું સોનું આંચકીને કારમાં ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ સમયસૂચકતા વાપરી લૂંટારાઓની કારનો ફોટો પાડી રેલવે પોલીસને જાણ કરી હતી.

50થી વધુ પોલીસકર્મીઓ અને ટીમો એક્શનમાં

રેલવે પોલીસે સ્ટેટ કંટ્રોલ રૂમને જાણ કરતા જ પશ્ચિમ રેલવે પોલીસ, અમદાવાદ ગ્રામ્ય LCB, વિરમગામ ટાઉન અને માંડલ પોલીસ સ્ટેશનની ટીમો ઍલર્ટ થઈ ગઈ હતી. 50થી વધુ પોલીસ કર્મચારીઓએ લૂંટારાઓના સંભવિત ભાગવાના રૂટ પર નાકાબંધી ગોઠવી દીધી હતી. LCBની ટીમે બાતમીદાર નેટવર્કથી લૂંટારાઓની કાર ટ્રેસ કરી હતી. પોલીસે સૌપ્રથમ ખોરજ નજીક હાઈવે બ્લોક કરીને નંબર વગરની કાર અટકાવી 1 આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે નીલકી ગામ પાસે બીજી કારને આંતરવાનો પ્રયાસ કરાયો હતો.

નીલકી ગામ પાસે આરોપીઓએ કાર રિવર્સમાં લઈને પોલીસના વાહનને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે વિરમગામ ટાઉન PI એસ. એ. ગઢવીએ લૂંટારાઓની કારનો દરવાજો પકડી રાખ્યો હતો. આરોપીઓએ ગાડી ભગાડતાં PI ગઢવી લગભગ 500 મીટર સુધી રોડ પર ઢસડાયા હતા. તેમ છતાં, હિંમત હાર્યા વગર તેમણે ચાલુ કારની અંદર પ્રવેશી ઇમરજન્સી બ્રેક મારીને સ્ટીરિંગ પર કાબૂ મેળવી ગાડી રોકી દીધી હતી.

પૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

આ લૂંટનો મુખ્ય સૂત્રધાર સાવન ચૌધરી અગાઉ ફરિયાદીની કંપની 'ગ્રો મોર બુલિયન્સ'માં જ નોકરી કરતો હતો. જેથી તેને ફરિયાદી ભરતની મુસાફરી, ટ્રેન, બોગી અને સોનાની હેરફેરની તમામ પેટર્નની ખબર હતી. નોકરી છોડ્યા બાદ દિયોદરમાં પાન પાર્લર ચલાવતા સાવને અન્ય 3 સાથીદારો સાથે મળીને છેલ્લા 4 મહિનાથી આ લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. ઘટનાના દિવસે ટ્રેનનું ઓનલાઈન લોકેશન ટ્રેક કરી તે રેકી કરીને લૂંટ કરવા પહોંચ્યા હતા.

₹3.76 કરોડનો મુદ્દામાલ રિકવર

પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરીને લૂંટેલું સોનું, 5 મોબાઈલ ફોન, રોકડ રકમ અને 2 કાર મળીને કુલ 3,76,69,751 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે તમામ આરોપીઓ તથા મુદ્દામાલ વેસ્ટર્ન રેલવે GRP પોલીસને સોંપવામાં આવ્યા છે.